SURAT

સુરત સિવિલ: પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી, ડીન સુપ્રિ. અને RMO અધિકારીઓની ‘જી હજૂરી’ કરવામાં વ્યસ્ત

સુરત: (Surat) સુરત શહેરની કોવિડ હોસ્પિટલ કોરોનાના દર્દીઓથી ફુલ થઇ ગઇ છે. ત્યારબાદ બીજી બે હોસ્પિટલ પણ શરૂ કરાઈ છે. પરંતુ સ્ટાફના અભાવે દરરોજ રેસિડેન્ટ ડોક્ટરો અને દર્દીઓના સગા વચ્ચે તુંતુમૈમૈ થાય છે. આ બાબતે વારંવાર ડીન (Dean) સહિતના અધિકારીઓને ફરિયાદ કરવા છતાં પણ કોઇ ઉકેલ આવતો નથી. કારણ કે, ડીન, સુપરિન્ટેન્ડેન્ટ (Superintendent) અને આરએમઓ (RMO) ગુજરાત બહારથી આવેલા અધિકારીઓની જીહજૂરી કરવામાંથી જ ઊંચા આવતા નથી.

સુરતમાં વધતા કોરોનાના કેસો વચ્ચે રાજ્યનું આરોગ્ય વિભાગ સિવિલમાં દોડી આવ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં વધારાના નર્સિંગ સ્ટાફ, સફાઇ કામદારો, સર્વન્ટો અને રેસિડેન્ટ ડોક્ટરોની નિમણૂક કરવા માટેની મોટી મોટી જાહેરાતો કરાઈ હતી. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ડોક્ટરો ફાળવવાનું જણાવ્યું હતું. પરંતુ હજુ સુધી જોઇએ તેટલા પ્રમાણમાં ડોક્ટરો ફાળવવામાં આવ્યા નથી. બીજી તરફ દિન-પ્રતિદિન ડોક્ટરો અને દર્દીઓના સગાઓ વચ્ચેની માથાકૂટ વધતી જાય છે. દિવસે દિવસે દર્દીઓની સંખ્યામાં વધારો થાય છે. બીજી તરફ સ્ટાફના અભાવને કારણે ઝઘડાઓનું પ્રમાણ પણ વધી જાય છે. ચાર દિવસ પહેલાં રેસિડેન્ટ ડોક્ટરોએ ડિનને આવેદનપત્ર આપી હડતાળ પાડી દીધી હતી. પરંતુ ડોક્ટરોને કામ કરાવવા માટે તેમને મૌખિક બાંયધરી આપી ફરી કામ ઉપર લગાડી દેવાયા હતા.

આ વાતને અઠવાડિયું થવા આવ્યું છતાં પણ અધિકારીઓએ કોઇ માંગણી સંતોષી નથી. પરિણામે શનિવારે મોડી સાંજે ફરીવાર માથાકૂટ થઇ હતી. રેસિડેન્ટ ડોક્ટરોના કહેવા પ્રમાણે તેમણે વારંવાર સ્ટાફ વિશે રજૂઆતો કરી છે. પરંતુ અધિકારીઓ માત્ર ને માત્ર મીટિંગમાં જ વ્યસ્ત રહ્યા છે. દિલ્હીથી આવેલી આરોગ્યની ટીમ સાથે સુરતના સુપરિન્ટેન્ડેન્ટ ડો.રાગીની વર્મા, ડીન ડો.ઋતંભરા મહેતા અને આરએમઓ ડો.કેતન નાયક ઉપરાંત અન્ય ડોક્ટરો માત્ર ને માત્ર મીટિંગ જ કરી રહ્યા છે. અને તેઓની જીહજૂરી કરવામાંથી જ સમય મળતો નથી. કોવિડ બિલ્ડિંગમાં ડોક્ટરોની હાલત કેવી ખરાબ થઇ રહી છે તે વિશેની માહિતી લેવાનો પણ સમય સિવિલના અધિકારીઓ પાસે નથી. જો આગામી દિવસોમાં રેસિડેન્ટ ડોક્ટરોની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તેમજ વધારાનો રેસિડેન્ટ ડોક્ટરનો સ્ટાફ મૂકવામાં નહીં આવે તો વિવાદ વધવાની શક્યતા છે.

કયો એક્શન પ્લાન બનાવાય છે તે બાબતે પણ કોઈ સ્પષ્ટતા કરાતી નથી
રેસિડેન્ટ ડોક્ટરોના કહેવા પ્રમાણે બહારથી આવેલી આરોગ્યની ટીમ ઉપરાંત સુરતના સિવિલ હોસ્પિટલના સત્તાધિકારીઓ કોવિડને નાથવા માટે કયો એક્શન પ્લાન બનાવે છે તે અંગે પણ કોઇ ચોક્કસ માહિતી આપતા નથી. અધિકારીઓને ફોન કરીને કોવિડ હોસ્પિટલ તેમજ અન્ય સમસ્યાઓ વિશે જણાવવામાં આવે ત્યારે તેઓ માત્ર મીટિંગમાં હોવાનું કહીને ફોન કાપી નાંખતા હોવાની સંખ્યાબંધ ફરિયાદો ઊઠી છે. સતત બે દિવસ ડોક્ટરો અને દર્દીના સગાઓની વચ્ચે માથાકૂટ છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી.

ડીન અને સુપરિન્ટેન્ડેન્ટે ફોન ઊંચક્યા જ નહીં, જ્યારે આરએમઓએ કોવિડ હોસ્પિટલમાં જવાનું કહીને ફોન કાપી નાંખ્યો
ડોક્ટરોની સમસ્યાઓ અને તેઓના પ્રશ્નોને લઇને ગુજરાતમિત્ર દ્વારા સુરતની સિવિલ હોસ્પિટલનાં ડિન ડો.ઋતંભરા મહેતા, ઇનચાર્જ સુપરિન્ટેન્ડેન્ટ ડો.રાગીની વર્માને ફોન કરવામાં આવ્યો ત્યારે તેઓએ કોઇ ફોનનો જવાબ આપ્યો ન હતો. આ ઉપરાંત જ્યારે આરએમઓ ડો.કેતન નાયકને ફોન કરવામાં આવ્યો ત્યારે તેમણે કોવિડ હોસ્પિટલમાં જાઉં છું, થોડી વારમાં ફોન કરવાનું જણાવ્યું હતું.

Most Popular

To Top