સુરત: (Surat) આમ આદમી પાર્ટીના (Aam Admi Party) પાંચ નગરસેવક ભાજપમાં (BJP) જોડાયા બાદ રાજ્યની રાજકીય હલચલ વધી ગઇ છે. હજુ પણ પાંચથી છ નગરસેવક ભાજપમાં જોડાવાના હોવાની વાત વચ્ચે સુરતના ‘આપ’ સમર્થકોમાં રોષની લાગણી છે. તેથી ભાજપની કંઠી બાંધ્યા બાદ આ પાંચેય નગરસેવકે તુરંત શહેરમાં આવવાનું જોખમ લીધું ન હતું. પરંતુ શુક્રવારે સુરત આવેલા આ પાંચેય નગરસેવક પોલીસ બંદોબસ્ત (Police Arrangement) સાથે દેખાયા હતા. પાંચેય નગરસેવકના પૂતળાદહન સહિતના કાર્યક્રમો વરાછા-યોગીચોક વિસ્તારમાં થયા હતા. વળી, આ નગરસેવકોનું ઘર પણ આપ સમર્થિત વિસ્તારમાં જ હોવાથી તેના પર હુમલાનો ભય હોય, આ નગરસેવકોનાં ઘર પર પોલીસ બંદોબસ્ત અપાયો છે. દરમિયાન શહેર ભાજપ સંગઠન સાથે પાંચેય નગરસેવકની મીટિંગ કાર્યાલય ખાતે થઇ હતી. ત્યાર બાદ શહેર પ્રમુખે પાંચેય નગરસેવકને મનપાના પદાધિકારીઓની મુલાકાત કરવા આદેશ આપ્યો હતો. તેથી આ નગરસેવકો પોલીસ બંદોબસ્ત સાથે મનપામાં આવ્યા હતા.
ભાજપમાં જોડાયેલા કોર્પોરેટરના ‘આપ’ની ટોપીવાળા ફોટો ડાયરી-આઇકાર્ડમાંથી હટાવાયા
આમ આદમી પાર્ટીના પાંચ નગરસેવક ભાજપમાં જોડાઇ ગયા એ પહેલા જ મનપાની વર્ષ-2022/23ની ડાયરી માટે ફોટો અપાઇ ગયા હતા. આથી મનપાની ડાયરીમાં ‘આપ’ની ટોપીવાળા ફોટો ડાયરીમાં મુકાયા હતા. સાથે સાથે ‘આપ’ના તમામ નગરસેવકોની આઇકાર્ડમાં ટોપીવાળા જ ફોટો હોય, હવે આ પાંચ કોર્પોરેટર ભાજપમાં જોડાઇ જતાં મનપાના પીઆરઓ વિભાગને સૂચના આપી ડાયરીમાં જૂના ફોટો હટાવી નવા ફોટો છાપવા કહી દેવાયું છે. સાથે સાથે આઇકાર્ડમાંથી પણ ટોપીવાળો ફોટો હટાવી નવા ફોટો સાથેના કાર્ડ બનાવવા કહી દેવાયું છે.
આજે ભાજપ કાર્યાલયે ‘મોક બજેટ’માં પક્ષપલટુ નગરસેવકો પણ જોડાશે
‘આપ’નું ઝાડુ છોડીને ભાજપનો ખેસ પહેરી લેનારા પાંચેય નગરસેવક હવે ભાજપના તમામ કાર્યક્રમો, આયોજનોમાં જોડાવા માંડ્યા છે. આગામી 16 અને 17 તારીખે મનપાના બજેટને મંજૂરી આપવા સામાન્ય સભા છે તેમાં પણ આ પાંચેય નગરસેવકને ભાજપ શાસકોની ‘વાહ..વાહી’ કરવાનો ટાસ્ક સોંપવાની ગોઠવણ કરાઇ છે. તેથી શનિવારે બજેટ પર ચર્ચા માટે ભાજપના સભ્યોને ટ્રેનિંગ આપવા માટે કાર્યાલય ખાતે યોજનારા ‘મોક બજેટ’માં પણ આ પાંચેય નગરસેવકને હાજર રહેવા સૂચના અપાઇ છે.