સુરત: (Surat) શહેરમાં સતત આગળ વધી રહેલા કોરોનાના સંક્રમણે ભારે કહેર મચાવ્યો છે. ત્યારે હવે શહેરમાં હોસ્પિટલમાં (Hospital) દાખલ કરવા પડે તેવા દર્દીઓની સંખ્યા પણ રોજે રોજ વધી રહી હોવાથી આરોગ્ય તંત્ર ચિંતામાં મુકાઇ ગયું છે. તેમજ શહેરીજનોમાં પણ ભયનો માહોલ છવાયો છે. શહેરમાં જો આવુ જ સંક્રમણ રહ્યું તો એપ્રિલ માસના અંત સુધીમાં તો કોરોનાના દર્દીઓ (Patients) માટે બેડ ખુટી પડે તેવી સ્થિતી હોવાનું આરોગ્ય વિભાગના સુત્રો જણાવી રહ્યાં છે.
માર્ચ માસની શરૂઆત સુધીમાં શહેરમાં કોરોનાનું સંક્રમણ ભલે વધ્યુ હતું પરંતુ હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા ઓછી હતી. જો કે છેલ્લા 10 દિવસમાં હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેવા દર્દીઓ વધી રહ્યાં છે. તેથી ફરી એક વાર 2020ના જુન જુલાઇ જેવી સ્થિતી તરફ સુરત આગળ વધી રહ્યું હોય તેવા સંકેત મળી રહ્યાં છે. કેમકે રવિવાર સુધીમાં સુરતની જે 34 ખાનગી હોસ્પિટલોમા કોરોનાના ઇલાજ માટે નકકી કરાઇ છે. તેમાં કુલ 1932 બેડની સામે 1077 ફુલ થઇ ગયા છે. જયારે સ્મીમેર અને સીવીલ હોસ્પિટલમાં પણ 25 ટકા જેટલા બેડ ભરાઇ ગયા છે.
જો હાલમાં કોરોનાનું સંક્રમણ છે તે યથાવત રહે તો એપ્રિલ માસના અંત સુધીમાં કોરોનાના ઇલાજ માટે બેડ મેળવવામાં પણ અફરા-તફરી સર્જાય તેવી આશંકા છે. શહેરમાં ગત વર્ષ કોરોના પીક પર હતો ત્યારે મનપા દ્વારા ખાનગી હોસ્પિટલો સાથે પણ ટાઇઅપ કરાયું હતું તેથી નબળી આર્થિક સ્થિતી હોય તો પણ ખાનગી હોસ્પિટલમાં સરકારી ખર્ચે સારવાર થઇ શકતી હતી. હવે ફરીથી સુરત કોરોનાના અજગર ભરડામાં લેપટાઇ ચુકયું છે ત્યારે જો લોકો સાવચેતી નહી રાખે તો આવનારા દિવસો વધુ ભયાવહ બને તેવુ લાગી રહ્યું છે.
હવે દરરોજ 50 હજાર લોકોને વેક્સિન મુકાશે
સુરત : શહેરમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને નાથવા માટે હવે વેક્સિનેશન સિવાય કોઇ ઉપાય રહ્યો હોય તેવુ લાગતુ નથી, ત્યારે શહેરમાં વધુમાં વધુ લોકોને વહેલી તકે વેક્સિન આપવાની તૈયારી મનપા દ્વારા કરવામાં આવી છે. જેના માટે ચુંટાયેલા પ્રતિનિધિઓનો સાથ સહકાર આપવા હાકલ કરી હતી. મનપા કમિશનરે સુરતના સાંસદો તેમજ ધારાસભ્યો સાથે મીટિંગ કરીને શહેરના કોરોનાની સ્થિતિ ચિતાર આપ્યો હતો. તેમજ એપ્રલ મહીનામાં હજુ પણ વધુ ખરાબ સ્થિતી થવાના એંધાણ મળી રહ્યાં હોય, હવે કોરોનાના સંક્રમણને નાથવા માટે વેક્સિનેશન વધારવા સિવાય કોઇ ઉપાય નહીં હોવાનુ જણાવ્યું હતું.
આ બેઠકમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સાંસદ સી.આર.પાટીલ પણ હાજર હતા તેમણે તરત તમામ ધારાસભ્યોને વિધાનસભા વાઇઝ ઝુંબેશ ચલાવવા જણાવ્યું હતું તેમજ વોર્ડ વાઇઝ કેમ્પ કરવા પણ તૈયારી કરવા જણાવ્યું હતું, હવે ચુંટાયેલી પાંખની મદદથી મનપા દ્વારા મોટા પાયે વેક્સિનેશન ઝુંબેશ શરૂ કરાશે તેમજ દરેક વોર્ડમાં રોજના બે હજાર લોકોને વેક્સિન આપવા ટાર્ગેટ નકકી કરયો છે. મનપા કમિશનરે જણાવ્યું હતું કે રોજના કમ સે કમ 50 હજાર લોકોને વેક્સિન મુકી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અને આગામી 20 દિવસમાં 10 લાખ લોકોને વેક્સિન મુકવાના ધ્યેય સાથે મનપા દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે.