SURAT

સુરત: સિવિલમાં નંદુરબારના 50 દિવસના બાળકની 5 કલાકની જટિલ સર્જરી કરી નવજીવન અપાયું

સુરત: સિવિલ હોસ્પિટલના (Civil Hospital) તબીબોએ 5 કલાકમાં દોઢ માસના આ બાળકની જટીલ સર્જરી (surgery) કરી નવજીવન આપ્યું હોવાની પ્રસંશનીય કામગીરી સામે આવી છે. દોઢ મહિનાના બાળકના શરીરમાં જઠર અને આંતરડા વચ્ચે રહેલી અન્નનળી પર સોજો આવી જતા માસુમ બાળક 10 દિવસથી માતાનું ધાવણ પણ કરી શકતો ન હતો. નંદુરબારથી સુરત (surat) સિવિલ ખસેડાતા સિવિલના સર્જરી વિભાગના ડોક્ટરોએ એક પડકાર ઉપાડી જટિલ સર્જરીને સફળ બનાવી હતી. ડોક્ટર (Doctor) સૂત્રોના જણાવ્યા અનુસાર આવી સર્જરી ખૂબ જ જોખમી હોય છે અને ખાનગી હોસ્પિટલમાં લાખ રૂપિયાથી વધુનો ખર્ચ થતો હોય છે. જો કે સિવિલમાં આવી સર્જરી સદંતર ફ્રી થાય છે.

મહેશ વાઘેલા (સુરત નવી સિવિલ હોસ્પિટલના પીડીયાટ્રીક સર્જરી વિભાગના એસોસિયેટ ઓફિસર) એ જણાવ્યું હતું કે આ સર્જરી પીડીયાટ્રીક વિભાગના મહિલા તબીબ પ્રીતિ પટેલ સાથે કરવામાં આવી હતી. 50 દિવસનું બાળક મહારાષ્ટ્રના નંદુરબારનું રહેવાસી હતું. માસુમ બાળકના પિતા વિકાસ નાઇ ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું જાણવા મળ્યું હતું. 5 વર્ષની દીકરી આર્યન બાદ 50 દિવસ પહેલા જ બીજી દીકરો અવતર્યો હતો. ખુશ ખુશાલ પરિવારમાં પુત્રએ છેલ્લા 10 દિવસથી માતાનું ધાવણ બંધ કરી દેતા પરિવાર આશ્ચર્યમાં પડી ગયું હતું.

એટલું જ નહી પણ માતાનું ધાવણ લીધા બાદ ઉલટી જ કરી દેતા પરિવાર ડોક્ટર પાસે દોડ્યું હતું. માસુમ “અંશ” માં આ કુદરતી ખામીઓ ને લઈ બાળકના શરીરમાં ખોરાક પચતો જ ન હતો. નંદુરબાની ખાનગી હોસ્પિટલમાં બાળકના એક્સ-રે સહિતના રિપોર્ટ કાઢવામાં આવતા જન્મથી બાળકને જઠર અને આંતરડા વચ્ચે રહેલી અન્નનળી ઉપર સોજા આવવાથી આવી બીમારી થઈ હોવાનું સામે આવ્યું હતું. અન્નનળી વળી જવાથી બાળક માતાનું ધાવણ લઈ શકતું નહોતું. જેથી બાળક ઊલટી કરી દેતો હોવાનું રિપોર્ટમાં નિદાન થયું હતું. ખાનગી હોસ્પિટલમાં બે દિવસ સુધીની સારવાર ખર્ચ દસ હજાર રૂપિયાથી વધુ થઇ જતા આખરે પરિવાર માસુમ બાળકને સંબંધીઓની મદદથી સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવ્યો હતો.

ડોક્ટરોએ જણાવ્યું હતું કે, જટિલ સર્જરી કરવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. આ તબીબીનું ટીમ વર્ક દ્વારા જ (Ramdstedt pyloroplasty)નું ઓપરેશન શક્ય હતું. આ ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડવામાં ટેકનિકલ અને એને એનેસ્થેસિયાની ટીમનો પણ મહત્વનો ફાળો રહ્યો હતો. તમામના સંયુક્ત પ્રયાસથી ઓપરેશન પાર પાડી માસુમ દોઢ વર્ષના અંશને નવી સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા નવજીવન આપવામાં આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ આ જટિલ ઓપરેશન પાર પાડવા માટે તબીબોની ટીમને પણ 5 કલાક જેટલો સમય લાગી ગયો હતો.

માસુમ દોઢ માસના બાળક અંશની જટિલ સર્જરી બાદ તે હસતું રમતું જોવા મળી રહ્યું છે. સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબોની મહેનત ફળી હોય એમ કહી શકાય છે. સામાન્ય રીતે આ ઓપરેશન નો ખર્ચ ખાનગી હોસ્પિટલમાં લાખ થી ત્રણ લાખ સુધીનો થાય છે. પરંતુ નવી સિવિલ હોસ્પિટલમાં આ ઓપરેશન સંપૂર્ણ નિશુલ્ક પણે કરવામાં આવ્યું છે. બાળક અને પરિવાર માટે સિવિલના ડોક્ટરો દેવદૂત સમાન સાબિત થયા છે. પરિવારે પણ તબીબોનો સહ-હૃદયથી આભાર વ્યક્ત કર્યો છે.

Most Popular

To Top