સુરત: (Surat) શહેરમાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. મંગળવારે શહેરમાં કોરોનાના વધુ 81 પોઝિટિવ દર્દી (Patient) નોંધાયા હતા અને તે સાથે જ કુલ આંક 40,815 પર પહોંચ્યો છે. પરંતુ છેલ્લા ઘણા દિવસોથી કોરોનાથી એક પણ મોત નોંધાઈ રહ્યું નથી તેમજ મંગળવારે શહેરમાં વધુ 60 દર્દીઓ ડિસ્ચાર્જ (Discharge) થતા અત્યારસુધીમાં શહેરમાં કુલ 39,556 દર્દીઓ સાજા થયા છે અને રીકવરી રેટ 96.92 ટકા પર પહોંચ્યો છે.
ઝોન કેસ
- અઠવા 29
- કતારગામ 13
- રાંદેર 12
- લિંબાયત 08
- વરાછા-બી 07
- વરાછા-એ 06
- ઉધના 04
- સેન્ટ્રલ 02
નવી સિવિલમાં એકસાથે મોટી સંખ્યામાં લોકો વેક્સિન લેવા માટે આવી જતાં ડોકટરો દોડતાં થઈ ગયા
સુરત : સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ફરીવાર પગારનો મુદ્દો વિવાદમાં આવ્યો છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાનો પગાર થયો ન હોવાથી કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ કેટલાક એવા પણ કર્મચારીઓ છે જે પોતાની ફરજને પ્રાધાન્ય આપી રહ્યા છે. નવી સિવિલ હોસ્પિટલમાં વેક્સિનેશનમાં ઓપરેટર તરીકે કામ કરતા કેટલાક કર્મચારીઓનો પગાર થયો નથી, તેવામાં આજે વેક્સિનેશનનું સર્વર ડાઉન થઇ ગયુ હતુ. ત્યારે આ ઓપરેટરોએ કોમ્પ્યુટરમાં જ અલગથી ફાઇલ બનાવીને 300 લોકોનો રેકોર્ડ નોંધ્યો હતો અને તેઓને વેક્સિન આપી હતી.
હાલમાં વેક્સિનેશનનો ત્રીજો તબક્કો શરૂ થઇ ગયો છે. ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ, સિનિયર સિટીઝન, મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ સહિત તમામ લોકો હવે પોતાની મરજી પ્રમાણે વેક્સિન મુકાવી શકે તે માટે ગાઇડલાઇન બહાર પાડી દેવામાં આવી છે. બીજી તરફ વેક્સિનેશનના ત્રીજા તબક્કામાં મંગળવારે સિવિલ હોસ્પિટલમાં લોકોના ધસારાને જોઇને ડોક્ટરો અને સ્ટાફ ચોંકી ઉઠ્યો હતો. સવારના સમયથી કોવિડ વેક્સિનનું સર્વર ડાઉન થઇ ગયું હતું અને આગળ પ્રોસેસ થઇ શકી જ ન હતી. જે લોકોનું રજીસ્ટ્રેશન થયું હતું અને જે વ્યક્તિનો આજે વેક્સિનનો નંબર હતો તેઓના નામો પણ નહીં આવતા ડોક્ટરોમાં ચિંતા જોવા મળી હતી.
તેવામાં એક સાથે મોટી સંખ્યામાં લોકો આવી જતા સુપરીન્ટેન્ડન્ટ સહિતના ડોક્ટરો દોડતા થયા હતા. બીજી તરફ વેક્સિનેશનમાં કામ કરતા કોમ્પ્યૂટર ઓપરેટરોએ અલગથી ફાઇલ બનાવી હતી અને જે લોકો વેક્સિન લેવા માટે આવ્યા હતાં. તેઓના આધારકાર્ડ તેમજ તેઓના મોબાઇલ નંબર અને નામ સહિતની વિગતો નોંધી હતી અને 300 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. ક્લાર્ક અને ઓપરેટરોએ પોતાની ફરજને પ્રાધાન્ય આપ્યું હતું અને વેક્સિનેશનની કામગીરી અટકવા દીધી ન હતી.