સુરત: (Surat) સુરત શહેર કોંગ્રેસ (Congress) દ્વારા ગુરુવારે કરવામાં આવેલા વિરોધ (Protest) પ્રદર્શન બાદ પોલીસ દ્વારા આઈપીસી 332 અંતર્ગત ફરિયાદ ઉભી કરી કોંગ્રેસના ચાર કાર્યકર્તાઓ વિરૂદ્ધ ફરિયાદ કરવામાંઆવી હતી. જે બાબતે કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવી પોલીસ કમિશનરને (Police Commissioner) રજૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસનો આરોપ છે કે ચારેય કાર્યકર્તાઓને કોર્ટ દ્વારા જામીન મુક્ત કર્યા બાદ પોલીસ દ્વારા તરતજ અટકાયત કરી ચારેય કાર્યકર્તાઓ વિરૂદ્ધ પાસા ના કાયદા હેઠળ સુરત જિલ્લા બહારની જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે. જેનો કોંગ્રેસે સખત શબ્દોમાં વિરોધ દર્શાવે છે. તેમ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સિમિતના પ્રમુખ હસમુખ દેસાઈએ જણાવ્યું હતું.
પોલીસ દ્વારા કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયતના વિરોધમાં સુરત શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે લિંબાયતમાં સરકારના ફંડ દ્વારા જે સ્મશાન ભૂમિનું નિર્માણ કરવામાં આવ્યું છે તેના નિર્માણ કાર્યમાં ભાજપના હોદ્દેદારો દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. જે સમગ્ર મામલાની ફરિયાદ એન્ટી કરપ્શન બ્યૂરોને ટ્રાન્સફર કરવામાં આવે તેવી માંગ પણ કરાઈ છે ત્યારે એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા 2 વર્ષથી તપાસમાં કોઈ કાર્યવાહી શરૂ કરવામાં ન આવી હોવાનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો હતો. આવેદનમાં જણાવાયું હતું કે વડાપ્રધાન મોદી 29 સપ્ટેમ્બરના રોજ સુરત મુલાકાત આવ્યા હતા તે દરમ્યાન લોકશાહી ઢબે કોંગ્રેસ દ્વારા આ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે તે સમયે ભાજપના ઇશારે લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ દ્વારા લિંબાયત પોલીસમાં રાજકીય દબાણ લાવી કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉપર પાયાવિહોણા આક્ષેપો કરી બેહનોની છેડતીનો આરોપ લગાડી ફરિયાદ ઉભી કરવામાં આવી છે.
કોંગ્રેસના આવેદનમાં જણાવ્યા પ્રમાણે વડાપ્રધાનનાં કાર્યક્રમમાં સરકારની પ્રજા વિરોધી નીતિઓનું “કાળા વાવટા” બતાવી વિરોધ કરતા કોંગ્રેસનાં સક્રિય અગ્રણી કાર્યકર આશિષ રાય (મંત્રી,ગુજરાત કોંગ્રેસ) તેમજ શહેર સમિતિનાં હોદ્દેદાર ગુલાબ યાદવ,કિશોર શિંદે અને સંતોષ શુક્લાને લીંબાયત પોલીસ દ્વારા જુદા જુદા સાવ ઉપજાવી કાઢેલ બે ગુના એફ.આઈ.આર. રજીસ્ટર્ડ કરી ધરપકડ કરવામાં આવી છે.
આ ચારેય કોંગ્રેસીઓને તા. ૩૦/૯/૨૦૨૨ નાં રોજ કોર્ટ માંથી જામીન મળેલા હતા પરંતુ પોલીસ દ્વારા આયોજનબધ્ધ રીતે કોર્ટ માંથી જ CRPC ૧૫૧ માં અટકાયત કરીને ફરી પોલીસ સ્ટેશનનાં લોકઅપમાં બંધ કરવામાં આવ્યા અને ત્યારબાદ રાજકીય દબાણમાં લીંબાયત પોલીસ દ્વારા મોડી રાત્રે આશિષ રાયને મહેસાણા, ગુલાબ યાદવને નડિયાદ, કિશોર શિંદેને રાજકોટ અને સંતોષ શુક્લાને અમદાવાદ ખાતેની જેલમાં “પાસા” હેઠળ કાર્યવાહી કરી મોકલી દેવાતા કોંગ્રેસે તેનો સખત વિરોધ કર્યો હતો.