SURAT

હાશ, આખરે 25 મહિના બાદ સુરત કોરોના મુક્ત થયું

સુરત(Surat) : કોરોનાની (Corona) મહામારી શરૂ થયા બાદ પ્રથમ વખત આજે એવું બન્યું છે કે સુરતમાં કોરોનાનો એકપણ દર્દી (Patinet) નથી. સુરતમાં કોરોનાના નવા કેસ નોંધાવાનું ઘણા દિવસોથી બંધ થઈ ગયું હતું પરંતુ વિવિધ હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ હતા. જેને કારણે સુરતને સંપૂર્ણપણે કોરોના મુક્ત ગણી શકાય તેમ નહોતું. પરંતુ હવે બે વર્ષ બાદ સુરત ખરેખર કોરોનામુક્ત થઈ ગયું છે.

  • 17મી માર્ચ 2020ના રોજ સુરતમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો
  • સુરતમાં કોરોનાની ત્રણ લહેર આવી ચૂકી છે
  • એક સમયે સુરતમાં એક્ટિવ કેસની સંખ્યા 25000 સુધી પહોંચી હતી
  • છેલ્લાં એક મહિનાથી કોરોનાના કેસ ઘટ્યા
  • 20 દિવસથી સુરતમાં એક પણ કેસ નોંધાયો નથી
  • હવે સુરતમાં એક્ટિવ કેસ પણ ઝીરો થયા

કોરોનાની મહામારીએ સુરતને ધમરોળી નાખ્યું હતું. ગત 17મી માર્ચ, 2020ના રોજ સુરતમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારબાદ કોરોનાની બીજી અને ત્રીજી લહેર પણ આવી ચૂકી છે. બીજી લહેરમાં સુરતની હાલત કોરોનાના મામલે ખરાબ થઈ ગઈ હતી. કોરોનાના કેસનો આંક 2500થી પણ વધુ થવાની સાથે એક્ટિવ કેસની સંખ્યા પણ 25 હજાર સુધી પહોંચી ગઈ હતી. પરંતુ ત્રીજી લહેર બાદ ધીરેધીરે કોરોનાના કેસમાં ઘટાડો થવા માંડ્યો હતો. છેલ્લા એક મહિનાથી તો સુરતમાં કોરોનાના એકલ-દોકલ અને છેલ્લે નવા કેસ નોંધાવાનું પણ બંધ થઈ ગયું હતું. છેલ્લા 20 દિવસથી તો મોટેભાગે શુન્ય જ કેસ નોંધાયા હતા અને હવે સુરતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો થતાં થતાં તે હવે શૂન્ય થઈ ગયા છે. જેને કારણે સુરત હવે ખરેખર સંપૂર્ણપણે કોરોનામુક્ત થઈ જવા પામ્યું છે. 17 મી માર્ચ 2020માં સુરત શહેરમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયા બાદ આખરે હવે 22 એપ્રિલ 2022 એટલે કે, 2 વર્ષ બાદ હવે એક્ટીવ કેસ પણ શુન્ય થતા તંત્રને પણ મોટી રાહત થઈ છે.

Most Popular

To Top