સુરતઃ (Surat) શહેરમાં હાલ કર્ફ્યુ એક કલાક વધારી રાત્રે 8 થી સવારે 6 સુધીનો કરાયો છે. હાલ શહેરમાં લોકડાઉન તો નથી પણ તંત્ર દ્વારા કડક પગલાં ભરવાનું શરૂ કરી દેવાયું છે. ગુરૂવારથી મનપાની ટીમ (Corporation Team) દ્વારા તમામ ઝોનમાં ખાણીપીણીની લારીઓ (Food Stall) તેમજ પાનના ગલ્લાઓ બંધ કરાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. મનપા કમિશનર બંછાનિધિ પાનીએ તમામ ઝોનના (All Zone) ઝોનલ ચીફને લારી ગલ્લાઓ બંધ કરાવવા અને ભીડ એકઠી ન થાય તે બાબતે કડક કાર્યવાહી કરવા સુચના આપી છે.
શહેરમાં જે ઝડપથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તે જોતા હવે તંત્ર પણ ધ્રુજી ઉઠ્યું છે. રાજ્ય સરકારનો કાફલો બે દિવસ પહેલા સુરતની મુલાકાતે આવ્યો હતો. ગુરૂવારે દિલ્હીની એઈમ્સની ટીમનો કાફલો પણ શહેરમાં કોરોનાની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા પહોંચ્યો હતો. શહેરમાં હાલમાં લોકડાઉન નથી માત્ર કફર્યુના સમયમાં એક કલાકનો વધારો કરાયો છે. જેથી તંત્રને પણ અંદેશો આવી ગયો છે કે, લોકડાઉન વિના સંક્રમણને કાબુ કરવું અશક્ય છે. જેથી હવે તંત્રએ જાતે જ એક્શન લેવાની શરૂઆત કરી દીધી છે. જે અંતર્ગત ગુરૂવારથી મનપાની ટીમ દ્વારા તમામ ઝોનમાં ખાણીપીણીની લારીઓ તેમજ પાનના ગલ્લાઓ બંધ કરાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી.
મનપા કમિશનર બંછાનિધિ પાનીએ તમામ ઝોનના ઝોનલ ચીફને સુચના આપી હતી કે, શહેરમાં ખાસ કરીને ખાણી-પીણીની લારીઓ તેમજ પાનના ગલ્લા અને પાનની દુકાનોમાં ભીડ વધારો થઈ રહી છે. જેથી શહેરના તમામ ઝોનમાં લારીઓ, પાનની દુકાનો બંધ કરાવવામાં આવે. જે માટેની કામગીરી સુચના આપવાથી જ શરૂ કરી દેવામાં આવી હતી.
સરસાણા સ્થિત કન્વેન્શન સેન્ટર SMC ના કોવીડ કેર સેન્ટર તરીકે ઉભુ કરાશે
સુરતમાં વધતી જતી કોવીડ-૧૯ ની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સાર ઈન્ફ્રાકોન દ્રારા સરસાણા સ્થિત કન્વેન્શન સેન્ટર SMC ના કોવીડ કેર સેન્ટર તાત્કાલિક ધોરણે ઊભુ કરવા સોંપવામાં આવ્યું છે. આ કોવિડ કેર સેન્ટર ઓક્સીઝનની સુવિધા સાથે 544 બેડનું રહેશે.ત્રણ દિવસમાં કન્વેન્શન સેન્ટરને કોવિડ કેર સેન્ટર તરીકે લોકોની સેવા માટે ખુલ્લુ મુકાશે.
આ અંગે ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયા તથા સાર ઈન્ફ્રાકોનના ચેરમેન ભરતભાઈ ગાંધીએ આ નિર્ણય સંદર્ભે જણાવ્યું હતું કે, ચેમ્બર પાસે આટલી વિશાળ જગ્યા હોય આવા જરૂરિયાતના સમયે શહેરના નાગરિકોને વધારાની વ્યવસ્થા મળી રહે તથા સરકારી તંત્રને પણ આવી વિપરીત પરિસ્થિતિમાં સમયસર પહોંચી વળવા માટે એક અગત્યની સુવિધા મળી રહે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.