સુરત: (Surat) સુરત મહાપાલિકાના વોર્ડ નં. 1 (જહાંગીરપુરા-વરીયાવ-છાપરાભાઠા-કોસાડ)માં વર્ષ-2015મી ચૂંટણીમાં આ વોર્ડમાં ખરાખરીનો જંગ છેડાયો હતો. કેમ કે, તે વખતે તાપી કિનારેથી સ્થળાંતર કરેલી ઝૂંપડપટ્ટીઓના રહેવાસીઓને જ્યાં વસાવાયા છે, તે કોસાડ આવાસ આ વોર્ડમાં હતાં છતાં પણ ભાજપની (BJP) પેનલ જીતી હતી. પરંતુ નવા વોર્ડ સીમાંકનમાં કોસાડ આવાસના મતદારોને પણ વોર્ડ નં.1 અને 2માં વહેંચી દીધા છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસની પેનલ સામે ભાજપની પેનલ 8800 મતથી વધુની લીડથી જીતી હતી. પરંતુ આ વખતે જે રીતે નવું વોર્ડ સીમાંકન કરાયું છે તે જોતાં 126548 મતદાર પૈકી બંને પક્ષ સાથે જોડી શકાય તેવા ફિફ્ટી-ફિફ્ટી સમાજ તો છે જ. આ ચૂંટણીમાં (Election) ભાજપ માટે માઇક્રો લેવલનું પ્લાનિંગ તેનું જમા પાસું છે. જ્યારે કોંગ્રેસ (Congress) માટે આ વોર્ડમાં ઉમેદવારોએ પોતાના દમ પર ચૂંટણી લડવી પડે તેવી સ્થિતિ છે. તાજેતરના હદ વિસ્તરણ બાદ સુરત મનપામાં સમાવિષ્ટ થયેલાં ગામો સેગવા-સ્યાદલા, ગોથાણ, પીસાદ, વણકલા, ઓખા, ચીચી અને ભેંસાણમાં પ્રાથમિક સુવિધા ઝડપથી પૂરી પાડવાનો પડકાર પણ આ વોર્ડમાંથી ચુંટાતા નવા નગરસેવક માટે રહેશે.
વોર્ડની ભૌગોલિક સ્થિતિ, નવાં આઠ ગામના સમાવેશ સાથે આ વોર્ડ બન્યો છે
વોર્ડ નં.1ની હદ વરિયાવના રે.સ.નં.૫૦૨ના વાયવ્ય ખૂણેથી શરૂ કરી સેગવા–સાદલા તથા વરિયાવની હદ ક્રોસ કરી ગોથાણના રે.સ.નં.૬૨ના ઈશાન ખૂણા સુધી કોસાડની દક્ષિણ હદે હદે પશ્ચિમ તરફ સુરત અમદાવાદ રેલવે લાઈન ક્રોસ કરી મોજે અમરોલી સાયણ રોડે રોડે કોસાડ અને મોટા વરાછાની હદે હદે માન સરોવર-મનીષા ગરનાળા રોડ સુધી ત્યાંથી પશ્ચિમ તરફ માન સરોવર સર્કલ સુધી, ત્યાંથી દક્ષિણ તરફ અમરોલી મુખ્ય રસ્તા સુધી, ત્યાંથી છાપરાભાઠાના રેવન્યુ બ્લોક નં.૨૦૭ સુધી ત્યાંથી પીસાદ, વણકલાની દક્ષિણ હદે ઓખાના રે.સ.નં.૪ના ઈશાન ખૂણા સુધી ત્યાંથી ભેંસાણની પૂર્વ હદે હદે પાલનપુરની ઉત્તર હદ સુધી, ત્યાંથી ઓખા અને ચીચીની હદ સુધી ત્યાંથી ચીચી વણકલા અને વિહેલની ઉત્તર હદથી જહાંગીરાબાદની ઉત્તર હદે થઈ મોજે જહાંગીરપુરા સુધીના વિસ્તારનો સમાવેશ થાય છે.
જ્ઞાતિવાઇઝ મતદારોની સ્થિતિ
- કુલ મતદારો 1,26548
- 35000: પાટીદાર
- 45000: ઓબીસી
- 10000: મુસ્લિમ
- 15000: એસટી
- 5000: એસસી
- 10000: ઓરિસ્સાવાસી
વોર્ડમાં રખડતાં ઢોર, ઊભરાતી ગટર, ગંધાતી ખાડી અને આકારણીના ગંભીર પ્રશ્નો
આ વોર્ડમાં મુખ્યત્વે રખડતાં ઢોરોનો પ્રશ્ન છે. કેમ કે, અહીં તબેલાઓની સંખ્યા ઘણી વધુ છે. તો ખાડીની ગંદકી અને છાપરાભાઠા-કોસાડ વગેરે વિસ્તારોમાં ઊભરાતી ગટરના પ્રશ્નો પણ સ્થાનિક લોકોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. આ સિવાય વેરા બિલ સાથે બે વર્ષના વોટર ચાર્જ પણ ગત વરસે એકસાથે આવતાં વેરાબિલ વધુ આવ્યાં હતાં. સ્વાભાવિક રીતે જ ઝોન ઓફિસના સ્ટાફની આ ભૂલ હતી. પરંતુ તેના કારણે જે ઉહાપોહ થયો તે ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે માથાનો દુ:ખાવો બની ગયા હતા. હજુ પણ આ પ્રશ્ન અધ્ધરતાલ જ હોય, ચૂંટણી સમયે ઉમદવારોએ આ પ્રશ્નોનો સામનો કરવો પડશે. સાથે સાથે તાજેતરના હદ વિસ્તરણ બાદ સુરત મનપામાં સમાવિષ્ટ થયેલાં ગામો સેગવા-સ્યાદલા, ગોથાણ, પીસાદ, વણકલા, ઓખા, ચીચી અને ભેંસાણમાં પ્રાથમિક સુવિધા નામ પૂરતી જ છે. આથી આ વિસ્તારના લોકોને રિઝવવાનો પણ પડકારજનક રહેશે.
- ભાજપના ઉમેદવારો
- ગીતાબેન સોલંકી
- ભાવીશા પટેલ
- અજીત પટેલ
- રાજેન્દ્ર પટેલ
- કોંગ્રેસના ઉમેદવારો
- બારોટ પારૂલબેન
- યોગેશ પટેલ
- કાન્તિ બારૈયા
- પ્રમોદીની શાહુ
અમારા વિસ્તારમાં બ્યુટિફિકેશનના પ્રોજેકટ જોઈએ છે: હંસા કટારીયા
વોર્ડ નં.1માં જહાંગીરપુરા જાનકી રેસિડેન્સીમાં રહેતાં ડાયમંડ વ્યવસાયી હંસાબહેન કટારિયાએ જણાવ્યું હતું કે, મનપાની ચૂંટણી આપણા યોગ્ય પ્રતિનિધિને સત્તામાં મોકલવાનો મોકો છે, હું કોને મત આપીશ તે તો જાહેર નહીં કરું. પરંતુ અમારા વિસ્તારના પ્રતિનિધિ આ વિસ્તારમાં બાળકો માટે ગાર્ડન, વડીલો માટે શાંતિકુંજ, જોગિંગ ટ્રેક, સાઇકલ શેરિંગ પ્રોજેક્ટ લાવે તેવી અપેક્ષા છે.
રખડતાં ઢોરોની સમસ્યા દૂર થાય અને સાથે સાથે રસ્તાઓ પણ સારા બનાવવામાં આવે: દુકાનદાર જયેશ ચુડાસમા
વરિયાવના દુકાનદાર જયેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે અહીં ખુલ્લો વિસ્તાર વધુ હોવાથી મચ્છરોનો ઉપદ્રવ અમુક મહિનાઓમાં વધી જાય છે. તેમાંથી છૂટકારો મળે તેવાં નક્કર આયોજન થવા જોઇએ. શહેરના અન્ય વિસ્તારની જેમ અહીં પણ રસ્તાઓનું બ્યુટિફિકેશન થાય તેવી અમારી માંગણી છે
સુરતને વૈશ્વિક કક્ષાનું બનાવે તેવા જ પ્રતિનિધિ જોઇએ: ચૈતાલી બોરસલ્લીવાળા
જહાંગીરપુરાની જાનકી રેસિડેન્સીમાં રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતાં ચૈતાલી બોરસલ્લીવાલાએ સુરત મનપાની ચૂંટણી બાબતે વાત કરતાં જણાવ્યું હતું કે, પ્રાથમિક સુવિધાઓ અને નાના-મોટા પ્રોજેક્ટ સુરત મનપા માટે સામાન્ય વાત છે, હવે તો સુરતને વૈશ્વિક કક્ષાનું બનાવે તેવા પ્રતિનિધિઓને જ અમે મત આપીશું.