સુરત : સુરત (Surat) સિવિલ હોસ્પિટલમાં (New Civil Hospital) બે મહિનાથી એક બાળકની સારવાર ચાલી રહી છે. ત્યારે અચાનક પરિવાર ગાયબ થયું હોવાની આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. છેલ્લા 15 દિવસથી સિવિલ હોસ્પિટલના તબીબો આ બાળકની સાર સંભાળ રાખી રહ્યા છે. હાલ પણ આ બાળકને NICU વોર્ડમાં દાખલ કરી સારવાર કરવામાં આવી રહી છે. ત્યારે એક સીસીટીવી (CCTV) સામે આવતા ખુલાસો થયો છે. જેમાં બાળકને જન્મનારી માતાએ જ તેને ત્યજી હોવાનુંં દેખાઇ રહ્યું છે. જ્યારે સિવિલ હોસ્પિટલમાંથી અચાનક બાળકનો પરિવાર ગાયબ થતા પોલીસે સીસીટીવી ચેક કર્યા ત્યારે સામે આવ્યું કે માતા પોતે બાળકને છોડીને જાય છે. જો કે પોલીસે (Police) અત્યારે માતા-પિતાને શોધવાની તજવીજ હાથ ધરી છે.
સુરત સિવિલ હોસ્પિટલના તબીબ પ્રફુલભાઈ બાંભરોલીયા એ ખટોદરા પોલીસ સ્ટેશનમાં બાળકના માતા અને તેના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ગઈ 30 ઓકટોબરના રોજ એક નવજાત બાળક (બેબી ઓફ મનિષાબેન સુરેશભાઇ)નો જન્મ કામરેજ CHC સેન્ટર ખાતે થયા બાદ વધુ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે રીફર- કરવામાં આવ્યું હતું.
બાળકની હાલત નાજુક હોવાથી વધુ સારવાર અર્થે NICUમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યું હતું. બાળકને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. જેથી ડોક્ટર તેના માતા-પિતાની હાજરીમાં સારવાર કરતા હતા અને ગત 8 ડિસેમ્બરના રોજ આ બાળકના માતા – પિતાને બાળકની કંડીશન કેવી છે તેવુ જણાવવા માટે બોલાવતા નવજાત બાળકના માતા પિતા હોસ્પિટલમાં ક્યાંય મળી આવેલ નહિ. જેથી હોસ્પિટલના સ્ટાફના માણસોની પુછપરછ કરતાં આ બાળકની માતા પિતા છેલ્લા ચાર-પાંચ દિવસથી આવતાં ન હોવાનું જણાયું હતું.
બાળકના માતા પિતા દ્વારા સિવિલ હોસ્પિટલમાં નોંધાવવામાં આવેલા મોબાઇલ નંબર પર પણ કોલ કરતા સ્વિફ ઓફ હતો. નવજાત બાળકના માતા-પિતા ગત ત8 ડિસેમ્બરથી પોતાના બાળકને મળવા કે જોવા સારૂ પણ આવ્યા નથી. બાળકને જન્મ આપ્યા બાદ સારવાર માટે સિવિલ લઈ આવી પોતાનું નામ-સરનામુ સાચુ અને પુરૂ નહિ જણાવી માવતર છુપાવવાના ઇરાદાથી જીવીત હાલતમાં તરછોડીને ત્યજી દેવાના ઇરાદાથી ચાલી ગયા હતા. જેથી ખટોદરા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે માતા પિતાને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.
તબીબોના જણાવ્યા પ્રમાણે બાળકને જ્યારે પણ દૂધની જરૂર પડતી હતી ત્યારે શરૂઆતમાં માતાનું દૂધ આપવામાં આવતું હતું. જોકે તેની માતા બીમાર થઈ હોવાના કારણે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ આખો પરિવાર ભાગી ગયો હતો. છેલ્લા 15 દિવસથી આ બાળકની સાર સંભાળ એસ એન સી યુ વોર્ડના તબીબો રાખી રહ્યા છે. બાળકને સિવિલ હોસ્પિટલમાં આવેલી મિલ્ક બેંકમાંથી દૂધ આપવામાં આવી રહ્યું છે.