સુરત : સુરત (Surat) સિવિલ હોસ્પિટલમાં (Civil Hospiatl) 7.56 કરોડનું જીએસટી કૌભાંડ (GST SCAM) થયું હોવાની મુખ્યમંત્રીને (CM) કરાયેલી લેખિત ફરિયાદની કોપી સોશિયલ મીડિયામાં (Social media) ફરતી થઈ છે. આ ફરિયાદમાં પેરા-મેડિકલ, વહીવટી, અને કલાસ 3 અને 4 નો કોન્ટ્રાકટ ધરાવતી એજન્સી (વિશ્વા એન્ટર પ્રાઈઝ) દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ કરાયો છે. કર્મચારીઓના નામે GST બિલ બીજી વાર મૂકી સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાડનાર સામે કડક પગલા ભરવા તેવી માંગ ફરિયાદી દ્વારા કરવામાં આવી છે. સાથે 2020થી 2022 વચ્ચેના કર્મચારીઓના 6 મહિના પહેલા તફાવતના બાકી બિલના નામે 124 બિલ મૂકી 7.56 કરોડનું કૌભાંડ કરાયું હોવાનીની ચર્ચાની સાથે જીવણ વાઘેલા નામના કોન્ટ્રાકટર પાસે 5 એજન્સીઓનો હવાલો કેવી રીતે અપાયો એવા અનેક પ્રશ્નો ઉભા કરાયા છે.
ફરિયાદમાં જણાવાયું છે કે, બિલ ચકાસણી કરતા રહેજો, ઉપરથી દબાણ છે એવું કહેતા અધિકારીઓ જ કૌભાંડના મુખ્ય સૂત્રધાર છે. 2020થી 2022 સુધીના તમામ બિલ દર મહિને જમા લીધા બાદ ચૂકવાય ગયા હોવાનો હોસ્પિટલ, સરકાર અને ટ્રેઝરીમાં રેકોર્ડ હોવા છતાં કરોડોના બીલ બીજી વાર ચૂકવાયા તે જ દર્શાવે છે કે આ કૌભાંડ પૂર્વ આયોજિત છે, બોગસ બિલ પર સહી કરવાની ના પાડનાર ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટની રાતોરાત નર્સિંગમાં બદલી કરી દેવામાં આવી છે.
કેવી રીતે આચરવામાં આવ્યું કૌંભાડ
કોન્ટ્રાક્ટરે કર્મચારીને પગાર ચૂકવી 18 ટકા જીએસટી સાથે હોસ્પિટલમાં બિલ મૂકવાના હોય છે જેના આધારે કોન્ટ્રાક્ટરના બિલ પાસ કરવાના હોય છે. 2020થી 2022 સુધીના બિલોની જીએસટી સાથે કોન્ટ્રાક્ટરને નાણાંની ચૂકવણી થઇ ગઇ હોવા છતાં 2023માં તફાવતના નામે 7.56 કરોડના 124 બિલ મૂકવામાં આવ્યા હતાં અને તે મંજૂર કરી દેવામાં આવ્યા છે. આ નાણાં એસ્ક્રો એકાઉન્ટમાં જમા થયા છે જે રૂપિયા ઉપાડવાની સત્તા માત્ર હિસાબી અધિકારી અને કોન્ટ્રાકટરને અપાઈ છે. એસ્ક્રોના બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવે તો સમગ્ર કૌભાંડના દસ્તાવેજી પૂરાવા મળી જાય તેમ છે. કેમકે એસ્ક્રો એકાઉન્ટ ઓપરેટિંગ કરનાર હિસાબી અધિકારી બાબુ ચૌધરી અને વિશ્વા એન્ટર પ્રાઈઝે આખો ખેલ પાડ્યો હોવાની વાત સામે આવી છે.
ઉપરાંત અન્ય ફરિયાદોમાં સફાઈ કર્મચારીઓને 2020થી 2023 સુધી બોનસ અપાયું નથી. 2023માં મે મહિનામાં બોનસ આપી પગાર વધારો ખાતામાં આવી ગયો એવી લોલીપોપ અપાઈ છે. કર્મચારીઓની માંદગીની રજાનો પગાર પણ અપાતો નથી અને બિલ મૂકી સરકારમાંથી રૂપિયા ખંખેરી લેવાય છે. આ બધા ખેલ એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહ્યાં છે. ઓન લાઈન ખરીદી માટેના ક્લાર્કના પાસવર્ડ પણ કોન્ટ્રાકટર વાધેલા પાસે હોય છે. દરેક ટેન્ડર અને ખરીદીમાં ઉપરથી નીચે સુધી બોગસ બિલો મૂકી સરકાર ને દર વર્ષે લાખો-કરોડોનો ચૂનો લગાડી પોતાના ખિસ્સા ભરતા તમામની ખાતાકીય તપાસ થવી જોઈએ, એટલું જ નહીં પણ ACB તપાસ કરાવી સચોટ રિપોર્ટમાં આધારે કાર્યવાહી કરવી જોઈએ તેવું આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.
કેવી કેવી ક્ષતિઓ સૂચક બની…
- વહીવટી અધિકારીએ કોન્ટ્રાકટરે ભરેલા GST-PF સહિતના ચલણ જમા લઈ એની પાછળ કોન્ટ્રાકટરનું લખાણ લેવાનું હોય છે જે કરવામાં આવ્યું નથી.
- પૈસા ભર્યા હોવાના ચલણ સાથેની ચકાસણી હિસાબી અધિકારીએ કરવાની હોય છે જે કરવામાં આવી નથી.
- કોન્ટ્રાકટર અને હિસાબી અધિકારીએ તૈયાર કરેલા બિલો પર જવાબદાર અધિકારીઓએ ચકાસણી કર્યા વગર જ સહી કરી દીધી છે.
- જો કે, ટ્રેઝરી અધિકારીએ 7.56 કરોડના 124 બિલ સામે વાંધો લેતા હિસાબી અધિકારી અને કોન્ટ્રાકટર દોડતા થઈ ગયા હોવાનું ચકચારીત છે.
આરોગ્ય વિભાગમાંથી દબાણ હતું એટલે બિલ મંજૂર કર્યા : હિસાબી અધિકારી
નવી સિવિલ હોસ્પિટલના હિસાબી અધિકારી બાબુ ચૌધરી એ રૂબરૂ મુલાકાતમાં જણાવ્યું હતું કે ગાંધીનગર આરોગ્ય વિભાગ માંથી દબાણ હતું એટલે બિલ મંજૂર કર્યા હતા.પરંતુ ક્યાં પ્રકારનું દબાણ હતું એ બાબતે સ્પષ્ટતા કરી ન હતી.
ઉપરી અધિકારીઓએ મીડિયા સાથે વાત કરવાની ના પાડી છે : સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ
સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ગણેશ ગોવેકરે રૂબરૂ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, 7.56 કરોડના તફાવતના ચૂકવાયેલા GST બિલ ને લઈ ઉપરી અધિકારીઓએ (આરોગ્ય વિભાગ, ગાંધીનગર) મીડિયા સાથે વાત કરવાની ના પાડી છે. સુપરિટેન્ડન્ટે આ બિલ પહેલીવાર મંજૂર કર્યા છે કે બીજી વાર તે અંગે પણ કંઇપણ કહેવાનો તેમણે ઇનકાર કરી દીધો હતો.
સરકાર દ્વારા લેખિતમાં બિલ મંજૂર કરવા જણાવાયું હતું : આરડીડી
સુરતના આરડીડી જ્યોતિબેન પંડ્યાએ ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે GST ગોટાળા ને લઈ મુખ્ય મંત્રી ને કરાયેલી ફરિયાદ ની વાઇરલ કોપી બાબતે મને કશી જ ખબર નથી, પણ વિશ્વા એન્ટરપ્રાઇઝ દ્વારા 124 તફાવતના GST બિલ (7.56 કરોડ) ને લઈ સરકાર દ્વારા લેખિતમાં બિલ મંજૂર કરવા જણાવવામાં આવ્યું છે. જે વાત લગભગ 8 મહિના જૂની છે. એજ બિલ ચૂકવાયા છે. બાકી આગળ મને કશી જ ખબર નથી.