દેશના સૌથી ઝડપથી વિકસતા સુરત શહેરની કડવી વાસ્તિવકતા ઉજાગર કરતા દ્રશ્યો સામે આવ્યા છે. શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં આજે એક એવી ઘટના બની જે જોઈને હાજર દરેકની આંખો ભીની થઈ ગઈ હતી. અહીં એક પિતા પોતાના 7 વર્ષના પુત્રના મૃતદેહને ખભે ઊંચકીને અડધો કિલોમીટર સુધી ચાલતા રહ્યાં હતાં. આ દ્રશ્યો જોઈ સિવિલનો સ્ટાફ દોડતો થઈ ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ બિહારના વતની અને હાલ સુરતના ભટાર વિસ્તારમાં આવેલા ખોડિયાર નગરમાં રહેતા સરોજ મંડલ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં પત્ની અને ત્રણ બાળકો છે. તેમાં 7 વર્ષીય કિશન સૌથી નાનો હતો.
ખેંચની બિમારીથી પીડાતા કિશનની ગઈકાલે રાત્રે અચાનક તબિયત બગડી હતી. રાત્રિ દરમિયાન જ તેનું કરૂણ મોત નિપજ્યું હતું. પુત્રના મોતના આઘાતમાં સરી પડેલા પિતા સવારે તેના મૃતદેહને લઈ સિવિલ પહોંચ્યા હતા. સારવાર મળશે તો સાજો થઈ જશે અથવા તો કાયદાકીય પ્રક્રિયા માટે કોઈ પણ કારણસર પિતા ખભે પુત્રનો મૃતદેહ લઈ સિવિલ પહોંચ્યા હતા.
પિતા પુત્રનો મૃતદેહ લઈ સિવિલના ટ્રોમા સેન્ટર પર પહોંચ્યા ત્યારે ફરજ પરના તબીબોએ તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. પુત્રના મોતના સમાચાર સાંભળી પિતા ભાન ભૂલી ગયો હતો અને હોસ્પિટલની ગૂંચવણભરી પ્રક્રિયા અને પુત્રને ગુમાવ્યાના આઘાતમાં ખભે પુત્રના મૃતદેહને ઊંચકી હોસ્પિટલની બહાર જવા રવાના થઈ ગયો હતો.
પિતાને બાળકનો મૃતદેહ ખભે ઊંચકી જતા જોઈ સિવિલ હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. પિતા લગભગ અડધો કિલોમીટર દૂર મેઈન ગેટ સુધી પહોંચી ગયો હતો. સિવિલના સિક્યુરિટી અને સ્ટાફે તેમને રોક્યા હતા. પોસ્ટમોર્ટમ કરાવવું જરૂરી હોવાનું સમજાવ્યા બાદ તે માન્યો હતો. પરત ફર્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ રૂમ ખસેડાયો હતો.