SURAT

ગોડાદરામાં ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ બે પક્ષ વચ્ચે શુભેચ્છા મુલાકાતને લઇને એવી મારામારી થઇ કે..

સુરત: (Surat) ગોડાદરામાં ગ્રામ પંચાયતની ચૂંટણી (Election) બાદ બે પક્ષ વચ્ચે શુભેચ્છા મુલાકાતને લઇને મારામારી (Combat) થઇ હતી. આ મારામારીમાં જીતેલા પક્ષના સમર્થકની ઓડી કારને રૂ.7 લાખનું નુકસાન થયું હતું. ઉપરાંત વચ્ચે પડેલી મહિલાનાં કપડાં પણ ફાટી જતાં પોલીસે છેડતી સહિતની કલમો લગાવીને હારેલા પક્ષના 15થી 20ના ટોળા સામે ગુનો નોંધ્યો હતો.

  • ગોડાદરામાં સરપંચની ચૂંટણી બાદ શુભેચ્છા મુલાકાતે મારામારીમાં ઓડી કારનો ભૂક્કો બોલી ગયો
  • ‘કમલેશે રાજુભાઇને કહ્યું કે, તું શું કામ શુભેચ્છા પાઠવવા આવ્યો છે. તું એને વેવાઇ બનાવવાનો છે..? કહીને ગાળો બોલવા લાગ્યા હતા
  • હારેલા પક્ષના ઉમેદવારોએ એક મહિલાનાં કપડાં પણ ફાડી નાંખતાં તંગદીલી ફેલાઈ, પોલીસે ગુનો નોંધ્યો

પ્રાપ્ત વિગતો મુજબ ગોડાદરામાં રહેતા અને ખેતીકામ કરતા 44 વર્ષિય રણવીરસિંહ પ્રવીણસિંહ વાંસીયા તેમની પત્ની સાથે મોટાભાઇ જયેશભાઇને શુભેચ્છા આપવા માટે જતાં હતાં. આ દરમિયાન ત્યાં પરિચીત રાજુભાઇ રબારી આવ્યા હતા. આ ઉપરાંત કમલેશભાઇ ઉર્ફે કમાભાઇ રબારીએ આવીને રાજુભાઇની સાથે બોલાચાલી કરી હતી. ‘કમલેશે રાજુભાઇને કહ્યું કે, તું શું કામ શુભેચ્છા પાઠવવા આવ્યો છે. તું એને વેવાઇ બનાવવાનો છે..? કહીને ગાળો બોલવા લાગ્યા હતા. બીજી તરફ રણવીરસિંહ અને તેમનાં પત્ની કમાભાઇની સામે ફરિયાદ કરવા માટે ઓડી કાર લઇને પોલીસ મથકે જતા હતા.

આ દરમિયાન દેધવ ગામ પાસે જાહેરમાં જ કમલેશ ઉર્ફે કમા રબારી તેમજ તેની સાથે હરગોવન રબારી, સુરેશ રબારી, ભીખાભાઇ રબારી, મૌલિક રબારી, ધવલ રબારી આવી ગયા હતા, અને ઓડી કારને અટકાવી હતી. દરમિયાન કારમાં સવાર મહિલા બહાર આવ્યાં હતાં અને કમા રબારીને કહેવા લાગ્યા કે, હવે ચૂંટણી પૂરી થઇ ગઇ છે, શા માટે ધાકધમકી આપો છે. ત્યારે હરગોવન રબારીએ રણવીરસિંહને ગાડીમાંથી બહાર કાઢ્યો હતો અને તેને ઢીકમુક્કીનો માર મારીને લાકડીના ફટકા વડે જાંઘના ભાગે માર મારવા લાગ્યા હતા. આ ઉપરાંત અહીં 15થી 20નું ટોળું આવી ગયું હતું અને તેઓએ લાકડાના ફટકા વડે ગાડીના બોનેટ તેમજ કાચ ઉપર ફટકા મારીને રૂ. 7 લાખનું નુકસાન કર્યું હતું. મારામારીના આ કેસમાં એક મહિલા પણ વચ્ચે પડ્યા હતા. ત્યારે મહિલાનાં કપડાં પણ ખેંચાતાં ફાટી ગયાં હતાં.

Most Popular

To Top