SURAT

સુરતીઓની હેરાનગતિ બંધ થશે: રિંગરોડ-અઠવા ખાતેનાં આ બંધ રસ્તા પોલીસ દ્વારા ખોલી નંખાશે

સુરત: (Surat) ટ્રાફિક નિયમન કરવાને બદલે સુરતની ટ્રાફિક પોલીસ (Traffic Police) દ્વારા એવા જ આયોજનો કરવામાં આવે છે કે જેને કારણે વાહનચાલકો હેરાન થાય છે. સુરતમાં પણ રિંગરોડ પર જુની આરટીઓ પાસે ટ્રાફિક પોલીસે બારોબાર બેરિકેડિંગ (Barricades) કરીને આરટીઓથી વનિતાવિશ્રામ જવાનો રસ્તો (Roads) બંધ કરી દીધી હતો. જેને કારણે યતિમખાનાથી કે પછી જીવનભારતી સ્કૂલથી આરટીઓ તરફ આવનારે અઠવા ગેટ જવા માટે છેક મજૂરાગેટથી ચકરાવો લેવો પડતો હતો. આ અણઘડ આયોજન સામે ભારે રોષ ઉઠ્યો હતો. લોકો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી હતી અને હવે મનપાની સ્થાયી સમિતીમાં પણ કોર્પો. વ્રજેશ ઉનડકટ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

કોર્પોરેટરો દ્વારા મનપા તેમજ પોલીસના ટ્રાફિક ડીસીપીને પણ રજૂઆત કરવામાં આવી હોવાથી હવે આગામી દિવસોમાં પોલીસે બેરિકેડિંગ કરીને બંધ કરેલો આ રસ્તો ખોલી નાખવા માટેના આયોજનો કર્યાં છે. જેમાં પહેલા અઠવા ગેટ ખાતેના બેરિકેડ ખોલીને પ્રયોગ કરવામાં આવશે. બાદમાં જૂના આરટીઓ પાસેના બેરિકેડ ખોલીને પણ પ્રયોગ કરાશે. આ બંનેમાં જ વધુ અસરકારક જે વ્યવસ્થા હશે તેને કાયમી ધોરણે અમલમાં લાવવામાં આવશે તેમ કોર્પો. વ્રજેશ ઉનડકટે જણાવ્યું હતું.

સુરત મનપા દ્વારા આ પ્રોજેક્ટ ખુલ્લા મુકાશે

સુરત : શહેર ભાજપ દ્વારા ભાજપના સ્થાપક નેતા શ્યામાપ્રસાદ મુખરજીની જયંતિ સપ્તાહની ઉજવણી સાથે લોકો તેમજ કાર્યકરોને કોરોનાના હાઉમાંથી બહાર લાવવા આયોજન કરાયું છે. ત્યારે કોરોનાકાળના કારણે દોઢ વર્ષથી ઠપ્પ થયેલા કાર્યક્રમો હવેની ભરમાર હવે શરૂ કરાશે. આગામી છઠ્ઠી જુલાઈથી સુરત મનપાના વિવિધ પ્રોજેકટના ખાતમુહુર્ત અને લોકાર્પણનો સિલસિલો શરૂ થાય તેવી શકયતા છે. જેમાં 11 જુલાઇના રોજ પાલ-ઉમરા નદી બ્રિજનું ઉદ્દઘાટન પણ થઇ શકે તે માટે મેયર હેમાલી બોધાવાલાએ સમય ફાળવવા મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો છે. આ સાથે 1000 કરોડથી વધુ કિંમતના નાના-મોટા પ્રોજેકટોનું લોકાર્પણ પણ મુખ્યમંત્રીના હસ્તે કરવાની તૈયારી મનપા દ્વારા કરવામાં આવી છે.

લોકાર્પણનાં કામોમાં 198.66 કરોડના આવાસોના ડ્રો કરવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી તૈયાર થઈ ચૂકેલા વરિયાવ, ભીમરાડ, કતારગામ, મોટા વરાછા, મગોબ, ડિંડોલીની સાઈટનાં આવાસોના ડ્રો કરાશે. સ્માર્ટ સિટી મિશન અંતર્ગત લિંબાયત ઝોનમાં ડિંડોલી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે 40 એમએલડી ક્ષમતાનો એસટીપી બનાવી પાંડેસરા ઔદ્યોગિક એકમોને આપવામાં આવશે. ડિંડોલી એસટીપીના વિસ્તૃતિકરણના 256.31 કરોડના પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરાશે. અન્ય લેક ગાર્ડન, મૂન ગાર્ડનનું લોકાર્પણ કરાશે. તેમજ 170.59 કરોડના વિવિધ આવાસોનાં ખાતમુહૂર્તનાં કામો માટે શાસકો અને મનપા કમિશનરે ચર્ચા કરી હતી. જેમાં સંભવત: આગામી સપ્તાહની કોઈ તારીખ નક્કી કરી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે.

Most Popular

To Top