સુરત: (Surat) રવિવારે તા. 26 ડિસેમ્બરે શહેરમાં સુરત મનપાના અંદાજિત 200 કરોડના પ્રોજેક્ટના (Project) લોકાર્પણ (Inauguration) અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે થશે. જેમાં અંદાજિત રૂ.64.66 કરોડના પ્રોજેક્ટના લોકાર્પણ અને રૂ.133.22 કરોડનાં ખાતમુહૂર્ત કરાશે. જેમાં વરિયાવ, જહાંગીરપુરામાં આવાસો, કનકપુરમાં સિવિલ સેન્ટર, સીમાડામાં ભૂગર્ભ ટાંકી આ પ્રોજેક્ટોનાં લોકાર્પણ થશે. ઉપરાંત લિંબાયતમાં માધવબાગ સોસાયટી પાસેનાં બ્રિજ, આવાસો, નવા ફાયર સ્ટેશન વગેરે કામોનું ખાતમુહુર્ત કરાશે. તેમજ મુખ્યમંત્રી રવિવારે અન્ય કાર્યક્રમોમાં પણ હાજરી આપશે.
મુખ્યમંત્રી યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે વડાપ્રધાન કલ્યાણનિધિ યોજના અન્વયે લાભાર્થીઓને ૧૦ હજારના ચેક વિતરણ કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં મનપા, સુડા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત અન્વયે લાભ મેળવનાર લાભાર્થીઓ હશે. મુખ્યમંત્રી ત્યારબાદ સવારે ૧૦ કલાકે મનપાના વિવિધ પ્રોજેક્ટોના ૬૪.૬૬ કરોડનાં લોકાર્પણ અને ૧૩૩.૨૨ કરોડનાં ખાતમુહૂર્ત માટેની તકતીઓનું અનાવરણ કરશે. કુલ ૧૯૭.૮૮ કરોડના પ્રોજેક્ટોમાં મનપા દ્વારા હજી ઉમેરો થઇ શકે છે. હાલ નક્કી થયેલા પ્રોજેક્ટોમાં સ્લમ અપગ્રેડેશન સેલના ટી.પી.સ્કીમ-૩૬ (વરિયાવ), ફાઇનલ પ્લોટ નં.૯૦ ખાતે ૪૭.૭૪ કરોડમાં તૈયાર થયેલાં ૬૮૨ સુવિધાયુક્ત આવાસો અને ૪ દુકાનોનું લોકાર્પણ, ટી.પી. સ્કીમ નં.૪૬ (જહાંગીરપુરા), એફપી નં.૯૭ ખાતે ૧૪.૮૯ કરોડમાં તૈયાર થયેલાં ૧૯૬ આવાસ અને ૮ દુકાનનું લોકાર્પણ, હાઈડ્રોલિક વિભાગ અંતર્ગત સીમાડા વોટર વર્કસ કેમ્પસમાં ૧.૭૮ કરોડની ભૂગર્ભ ટાંકી, અઠવા ઝોનમાં ઉમરા સ્થિત પ્રિયદર્શીની ગાર્ડન ખાતે ૧૧ લાખના ખર્ચે આંગણવાડી અને ઉધના ઝોન ખાતે કનકપુર-કનસાડ ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ગાર્ડનની બાજુમાં ૧૩.૫ કરોડના ખર્ચે સિવિક સેન્ટર સહિત કુલ ૬૪.૬૬ કરોડના પ્રોજેક્ટોનાં લોકાર્પણ કરવામાં આવશે.
ઉપરાંત ૧૩૩.૨૨ કરોડના ખર્ચે જે પ્રોજેક્ટોનું ખાતમુહૂર્ત થનાર છે, એમાં લિંબાયત ઝોનમાં માધવબાગ સોસાયટી પાસે ૩.૨૪ કરોડના ખર્ચે નવો ખાડી બ્રિજ, અઠવા ઝોનમાં ટીપી સ્કીમ નં.૧૩ (વેસુ ભરથાણા) ખાતે ૪૪ કરોડના ખર્ચે ૫૪૦ આવાસ અને ૮ દુકાન, રાંદેર ઝોનમાં ટીપી સ્કીમ નં.૪૬ (જહાંગીરપુરા) ખાતે ૬૫ કરોડના ખર્ચે ૮૦૮ આવસ, ઉધના એ ઝોનમાં બમરોલી વિસ્તારમાં પુનીતનગર ખાતે ૧.૦૮ કરોડના ખર્ચે સ્ટોર્મ ડ્રેનેજ લાઈન નાંખવાનું કામ, રાંદેર ઝોનમાં જહાંગીરપુરા ખાતે ૯.૮૭ કરોડના ખર્ચે ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાટર્સ બનાવવા, નવા વરાછા ઝોનમાં સુરત-બારડોલી રોડ પર લેન્ડમાર્ક ટેક્સટાઈલ અને શ્યામ સંગીની ટેક્સટાઈલ નજીક ખાડી સુધીના રોડની બંને તરફ સર્વિસ રોડ ઉપર ૧.૫૮ કરોડના ખર્ચે વરસાદી ગટર અને વરાછા એ ઝોનમાં અશ્વિનીકુમાર ખાતે ૮ કરોડના ખર્ચે ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાટર્સ બનાવવા સહિતનાં કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.