સુરત (Surat) શહેર અને રાજ્યમાં કોરોનાના (Corona) વધતા કેસ ફરી ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે રાજ્ય સરકારે નવી ગાઈડ લાઈન જાહેર કરી છે. અને તેનું ચૂસ્તપણે પાલન કરવા આદેશ કરાતા પોલીસ (Police) દ્વારા હવે કડક વલણ અપનાવવામાં આવશે. સેક્ટર-2 કમિશનરે તેમની હદમાં આવતા પોલીસ ઇન્સપેક્ટરોને માસ્ક (Mask) બાબતે દંડ નહી લઈ કામગીરીમાં ઢીલાશ રાખવા બાબતે તેડું આપ્યું છે.
રાજ્ય સરકારની સૂચના બાદ પોલીસ દ્વારા હવે શહેરમાં માસ્ક નહીં પહેરનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગઈકાલના રિપોર્ટમાં ઉમરા, સચીન, અમરોલી, રાંદેર, અડાજણ અને જહાંગીરપુરા પોલીસ સ્ટેશનોમાં માસ્કના દંડ બાબતે કોઇ કામગીરી કરવામાં આવી નથી. આ બાબતને ગંભીર રીતે લઈને સેક્ટર-2 કમિશનરે કોવિડ-19 અંગેની સુચનાનો ચુસ્તપણે પાલન કરવા ફરીથી તમામ પોલીસ સ્ટેશનના પીઆઈઓને સૂચના આપી હતી. અને સુચના મુજબ કાર્યવાહી ન કરવા બદલ ઉમરા, સચીન, અમરોલી, રાંદેર, અડાજણ અને જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરોને કાર્યવાહી નહીં કરવા બાબતે કારણસાથે હાજર રહેવા આગામી 27 તારીખે કમિશનર કચેરીમાં સેક્ટર 2 કમિશનરે બોલાવ્યા છે.
કોરોનાથી બચવા માટેનો ઉપાય વેક્સિન જ છે, બાકી હોય તે વેક્સિન લગાડી લે
કોરોનાની બીજી લહેર બાદ જેમ-તેમ સંક્રમણના આંકડા ઘટ્યા હતા પરંતુ હાલમાં જે રીતે કોરોનાના કેસના આંકડાઓ વધી રહ્યાં છે તે જોતાં કોરોનાની ત્રીજી લહેર જલ્દી આવશે તેમ મનાઈ રહ્યું છે. આંકડાઓ પ્રમાણે છેલ્લા 10 દિવસમાં કોરોનાના કુલ 117 કેસ નોંધાયા છે. જે પૈકી 88 લોકો ફુલ્લી વેક્સિનેટેડ હોવા છતા સંક્રમિત થયા છે. પરંતુ તેઓની હાલત ગંભીર થઈ નથી. સુ:ખદ વાત એ છે કે શહેરમાં વેક્સિન લેનારાઓના એકપણ કોવિડ દર્દીના આજદિન સુધી મોત થયાં નથી. જે બતાવી રહ્યું છે કે વેક્સિન લેનારા માટે કોરોના સામાન્ય રોગ જેવો બની રહ્યો છે.
વેક્સિનેશનથી કોવિડ પોઝિટિવિટીનો રેશિયો ઘટ્યો છે અને સાથે સાથે ડેથ રેશિયો તો નહીંવત પ્રમાણમાં છે. જેથી લોકો તાકીદે વેક્સિન લઈ સુરક્ષિત થાય તેમ મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું. વેક્સિન નહીં લેનારા હજી પણ હાઈ રિસ્ક ઝોનમાં છે. જેઓએ વેક્સિન લઈ લીધી છે તેઓ પણ કોવિડ એપ્રોપ્રિયેટ બિહેવિયર રાખે તે હાલમાં તો જરૂરી જ છે.
શહેરમાં હાલમાં ઓમિક્રોનના કન્ફર્મ કેસ માત્ર 2 જ છે અને હાલ 4 શંકાસ્પદ છે. તેમ છતાં જુના વેરિએન્ટ ડેલ્ટાના અચાનક કેસ વધવા પાછળ તંત્ર દ્વારા એવું તારણ કાઢવામાં આવી રહ્યું છે કે, છેલ્લા ચારેક મહિનામાં સામાજિક મેળાવડા વધ્યા છે. દિવાળી અને લગ્નસરામાં લોકો મોટા પ્રમાણમાં એકત્રિત થયા છે. તેમજ છેલ્લા 15 દિવસમાં ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે અને ઠંડીના સમયમાં વાયરલ ઈન્ફેક્શન ઝડપથી ફેલાય છે. જેથી પણ કેસ વધી રહ્યા છે. અને શહેરીજનોએ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવું ખુબ જરૂરી છે.