સુરત: કોરોનાના (Corona) પહેલા, બીજા અને ત્રીજા રાઉન્ડમાં દેશભરમાં વ્યવસ્થા અને સારવારમાં અવ્વલ રહેલા સુરત મનપાના (SMC) તંત્રએ ફરી એકવાર કોરોનાના નવા વેરિએન્ટ સાથેની સંભવિત લહેરના ભણકારા વચ્ચે કોરોના સામે વધુ એક લડાઇ માટે કમર કસી લીધી છે. સરકારની સૂચના મુજબ સુરત પાલિકાએ પણ હવે બેઠકનો દૌર શરૂ કર્યો છે. આગામી દિવસોમાં કોરોનાના કેસ વધે તેવા સંજોગોમાં ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટ્રીટમેન્ટ, આઇસોલેશન અને ક્વોરન્ટાઇન સરકારની ગાઈડ લાઈનનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત આગામી દિવસોમાં ખાનગી તબીબો સાથે પણ બેઠક કરવા માટે કવાયત શરૂ થઈ ગઈ છે. સંકલનના ભાગરૂપે મનપા દ્વારા સરકારી અને ખાનગી હોસ્પિટલમાં બેડની સુવિધાને લઈને ફરી એક વખત સમીક્ષા કરવામાં આવી છે, જેમાં 3000 બેડની વ્યવસ્થાનું પણ મોનિટરિંગ કરવામાં આવ્યું છે. જો કે, છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાનો એકપણ કેસ સુરત શહેરમાં નોંધાયો નથી. છતાં પણ અત્યારથી મોનિટરિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. વધુમાં વધુ લોકો વેક્સિનેશન કરે તેના માટે તમામ ઝોનના અધિકારીઓને તેમજ આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓને સૂચના આપી દેવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણના પહેલા અને બીજા તેમજ ત્રીજા તબક્કામાં સુરત કોર્પોરેશનની કામગીરીની દેશભરમાં નોંધ લેવાઇ હતી. ટીમ સુરતના અથાક પ્રયાસોથી કોરોના સંક્રમણ ઉપર ઘણે અંશે નિયંત્રણ લાવવામાં સફળતા પણ મળી હતી. અન્ય શહેરોની દૃષ્ટિએ સુરત શહેરની અંદર વેક્સિનેશનનું પ્રમાણ પણ ખૂબ જ સારી રીતે આગળ વધ્યું હતું. જો કે, હવે કોરોના વાયરસનું નવું વેરિએન્ટ BF.7ની ઘાતકતાને લઈને તંત્ર ફરી એક વખત એલર્ટ થયું છે. બેઠકો કરવાની શરૂઆત કરી દીધી છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં બેડની વ્યવસ્થાનું મોનિટરિંગ શરૂ કરી દેવાયું છે.
દરમિયાન મનપા કમિશનર શાલીની અગ્રવાલ દ્વારા એક ખાસ બેઠક બોલાવવામાં આવી હતી. આ મીટિંગમાં ડે.કમિશનર (હેલ્થ અને હોસ્પિટલ), ઈ.ચા. આરોગ્ય અધિકારી, સ્મીમેર હોસ્પિટલના ડીન, મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ, માઇક્રોબાયોલોજી વિભાગના વડા અને ઇ.ચા.નાયબ આરોગ્ય અધિકારી (વેક્સિનેશન બ્રાન્ચ) હાજર રહ્યા હતા. બેઠકમાં કમિશનરે ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટ્રીટમેન્ટ, આઇસોલેશન અને ક્વોરન્ટાઇન સરકારની ગાઈડ લાઈનનું પાલન કરવા માટે સૂચના આપી હતી. આ ઉપરાંત પાલિકાના તમામ અર્બન હેલ્થ સેન્ટર પર શરદી-ખાંસી અને તાવનાં લક્ષણો ધરાવતા દર્દીઓનું ટેસ્ટિંગ કરવા સૂચના આપી હતી. જો કોઈ પોઝિટિવ આવે તો તેનું સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવા જણાવ્યું હતું. આ ઉપરાંત બેઠકમાં સ્મીમેર, સિવિલ અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ બેડ અને વેન્ટિલેટરની સમીક્ષા કરવામાં આવી હતી. આગામી સમયમાં પ્રાઈવેટ ડોક્ટરોની મીટિંગનું આયોજન પણ કરવામાં આવશે તેમ પણ નક્કી કરવામાં આવ્યું હતું.
રોજના 20,000 ટેસ્ટિંગ સુધીની તૈયારી
સુરત મહાનગરપાલિકા પાસે હાલ સરકારી અને ખાનગી રીતે કોરોના ટેસ્ટિંગ માટેની કિટની વ્યવસ્થા કરવામાં આવી છે. રોજ 20,000 જેટલા લોકોનું ટેસ્ટિંગ કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા હાલ ઊભી કરવામાં આવી છે. આ વખતે ફરીથી કોરોના સંક્રમણની વધતી તીવ્રતાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પહેલાથી જ ટેસ્ટિંગ ઉપર સૌથી વધુ ભાર આપવામાં આવી રહ્યો છે.
વિદેશથી આવતા મુસાફરોને સેલ્ફ ટેસ્ટિંગ કરવા સૂચના
હાલ અત્યારે એરપોર્ટ ઉપર કોઈપણ પ્રકારની ટેસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી નથી. જો વિદેશથી આવતા દર્દીને થોડી પણ પોતાને શંકા હોય તો તેને તાત્કાલિક અસરથી જાતે જ ટેસ્ટિંગ કરાવી લેવા સૂચના જારી કરાઇ છે. અત્યારે જે પ્રકારની સરકારની ગાઈડલાઈન છે, તે મુજબ જ કામગીરી કરવામાં આવી રહી છે. સેલ્ફ મોનિટરિંગ કરીને ટેસ્ટિંગ કરી લેવું મુસાફરો માટે પણ હિતાવહ છે. માસ્ક પહેરવું કે તેને લઈને કોઈ નવી ગાઈડલાઈન હજી સુધી આવી નથી. જે પણ સરકારની સૂચના છે તે પ્રમાણેનું પાલન કરવામાં આવશે.
ચીનમાં કોરોનાના કેસો સતત વધતાં આખી દુનિયામાં ચિંતા વધી ગઈ છે. સુરતમાં પણ તંત્રએ સંભવિત કોરોના સામે લડવા માટેની તૈયારી કરી લીધી છે. નવી સિવિલ હોસ્પિટલમાં જ્યાં કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી હતી તે સ્ટેમસેલ બિલિંગ ફરીથી સજ્જ કરાઈ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સુરતમાં 2020માં કોરોનાના કેસો વધતાં નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી સ્ટેમસેલ બિલ્ડિંગમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરાઈ હતી. છેલ્લા દોઢેક વર્ષથી સુરતમાં કોરોનાના દર્દીઓ ઓછા થતા ગયા હતા. છેલ્લા એક મહિનાથી સુરતમાં કોરોનાનો સિરીયસ એકપણ દર્દી નથી. સ્ટેમસેલ હોસ્પિટલમાં શરૂ કરાયેલી કોવિડ હોસ્પિટલ પણ બંધ કરી દેવાઈ હતી. તે બિલ્ડિંગમાં ચૂંટણીના સમયે બંદોબસ્તમાં આવેલા પોલીસ જવાનોને રાખવામાં આવ્યા હતા. પરંતુ હવે ચીનમાં સતત વધી રહેલા કોરોનાના કેસોના કારણે તંત્ર હરકતમાં આવી ગયું હતું.
ગુરુવારે સિવિલ હોસ્પિટલમાં આરએમઓ, સુપરિન્ટેન્ડેન્ટ સહિતના અધિકારીઓની મીટિંગ મળી હતી. તેમાં આરોગ્ય વિભાગની સૂચના અનુસાર આગળની રણનીતિ તૈયાર કરાઈ હતી. કોરોનાના કેસો સતત વધે તેવા સંજોગોમાં શું કરવાનું અને કોરોના સામે કેવી રીતે સાવચેતી રાખવી તેના પર ચર્ચા કરાઈ હતી. એ માટે ખાસ સુરતની કોવિડ હોસ્પિટલ ફરીથી તૈયાર કરવા પર જોર અપાયું હતું. તેના ભાગરૂપે સ્ટેમસેલ બિલ્ડિંગને ફરીથી કોવિડ હોસ્પિટલ તરીકે તૈયાર કરી દેવાઈ છે. તેમાં સંપૂર્ણ સફાઈ કરી દેવામાં આવી છે. ઉપરાંત ઓક્સિજનના પાઈપની સર્વિસ કરી દેવાઈ છે. બેડ પણ સેટ કરી દેવાયા છે. નવી સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો.કેતન નાયકે જણાવ્યું હતું કે, કોવિડ હોસ્પિટલ તૈયાર થઈ ગઈ છે. જો પેશન્ટ પોઝિટિવ આવે તો જીનોમ સિક્વસિંગ માટે સેમ્પલ અમદાવાદ મોકલવામાં આવશે.