સુરતમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. ગયા અઠવાડિયે અઠવા ઝોનના લુડ્સ કોન્વેન્ટ સ્કૂલની સામે મેઘમયૂર એપાર્ટમેન્ટમાં ચાર દિવસમાં 9 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા બાદ હવે પાલ વિસ્તારમાં કોરોનાએ દસ્તક દીધી છે. અહીંના સુમેરૂ સિલ્વરલીફ એપાર્ટમેન્ટમાં 3 બાળક સહિત કુલ 5 લોકો કોરોનામાં સપડાયા છે, (Pal Sumeru Silverleaf apartment 5 corona case) જેના લીધે સુરત મહાનગરપાલિકાએ એપાર્ટમેન્ટને સીલ કરી દીધું છે. આશ્ચર્યની વાત એ છે કે કોરોનાના ડરથી વાલીઓ બાળકોને સ્કૂલમાં મોકલી રહ્યાં નથી ત્યારે સુમેરૂ સિલ્વરલીફ એપાર્ટમેન્ટના ઓનલાઈન ભણતા બાળકો (Online study) ગણેશોત્સવમાં (Ganesh Utsav)) જમીને આવ્યા ત્યાર બાદ કોરોનામાં (Corona) સપડાયા છે. હવે જ્યારે રાજ્ય સરકારે નવરાત્રિની ઉજવણી માટે શેરીગરબાને મંજૂરી આપી છે, ત્યારે નવરાત્રિ પહેલાં શહેરમાં ફરી એકવાર કોરોનાએ દસ્તક દેતાં ત્રીજી લહેરનો ભય ઉભો થયો છે. તંત્રનું અને લોકોનું ટેન્શન વધી ગયું છે.
રહીશોમાં ફફડાટ, 4 દિવસમાં 47 લોકોએ રસી લઈ લીધી
પાલ રોડના સુમેરુ સિલ્વર લીફમાં એપાર્ટમેન્ટમાં 10 થી 14 વર્ષનાં 3 બાળક સહિત 5 કેસ છેલ્લા અઠવાડિયામાં પોઝિટિવ નોંધાયા છે, જેને પગલે આ એપાર્ટમેન્ટ સીલ કરી દેવાયું છે. કેસ વધતાં એપાર્ટમેન્ટમાં બાકી રહેલા 47 રહીશોએ 4 જ દિવસમાં રસી લઈ લીધી છે. જ્યારે અન્ય બાળકોના ટેસ્ટ કરતાં 77ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. પોઝિટિવ આવેલાં બાળકો ઓનલાઈન ભણે છે, પણ સોસાયટીના ગણેશોત્સવમાં જમણવારમાં ગયા હતા.
એક અઠવાડિયામાં 5 કેસ પોઝીટીવ આવતા એપાર્ટમેન્ટ સીલ કરાયું
સુમેરૂ સિલ્વર લીફમાં ગયા શનિવારે પહેલો કેસ આવ્યો હતો. એક બાળક કોરોના પોઝિટીવ થયો હતો. ત્યાર બાદ વધુ એક બાળકનો આરટીપીસીઆર ધન્વંતરી રથમાં કરાવાયો હતો, તે પણ પોઝીટીવ આવ્યો હતો. આ એપાર્ટમેન્ટમાં એક અઠવાડિયામાં 5 કેસ પોઝિટીવ આવ્યા છે. તેથી એપાર્ટમેન્ટની બંને વિંગને કલસ્ટર જાહેર કરી દેવાઈ છે. બંને વિંગના કુલ 242 લોકોને ક્વોરિન્ટનના નિયમો પાળવાની સૂચના અપાઈ છે.
એપાર્ટમેન્ટના 77 બાળકોના રેપીડ ટેસ્ટ કરાવાયા
પાલ રોડના સુમેરુ સિલ્વર લિફ એપાર્ટમેન્ટમાં ત્રણ બાળકો સહિત પાંચ કેસો કોરોના પોઝિટિવ નોંધાયા હોય એપાર્ટમેન્ટના એ વિભાગના 44 અને બી વિભાગના 44 મળી 88 ફ્લેટમાં ગત શુક્રવારે જ 18 વર્ષથી નીચેના 77 બાળકોના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, પહેલું બાળક પોઝિટિવ નોંધાયું હતું ત્યારે પણ 90 બાળકોના ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. વધુ કોઈ બાળક પોઝિટિવ નોંધાયા નથી તેમજ લક્ષણ પણ શરદી, ખાંસી, તાવ જ છે અને તબિયત પણ સ્ટેબલ જ છે. કોઈ પણ કેસ ગંભીર નથી જણાયા પરંતુ પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.
એક મહિનામાં શહેરમાં કોરોનાના કેસ બમણા થયા
શહેરમાં ફરી કોરોનાનો સળવળાટ વધી રહ્યો છે. મહાનગર પાલિકાનો આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યો છે. શહેરમાં પર્યુષણ અને ગણપતિના તહેવારો બાદ કોરોનાના રોજીંદા દર્દીઓમાં આશિંક વધારો થઇ રહ્યો છે. જે આવનારા તહેવારોની ઉજવણી માટે લાલબત્તી સમાન છે. હવે ચિંતાનો વિષય એ પણ છે કે એક બાજુ વેક્સિન મુકાવી ચુકયા હોય તેવા લોકોને પણ ચેપ લાગી રહ્યો છે. તો બીજી બાજુ લોકો બેદરકાર બનીને ગાઇડલાઇનને કોરાણે મુકવા માંડ્યા છે. કદાચ તેનું જ પરિણામ છે કે, એક માસ પહેલા શહેરમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 40થી નીચે ચાલ્યો ગયો હતો તે હવે ફરી 60ની ઉપર પહોંચી ગયો છે.
સુરત મનપાના રેકોર્ડ મુજબ ગત તારીખ 24મી ઓગષ્ટના રોજ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસ ઘટીને માત્ર 36 થઇ ગયા હતા પરંતુ ત્યાર બાદ પર્યુષણ અને ગણપતિ ઉત્સવ ઉજવાયા, જેમાં લોકો ભીડમાં જોવા મળ્યા અને કોરોનાની ગાઇડલાઇનનું પણ પાલન થયું ન હતું, તેથી રોજના જે બે-ત્રણ કેસ નોંધાતા હતા તે હવે રોજ સાત-આઠ થવા માંડ્યા છે. અને ગત 24મી સપ્ટેમ્બરના રોજ એક્ટિવ કેસ 36 નોંધાયા બાદ 26મી સપ્ટેમ્બરના રોજ આ કેસ વધીને 65 પર પહોંચી ગયા છે. જે આવનારા તહેવારોની ઉજવણી માટે લાલબત્તી સમાન છે.
સુરત: શહેરમાં કોરોનાનું સંક્રમણ ધીમી ગતિએ વધી રહ્યું છે. શનિવારે શહેરમાં કોરોનાના વધુ 5 કેસ નોંધાયા હતાં. જેમાં ઉધના ઝોનમાં એક, રાંદેર ઝોનમાં 2 તેમજ અઠવા ઝોનમાં 2 કેસ નોંધાયા હતાં. શહેરમાં તહેવારો બાદ કોવિડ કેસમાં આંશિક વધારો થઈ રહ્યો છે. તેમજ વેક્સિન લીધા બાદ પણ લોકો કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. આથી શહેરીજનો કોવિડ ગાઈડલાઈનનું યોગ્ય રીતે પાલન કરે એ માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.