સુરત(Surat): સુરતમાં જે રીતે બે દિવસથી કોરોનાના (Corona) કેસ ઘટી રહ્યાં છે તે જોતા કોરોનાની ત્રીજી લહેરના વળતાં પાણી થઈ રહ્યા હોવાનું મનાઈ રહ્યું છે. સુરતમાં ગત તા.18મી જાન્યુ.ના રોજ અત્યાર સુધીના સૌથી વધુ 3563 કેસ નોંધાયા હતા. જ્યારે તા.19મીના રોજ ઘટીને 3318 કેસ નોંધાયા હતા. આજે તા.20મી જાન્યુ.ના રોજ પણ કોરોનાના કેસ ઘટીને 2981 જ કેસ નોંધાતા સુરતમાં પણ કોરોનાના કેસનો પીક સમય આવી ગયો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
સુરતમાં ગુરૂવારે કોરોનાના 2042 દર્દીઓ સાજા થઈ ગયા હતા. જ્યારે રિકવરી રેટ પણ 83.57 ટકાએ પહોંચી ગયો હતો. કોરોનાની પીક આવી ગઈ હોવાની શક્યતા છતાં પણ મનપાના અધિકારીઓ દ્વારા સાવચેતી રાખવા માટે શહેરીજનોને જણાવવામાં આવ્યું છે. આજે પણ મનપાના રાંદેર ઝોનમાં કોરોનાના કેસની સંખ્યા 1000ની ઉપર જ નોંધાઈ હતી. જ્યારે સૌથી ઓછા 75 કેસ ઉધના બી ઝોનમાં નોંધાયા હતા.
દિલ્હી, મુંબઈ, કોલકત્તાની જેમ સુરતમાં પણ કોરોનાના કેસની પીક આવી ગયાનું માની શકાય: ડે.કમિ. ડો. આશિષ નાયક
સુરતમાં અત્યાર સુધીમાં વિક્રમી કેસ નોંધાઈ ચૂક્યા છે અને બે દિવસથી જે રીતે કેસની સંખ્યા ઘટી રહી છે. જેથી દિલ્હી, મુંબઈ અને કોલકત્તાની જેમ સુરતમાં પણ કોરોનાના કેસની પીક આવી ગયાનું હાલના તબક્કે માની શકાય. સુરતમાં હોસ્પિટલમાં દાખલ થતાં કેસ સ્ટેબલ થઈ ગયા છે. સાથે સાથે કોરોનામાંથી સાજા થતાં દર્દીઓની સંખ્યા પણ હાલમાં રોજની 2000થી પણ વધારે છે. જેથી હવે કોરોનાની ત્રીજી લહેરની અસર ઘટી રહી હોવાની સંભાવના છે. જોકે, કોઈએ તેને હળવાશથી લેવાની જરૂરીયાત નથી અને કોરોનાની તમામ ગાઈડલાઈનનું ચોક્કસ પાલન કરવું જોઈએ તેમ મનપાના ડે.કમિ. ડો. આશિષ નાયકે જણાવ્યું હતું.
સુડા ઓફિસમાં જ 8 કર્મચારીઓ પોઝિટિવ
મનપા દ્વારા સુડા ભવનમાં તમામ કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 8 કર્મીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. તે ઉપરાંત 14 વ્યક્તિઓ વરાછા ઝોન-બીના મોટા વરાછા વિસ્તારના તીર્થ હેરીટેજ, 7 વ્યકિતઓ સ્વસ્તિક ટાવરમાં નોંધાયા હતા. 8 વ્યક્તિઓ સેન્ટ્રલ ઝોનના નાનપુરા વિસ્તારના સત્યમ એપાર્ટમેન્ટના એક જ વિસ્તારમાં નોંધાયા હતા. તે ઉપરાંત 5 વ્યક્તિઓ અઠવા ઝોનના વેસુ વિસ્તારના પંચમ ટાવરમાં નોંધાયા હતા જેથી આ સોસાયટીઓને ક્લસ્ટર કરવામાં આવી હતી.
શહેરમાં વધુ 29 વિદ્યાર્થીઓ કોરોનાની ચપેટમાં
છેલ્લા 24 કલાકમાં વધુ 29 વિદ્યાર્થીઓ કોરોનાની ચપેટમાં આવ્યા હતા. જેમાં રાયન ઇન્ટર નેશનલ શાળા, ડી પી એસ શાળા, એસ વિ એન આઈ ટી કોલેજ, એસ ડી જૈન શાળા, સરદાર વલ્લભભાઈ શાળા, પ્રેસીડન્ટ શાળા, ભૂલકા ભવન શાળા, વિ ટી ચોકસી કોલેજ, રીવાઈટેલ એકેડમી શાળા તથા અન્ય શાળાઓ તથા કોલેજમાં આવ્યા હતા. જેથી આ શાળાઓ તથા કોલેજમાં જે તે વર્ગ બંધ કરાવાયા હતા તેમજ શાળાઓમાં તથા કોલેજમાં કુલ 434 જેટલા વ્યક્તિઓનું કોન્ટેકટ ટ્રેસિંગ કરવામાં આવ્યું હતું.
કતારગામ અને અઠવાગેટની વૃદ્ધા તેમજ ગોડાદરાના વૃદ્ધને કોરોના ભરખી ગયો
કતારગામ આંગણવાડી પાછળ રેલ રાહત કોલોનીમાં રહેતાં 65 વર્ષીય નયનાબેન રમેશભાઇ ઘોડિયાને થોડા દિવસો પહેલા શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. જેના કારણે પરિવાર દ્વારા તેણીને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જ્યાં તેઓનો કોવિડ ટેસ્ટ કરવામાં આવતા તે પોઝિટિવ આવ્યો હતો. આજે ટૂંકી સારવાર બાદ તેમનું નીપજ્યું હતું. જ્યારે બીજી ઘટનામાં અઠવાગેટ વિરલ એપાર્ટમેન્ટમાં રહેતા 87 વર્ષીય કલાવતીબેન જરીવાલાએ અત્યાર સુધી કોરોનાની એક પણ વેકસિન લીધી ન હતી.
બુધવારે તેમની લથડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. સિવિલમાં તેમનો કોવિડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, અને એક દિવસની સારવાર બાદ તેમનું મોત થયું હતું. આ ઉપરાંત ગોડાદરા આસપાસ સોસાયટીમાં રહેતા 75 વર્ષીય બુધ્ધા બહાદૂર ગોરખાની તબિયત લથડતા તેને સારવાર અર્થે ગત 15 જાન્યુઆરીના રોજ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અને અહીં બહાદૂરનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પાંચ દિવસની સારવાર બાદ આજે તેમનું મોત નીપજ્યું હતું.