ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા (Amit Chavda) દ્વારા સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ બાબુભાઇ રાયકા (Babubhai raika) નું રાજીનામુ સ્વીકારવામાં આવ્યું છે. નવા પ્રમુખની નિમણુંક ન થાય ત્યાં સુધી સુરત શહેર કોંગ્રેસના ઇન્ચાર્જ પ્રમુખ તરીકે નૈષધભાઈ દેસાઈને જવાબદારી સોંપવામાં આવી છે. નૈષધ દેસાઈ કોંગ્રેસના વર્ષો જૂના આગેવાન છે. કોંગ્રેસમાં વર્ચસ્વ ધરાવતા નૈષધ દેસાઈ અગાઉ લોકસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હારના પગલે જવાબદારી સ્વિકારીને બાબુ રાયકાએ શહેર કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું ધરી દીધું હતું. બાબુ રાયકાના રાજીનામાના પગલે શહેર કોંગ્રેસનું પદ ખાલી પડ્યું હતું. જેથી આજે કોંગ્રેસના સુરત શહેર પ્રમુખ પદે ઈન્ચાર્જ પ્રમુખ તરીકે નૈષધ દેસાઈની વરણી કરવામાં આવી છે. જો કે કાયમી પદ માટે હજુ નિમણૂંક કરાઈ નથી.
જણાવી દઈએ કે સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં સુરતમાં કોંગ્રેસને પાછળ છોડી આમ આદમી પાર્ટી (AAP) આગળ નિકળી ગઇ હતી. આમ આદમી પાર્ટીએ 120 બેઠોકોમાંથી 27 બેઠકો ઉપર વિજય મેળવ્યો હતો. સુરતમાં કોંગ્રેસ (Congress) નો પરાજય થતાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ રાયકા (Babubhai raika) એ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યારે હવે શહેરના કાર્યકારી પ્રમુખ નૈષધભાઈ દેસાઈ અને ત્યાર બાદ કાયમી પ્રમુખ પર કોંગ્રેસને બેઠી કરવાની મોટી જવાબદારી આવનારી છે.