સુરત: (Surat) કયારેય નહી જોયેલી મહામારી કોરોનાને એક વર્ષ પુરૂં થવા આડે હવે માત્ર બે દિવસ બાકી છે, ત્યારે ફરી એકવાર કોરોનાના દૈનિક દર્દીઓની ચરમસીમાં તરફ આગળ વધી રહેલા કોરોનાના (Corona) સંક્રમણમાં સોમવારે નવા 240 દર્દીઓ નોંધાતા કોરોનાના અજગર ભરડો સતત આગળ વધી રહ્યો છે ત્યારે સુરત મહાનગર પાલિકાએ કેટલાક વિસ્તારોમાં બસ સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે. અઠવા, લિંબાયત, રિંગરોડ, રાંદેર-અડાજણ-પાલ અને રિંગરોડ વિસ્તારમાં કોરોના કેસ વધુ હોવાથી પાલિકા દ્વારા આ વિસ્તારમાં ટ્રાન્પોર્ટેશન (Transportation) માટે ચાલતી બસ (Bus) બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સુરત મહાનગર પાલિકા સંચાલિત બીઆરટીએસ અને સિટી બસ સેવા અઠવા, અડાજણ રિંગરોડ વિસ્તારમાં કોરોના સંક્રમણ વધુ હોવાનું ધ્યાનમાં રાખીને બસ સેવા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉપરાંત બાગ-બગીચાઓ પણ બંધ રાખવાનો તંત્ર દ્વારા નિર્ણય કરાયો છે.
કોરોનાના સંક્રમણમાં સોમવારે નવા 240 દર્દીઓ નોંધાતા કોરોનાના અજગર ભરડો સતત આગળ વધી રહ્યો છે. રોજ કોરોનાના નવાને નવા વધુ કેસના આંકડા આવી રહ્યાં હોવાથી સુરતમાં રોજ કોરોનાનો બોંબ ફાટી રહ્યો છે. એક સમયે રોજના માત્ર 25થી 30 પર આવી ગયેલા કોરોનાના સંક્રમણને ચૂંટણી દરમિયાન રાજકારણીઓની નફફટાઇ અને કાયદાનો ઉલાળીયો થતાં ફરી એકવાર વેગ મળી ગયો અને આરોગ્યતંત્રની મહિનાઓની મહેમત બાદ તૂટેલી કોરોનાની ચેઇન ફરીવાર મજબુત બની જવા પામી છે.
કોરોનાનો નવો સ્ટ્રેઈન એટલો ખતરનાક છે કે દર્દીના સંપર્કમાં આવનારને ઝડપથી સંક્રમિત કરી દે છે. જેના કારણે ફરી એકવાર ડિસ્ચાર્જ દર્દી કરતા નવા દર્દીઓની સંખ્યા ડબલ થવા માંડી છે. જે મોટી ચિંતાનો વિષય છે. નવા 240 દર્દીઓ નોંધાતા શહેરમાં અત્યાર સુધી નોંધાયેલા દર્દીઓનો આંકડો 42716 પર પહોચ્યો છે. તેમજ સોમવારે એક મોત પણ નોંધાતા કુલ મૃતાંક 853 પર પહોંચી ગયો છે. એક સમયે રિકવરી રેટ 97 ટકા પર પહોંચી ગયો હતો તે ફરી નીચે ઉતરીને 95.40 ટકાએ પહોંચી ગયો છે. સોમવારે નવા 240 દર્દીઓની સામે સાજા થયેલા દર્દીઓની સંખ્યા માત્ર 123 રહી હતી.
- કયા ઝોનમાં કેટલા કેસ
- ઝોન કેસ
- સેન્ટ્રલ 21
- વરાછા-એ 19
- વરાછા-બી 14
- રાંદેર 51
- કતારગામ 21
- લિંબાયત 30
- ઉધના 19
- અઠવા 65
શાળા-કોલેજો સુપર સ્પ્રેડરના રોલમાં, 24 કલાકમાં 37 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ
શહેરમાં કોરોના સંક્રમણમાં વધતા તંત્ર ચિંતામાં મૂકાયું છે. શાળા-કોલેજના વિદ્યાર્થીઓમાં પણ કોરોનાના પોઝિટિવ કેસોમાં દિનપ્રતિદિન ઉછાળો આવી રહ્યો છે. હાલમાં શાળા-કોલેજો પણ શરૂ થતાં વિદ્યાર્થી અને સ્ટાફકર્મીઓમાં પણ સંક્રમણ વધી રહ્યું છે. જેથી સુરત મનપા દ્વારા સતત શાળા-કોલેજોમાં ટેસ્ટિંગની સઘન કામગીરી કરવામાં આવી રહી છે. સોમવારે સુરત મહાનગરપાલિકા દ્વારા કુલ 38 શાળા-કોલેજોમાં 2200 વિદ્યાર્થીઓ , કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જેમાં શહેરની વિવિધ શાળા કોલેજમાં કુલ 37 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.