સુરત: (Surat) સુરતમાં પાછલા દિવસોમાં લિંબાયત, મીઠી ખાડી, પૂણા વિસ્તારમાં ખાડીપુરને (Bay Flood) કારણે સ્થાનીય લોકોની જનજીવન જાણે અટકી પડ્યું હતું. ખાડીઓમાં પુરને કારણે લોકોને ઘરથી બહાર નિકળવું મુશ્કેલ થઈ ગયું હતું ત્યારે આ બાબતે મંગળવારે કોંગ્રેસી (Congress) કાર્યકરો દ્વારા લિંબાયત ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસી કાર્યકર્તાઓએ ખાડીપુર માટે ગેરકાયદે બાંધકામોને જબાવદાર ઠેરવ્યા હતા અને ઉગ્ર વિરોધ (Protest) દર્શાવ્યો હતો. દરમ્યાન કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે રકઝક થઈ હતી તેમાં પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.
પાછલા સપ્તાહમાં સુરતના લિંબાયત ઝોનમાં આવેલા ખાડીપુરના કારણે અનેક વિસ્તારમાં ત્રણથી ચાર દિવસ પાણીનો ભરાવો રહ્યો હતો. મીઠી ખાડીમાં પુર આવતા કમરૂ નગર, રતનજી નગર, મઝદા પાર્ક, જંગલ શા બાબા દરગાહ, ઋષિ વિહાર, માધવબાગ સહિતના વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો. ખાડીપુરને કારણે રસ્તાો પર પાણી ફરી વળતા લોકો પોતાના ઘરમાં જ ફસાયા હતા. રસ્તાઓ પર પાણીના ભરાવાને કારણે ત્રણ-ચાર દિવસ સુધી લોકો પોતાના કામકાજના સ્થળે પણ જઈ શક્યા ન હતા. જેને લઈને સુરત મનપાની કામગીરી પર માછલા ધોવાયા હતા.
આ મામલે કોંગ્રેસ દ્વારા મંગળવારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મિલેનિયમ માર્કેટ-4ના બાંધકામ સાથે ખાડી પર બનાવવામાં આવેલા ગેરકાયદે બ્રિજના કારણે ખાડીપુરનું જોખમ વધ્યું હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે માંગ કરી છે કે 2018થી મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ- 4 નાં સંચાલકો દ્વારા મીઠી ખાડી પર ખાનગી ધોરણે પુલ બનાવી દેવામાં આવ્યો હતો. જેના કારણે ખાડીપુરનું જોખમ વધ્યું છે. કોંગ્રેસના સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા મંગળવારે મિલેનિયમ માર્કેટ-4ની બહાર ધરણા પ્રદર્શનનું કરવામાં આવ્યું હતું. પોલીસને આ બાબતની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. વિરોધ પ્રદર્શનને શરૂ થતાં મામલો ગરમાયો હતો. કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે રકઝક થઈ હતી. ત્યારબાદ પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.