SURAT

સંસદની દિવાલ કૂદનાર યુવાનનું સુરત કનેકશન બહાર આવ્યું

સુરત : ભારતના સંસદ ગૃહમાં સુરક્ષામાં મોટી ચૂક છે. એક અજાણ્યો શખસ દિવાલ કૂદી સંસદ ભવનમાં ઘુસી ગયો હતો. આટલું જ નહીં તે છેક ગરૂડ ભવન સુધી પહોંચી ગયો હતો. આ ઘટના આજે સવારે લગભગ સાડા છ વાગ્યે બની હતી. રેલભવન તરફથી વૃક્ષ પર ચડી તેણે સંસદ ભવનની દિવાલ કુદાવી હતી. સુરક્ષા કર્મીઓની નજર પડતાં જ તેને તુરંત જ ઝડપી લીધો હતો.

સુરક્ષા કર્મીઓએ ગરૂડ ભવન તરફ જતાં એક શખસને જોતાં તુરંત તેને અટકાવ્યો હતો. તેની અટકાયત કરી સંસદ ભવનમાં ઘૂસવા પાછળનું કારણ જાણવા પૂછપરછ હાથ ધરાઈ છે. તપાસમાં બહાર આવ્યું છે કે, આ યુવાન ઉત્તરપ્રદેશના ભદોહીના સુર્યભાણ પૂર ગામનો છે. તેનું નામ રામાબિંદ શિવકુમારબિંદ છે અને તેની ઉંમર 20 વર્ષ છે. તેના પરિવારને જ્યારે આ બનાવની જાણ થઇ ત્યારે તેઓ અચંબિત થઇ ગયા હતા. તેમના પરિવારજનોએ જણાવ્યું હતું કે, 12 દિવસ પહેલા જ તેની પત્નીએ પુત્રીને જન્મ આપ્યો હતો. તેના પિતાએ જણાવ્યું હતું કે, તેમના ચાર પુત્રોમાંથી રામાબિંદ બીજા નંબરનો છે. તેની માતા સમલાદેવીની માનસિક સ્થિતિ સારી નથી. તેમણે એમપણ જણાવ્યું હતું કે રામાબિંદ સીધા સ્વભાવનો છે. તે આ પ્રકારની હરકત કરી શકે તેમ નથી. તે સુરતની એક ફેક્ટરીમાં કામ કરતો હતો. તે 18 ઓગસ્ટે ઘરેથી સુરત જવા માટે નીકળ્યો હતો પરંતુ દિલ્હી કેવી રીતે પહોંચી ગયો તેની તેમને જાણકારી નથી.

Most Popular

To Top