સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર (Election Campaign) ચરમસીમાએ પહોંચી ગયો છે. ત્યારે નેતાઓ પણ પોતાની જીત માટે વિરોધી પક્ષના નેતાઓને નીચા બતાવવા માટે એલફેલ વાણીવિલાસ કરતાં હોવાનું સામે આવી રહ્યું છે. વોર્ડ નં.19ના આંજણા-ડુંભાલના ભાજપના (BJP) પૂર્વ કોર્પોરેટર વિજય ચૌમાલનો વાણીવિલાસ સામે આવ્યો છે. તેમણે પ્રચાર દરમિયાન કોંગ્રેસના (Congress) ઉમેદવાર અસલમ સાયકલવાળાને ટપોરી ગણાવ્યા હતા. એકત્રિત થયેલા લોકોને વિજય ચૌમાલ ભાન ભૂલીને અસલમ સાયકલવાળાની ઓળખ ટપોરી તરીકે આપી હતી.
બીજી તરફ અસલમ સાયકલવાલાએ કહ્યું કે, મારે ભાન ભૂલેલા નેતાને કંઈ જ કહેવું નથી. હારના ડરથી ગંદકી ઉછાળે છે. પરંતુ લોકો જ સાચો જવાબ આપશે કે હું કેવો છું. મારાં પાંચ વર્ષના કામ કેવાં રહ્યાં છે. વિજય ચૌમાલે કહ્યું કે, કોંગ્રેસના અસલમ સાયકલવાલા જિત્યા બાદ પાંચ વર્ષ દરમિયાન આંજણા-ડુંભાલ વિસ્તારમાં એક ચોક્કસ વર્ગના લોકો દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોવાની બૂમરાણ સ્થાનિક લોકો દ્વારા પણ વારંવાર મચાવવામાં આવે છે.
આ વિસ્તારમાં કેટલાંક અસામાજિક તત્ત્વો મહિલાઓની છેડતી કરવી સ્કૂલે જતી વિદ્યાર્થીઓની રસ્તામાં છેડતી કરવી અથવા રાહદારીઓના મોબાઇલ ચોરી કરવાની ઘટના વારંવાર સામે આવી રહી છે. આ પ્રકારની ઘટના એક અમુક ચોક્કસ વર્ગના યુવાનો જ કરી રહ્યા છે. આ તમામ બાબતોનો ઉલ્લેખ કરતાં કોંગ્રેસના ઉમેદવાર અસલમ સાયકલવાલાને આવાં અસામાજિક તત્ત્વોને પ્રોત્સાહન આપતા હોવાની વાત કરી હતી. આ મુદ્દે વિજય ચૌમાલને ફોન કરતાં તેણે મીટિંગમાં છે પછી વાત કરીશ તેવું કહી વાત ટાળવા પ્રયાસ કર્યો હતો.
ધારાસભ્ય વિનુ મોરડિયાનો બફાટ
સુરત: સુરત શહેરના કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયા હાલ કોર્પોરેશનની ચૂંટણી પ્રચાર દરમિયાન સતત વિવાદમાં આવી રહ્યા છે. ધારાસભ્ય વિનુ મોરડિયા પોતાના મતવિસ્તારના ઉમેદવારોનો પ્રચાર કરતાં બે દિવસ પહેલા કતારગામની હરિદર્શન સોસાયટીમાં કોરોના અને માસ્ક મુદ્દે સવાલો ઉઠાવી હોબાળો કરનાર સ્થાનિક રહીશ સામે પોલીસ કાર્યવાહી થતાં વિવાદમાં આવ્યાં હતાં.
હવે ભાજપની વધુ એક સભામાં ધારાસભ્ય વિનુ મોરડિયાએ કહ્યું હતું કે, હવે જે લોકો રિસાયેલા છે, તેઓને મનાવવાના દિવસો પુરા થયા છે, જેમણે પક્ષ સાથે આવવું હોય તે પોતે આવી જાય, હવે અમે મનાવવાના નથી. મારો તો સ્વભાવ જ એવો નથી કે હું કોઈને મનાવવા જાઉં, જે આડા ચાલી રહ્યા છે તેમને ભગાવી ભગાવીને તોડાવી નાખવાના છે. વિનુ મોરડીયાના આવા ભાષણનો વિડીયો વાયરલ થતા ઉહાપોહ મચી ગયા છે.
સૌરાષ્ટ્રમાં તોડાવી નાંખવા એટલે થકાવી નાંખવા તેવો રૂઢી પ્રયોગ છે: ધારાસભ્ય વિનુ મોરડીયા
આ વિવાદ અંગે ધારાસભ્ય વિનોદ મોરડીયાએ પણ જણાવ્યું હતું કે, હું તો એવું કહેવા માંગતો હતો કે જે આડા ચાલતા હોય કે રિસાતા હોય તેમને એટલા બધા કામ સોંપી દો કે દોડી દોડીને થાકી જાય એટલે બીજી પક્ષ વિરોધ પ્રવૃતિ કરવાનો સમય જ ના મળે.