સુરત: (Surat) સુરત શહેરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી તાપમાનમાં (Temperature) વધારો નોંધાતા આજે પણ ગરમીનો અનુભવ શહેરીજનોએ કર્યો હતો. ઉતરાણ બાદ ધીમે ધીમે ગરમીનો પારો વધશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી તાપમાનમાં સતત વધારો નોંધાયો છે. આજે મહત્તમ તાપમાન 32 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. જ્યારે લઘુત્તમ તાપમાન 20.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) પણ તાપમાન વધતા લોકોએ ગરમીનો અહેસાસ કર્યો હતો.
સુરતમાં તાપમાનનો પારો વધતાં દિવસભર શહેરીજનોએ ગરમીનો અનુભવ કર્યો હતો. આગામી 24 કલાકમાં ફરી તાપમાનમાં આંશિક ઘટાડો થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે ઉતરાણ પછી ઠંડીમા ઘટાડો નોંધાતો હોય છે. હવે ઉત્તરાયણ જ્યારે નજીક છે ત્યારે બદલાતું વાતાવરણ જાણે ઠંડીની વિદાયના સંકેત આપતા હોય તેવું જણાઈ રહ્યું છે.
નવસારી જિલ્લામાં જાણે ઉનાળો બેઠો હોય એમ તાપમાન 34 ડિગ્રીએ પહોંચ્યું
નવસારી : નવસારી જિલ્લામાં જાણે ઉનાળો બેઠો હોય એમ નવા અઠવાડિયાના પ્રારંભે જ તાપમાન વધીને 34 ડિગ્રીએ પહોંચ્યું છે. રવિવારે મહત્તમ તાપમાન 32. 4 ડિગ્રી હતું, જેમાં એક જ દિવસમાં 1.6 ડિગ્રીનો વધારો થતાં મહત્તમ તાપમાન વધીને 34 ડિગ્રી થયું હતું. એ જ રીતે લઘુત્તમ તાપમાનમાં પણ 0.5 ડિગ્રીનો વધારો થયો હતો. રવિવારે લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી હતું, જે હવે વધીને સોમવારે 19.5 ડિગ્રી થયું હતું. શનિવારે સવારે ભેજનું પ્રમાણ 91 ટકા હતું, જ્યારે સાંજે ભેજનું પ્રમાણ 61 ટકા હતું. પવન ઉત્તર પૂર્વ દિશામાં કલાકે 5.6 કિલોમીટરની ઝડપે ફુંકાયો હતો.
મંજરી ખરી પડવાની ભીતિ
આખો દિવસ ગરમીનો અહેસાસ થયો હતો. સોમવારે મળસકે ગણદેવી તથા આસપાસના વિસ્તારમાં વરસાદના છાંટા પડ્યા હતા. પરંતુ દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થયો હતો. વાદળિયા વાતાવરણ બાદ ગરમીને કારણે મંજરીને વધુ નુકસાન થશે એવું નિષ્ણાતો માને છે. તાપમાન હજુ વધશે તો કણી બેસતા પહેલાં જ મંજરી ખરી પડી શકે છે.
રાજ્યમાં સૌથી વધુ નલિયામાં 4.8 ડિગ્રી ઠંડી, અન્ય શહેરોમાં ઠંડી ઘટી
ગાંધીનગર: રાજ્યમાં સોમવારે નલિયાને બાદ કરતાં ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં 4.8 ડિગ્રી નોંધાઈ હતી. તે સિવાયનાં તમામ મોટાં શહેરનું લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીની ઉપર નોંધાવા પામ્યું હતું. હવામાન ખાતાનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યનાં અન્ય શહેરોમાં અમદાવાદમાં 17.4 ડિગ્રી, ડીસામાં 12.5 ડિગ્રી, ગાંધીનગરમાં 16.0 ડિગ્રી, વડોદરામાં 17.4 ડિગ્રી, સુરતમાં 20.4 ડિગ્રી, વલસાડમાં 15.5 ડિગ્રી, અમરેલીમાં 15.0 ડિગ્રી, ભાવનગરમાં 17.8 ડિગ્રી, રાજકોટમાં 13.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 14.0 ડિગ્રી, ભુજમાં 11.0 ડિગ્રી અને નલિયામાં 4.8 ડિગ્રી ઠંડી નોંધાવા પામી હતી.