કાપડના વેપારીએ ઈજ્જત બચાવવા આપઘાત કર્યો, લોન લીધી નહોતી છતાં બેન્કવાળા હેરાન કરતા હતા
સુરત: શહેરમાં એક વિચિત્ર આપઘાતનો બનાવ બન્યો છે. કાપડના વેપારીએ આપઘાત કર્યો છે. વેપારીએ લોન લીધી નહીં હોવા છતાં બેન્કવાળા તરફથી ઉઘરાણી કરવામાં આવી રહી હતી. આખરે ત્રાસી જઈ વેપારીએ ઈજ્જત બચાવવા આપઘાત કર્યો છે.
ગોડાદરામાં રહેતા સુરતના કાપડ માર્કેટના વેપારીએ આજે આપઘાત કર્યો છે. રાજેન્દ્ર નામના વેપારીએ પોતાની સ્યુસાઈડ નોટમાં લખ્યું કે મારી જાણ બહાર જ એક એજન્ટ દ્વારા મારા નામે લોન લઈ લીધી હતી. લોન લીધા બાદ એજન્ટે લોનના હપ્તા ભર્યા નહોતા. તેથી બેંક દ્વારા મારી પાસે ઉઘરાણી કરવામાં આવી હતી. બેન્કવાળા ખૂબ દબાણ કરતા હતા. રોજ ફોન કરતા હતાં. જેથી ઈજ્જત બચાવવા આ પગલું ભર્યું છે.
વેપારીએ સુસાઈડ નોટમાં વધુમાં લખ્યું કે 2018થી વેપારમાં નુકસાન થયું હતું. જેથી આર્થિક સ્થિત નબળી હતી. બીજી તરફ મને બેંકમાંથી ઉઘરાણી માટે વારંવાર ફોન આવી રહ્યા હતાં. જેથી ઈજ્જત બચાવવા માટે મેં આ અંતિમ પગલું ભર્યું છે.
વેપારીએ સ્યુસાઈડ નોટમાં લોન લેનાર ચીટર એજન્ટ વિશે માહિતી આપતા લખ્યું કે આઈઆઈએફએલમાંથી લોન મેં નહી પરંતુ કલ્પેશ સોનીએ કહ્યા વગર વધુ રેટ સાથે લોન લીધી હતી. કલ્પેશને રૂપિયા આપી દેવા કહ્યું હતું. પરંતુ બાદમાં તેણે મારા ફોન ઉઠાવવાનું બંધ કરી દીધું હતું.
વેપારીએ સ્યુસાઈડ નોટમાં લખ્યું કે કલ્પેશને ઘણી વખત કહ્યું હતું પરંતુ તે કંઈ કરતો નહોતો. મેં અગાઉ પણ બેંકમાંથી લોન લીધી હતી. પરંતુ હપ્તો ક્યારેય ચૂકતો હતો નહીં. પરંતુ વેપારમાં નુકસાન વધુ જવાથી અને હપ્તા ન ભરી શકવાથી હું આ પગલું ભરું છું. મારા પરિવારના લોકોને પરેશાન કરતાં નહીં. એવું લખીને તેણે પ્રેશરમાં આવીને આપઘાત કર્યો હતો. હાલ પોલીસે સુસાઈડ નોટના આધારે વધુ તપાસ હાથ ધરી છે.