SURAT

સુરતમાં ઠંડીએ નવેમ્બર મહિનાનો પાંચ વર્ષનો રેકોર્ડ તોડ્યો, તાપમાન 16.4 ડિગ્રી નોંધાયું

સુરત: (Surat) શહેરમાં આજે ઠંડીનો (Cold) પારો ગગડીને 16 ડિગ્રી (16 Degrees) નજીક પહોંચતા મળસ્કે કડકડતી ઠંડી અનુભવાઈ હતી. ચૂંટણીના ગરમાટા વચ્ચે ઠંડીનો પારો ગગડતા શહેરીજનોને વહેલી સવારે ફુલગુલાબી ઠંડી માણવાની મજા પડી ગઈ હતી. શહેરમાં એક તરફ ચૂંટણીનો માહોલ છવાયો છે. ગલી મહોલ્લે અને રસ્તે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. ચારે તરફ ચૂંટણીનો ગરમાટો જોવા મળી રહ્યો છે. આ સ્થિતિની વચ્ચે શહેરમાં આજે ઠંડીનો પારો રેકોર્ડ બ્રેક રીતે નીચે ગગડતા ઠંડીનો માહોલ જામ્યો હતો. શહેરમાં વિતેલા 48 કલાકમાં જ રાતનું તાપમાન 4 ડિગ્રી ગગડ્યું હતું. ગઈકાલે લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી નોંધાયા બાદ આજે 16.4 ડિગ્રી નોંધાયું હતું.

હવામાં 32 ટકા ભેજની સાથે 5 કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો
મહત્તમ તાપમાનનો પારો 31.2 ડિગ્રી નોંધાયો હતો. શહેરમાં આજે હવામાં 32 ટકા ભેજની સાથે 5 કિલોમીટરની ઝડપે ઉત્તર-પૂર્વનો પવન ફુંકાયો હતો. આજે લઘુત્તમ તાપમાન 16.4 ડિગ્રીએ પહોંચતા નવેમ્બર મહિનાની ઠંડીએ પાંચ વર્ષનો રેકોર્ડ બ્રેક કર્યો હતો. વર્ષ 2016 માં નવેમ્બર માસમાં પારો 15 ડિગ્રી નોંધાયો હતો. એ પછી વર્ષ 2018 માં સૌથી ઓછું 16.8 ડિગ્રી નોંધાયા બાદ આજે સૌથી ઓછું 16.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

ગિરનારની ગિરીમાળાઓમાં 8 ડિગ્રી – ગાંધીનગર – અરવલ્લીમાં 14 ડિગ્રી ઠંડી
ગાંધીનગર : રાજયમાં ધીરે ધીરે ઠંડી વધી રહી છે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગિરનારની ગિરીકંદરાઓમાં ઠંડીનો પારો નીચે ગગડીને 8 ડિગ્રી સુધી પહોચી ગયો છે. જયારે ગાંધીનગર તથા અરવલ્લીમાં 14 ડિગ્રી ઠંડી નોંધાવવા પામી છે. સુરત અને વડોદરામાં 3 ડિગ્રીનો તફાવત જોવા મળી રહયો છે.અમદાવાદના એરપોર્ટ પર આવેલા હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 16 ડિ.સે., ડીસામાં 16 ડિ.સે., ગાંધીનગરમાં 14 ડિ.સે., વડોદરામાં 15 ડિ.સે., સુરતમાં 16 ડિ.સે., વલસાડમાં 15 ડિ.સે., અમરેલીમાં 14 ડિ.સે., ભાવનગરમાં 16 ડિ.સે., રાજકોટમાં 17 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 18 ડિ.સે., ભૂજમાં 18 ડિ.સે. અને નલીયામાં 16 ડિ.સે. લઘુત્તમ તાપમાન (ઠંડી) નોંધાવવા પામી છે.

Most Popular

To Top