સુરત : ભરૂચ (Bharuch) વિસ્તારમાં રહેતા યુવકના ગુપ્તાંગમાં લોખંડની રિંગ ફસાઇ જતા તેને સુરતની (Surat) સિવિલમાં (Civil) લાવવામાં આવ્યો હતો. આ યુવક પહેલા ભરૂચની હોસ્પિટલમાં (Hospital) ગયો હતો, પરંતુ ત્યાં સર્જરી (Surgery) થઇ શકી ન હોવાથી તેને સુરતમાં લવાયો હતો. સુરત સિવિલના ડોક્ટરોએ એકાદ કલાકના ઓપરેશન (Operation) બાદ લોખંડની રિંગ કાપીને સફળ ઓપરેશન કર્યું હતું.
- એક કલાકના ઓપરેશન બાદ સિવિલના તબીબોએ રિંગ બહાર કાઢી
પ્રાપ્ત વિગતો મુજબ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અંદાજીત 40 વર્ષિય કિરીટ શાહ (નામ બદલ્યુ છે)ને દાખલ કરવામાં આવ્યો હતો. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે કિરીટના ગુપ્તાંગમાં લોખંડની રિંગ ફસાઇ ગઇ હતી. કિરીટ બે દિવસ પહેલા સેવિંગ કરતો હતો ત્યારે રિંગ ફસાઇ ગઇ હોવાનું કિરીટે ડોક્ટરોને કહ્યું હતું. કિરીટને શરૂઆતમાં ભરૂચની હોસ્પિટલમાં લઇ જવાયો હતો, પરંતુ ત્યાં તેની હાલત ખરાબ થઇ હતી અને સર્જરી કરનાર ડોક્ટર હાજર ન હોવાથી કિરીટને તાત્કાલીક નવી સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો. અહીં સર્જરી વિભાગના ડોક્ટર હાર્દિક મકવાણા અને તેમની ટીમ દ્વારા પ્રાથમિક તપાસ કરીને ઓપરેશન કરવા માટેની સલાહ આપવામાં આવી હતી. સવારના સમયે અંદાજીત એકાદ કલાકની જહેમતમાં લોખંડની રિંગ કાપીને ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કિરીટને હોસ્પિટલના જનરલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં કિરીટભાઇ યોગ્ય રીતે પેશાબ કરી રહ્યા છે અને તેઓની તબિયત પણ સુધારા ઉપર હોવાનું ડોક્ટરે કહ્યું હતું.
ભડકોદ્રાની સમૃદ્ધિ પાર્ક સોસાયટીમાં વીજ કંપનીએ ગ્રાહકને 25.94 બિલ ફટકારી દીધું
ભરૂચ: અંકલેશ્વરના ભડકોદ્રા ગામની સમૃદ્ધિ પાર્ક સોસાયટીમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની મોટી લાપરવાહી સામે આવી છે. વીજ કંપની દ્વારા ગ્રાહકને 25.94 લાખનું બિલ ફટકારવામાં આવ્યું છે.
- બિલ જોઈ ગ્રાહકનો શ્વાસ અધ્ધર થઈ ગયો, ને વીજકંપનીને રજૂઆત કરી
- વીજકંપનીએ ફરી બિલ સુધારીને મોકલવાની ખાતરી આપી
અંકલેશ્વરના ભડકોદ્રા ગામની સમૃદ્ધિ પાર્ક સોસાયટીમાં રહેતા દિનેશ હીરાલાલ ખુનડે તા.22મી જૂનના રોજ પોતાના ઘરે હતા. એ દરમિયાન દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મીટર રીડર તેઓનાં ઘરે વીજ બિલ ફાડવા આવ્યા હતા. જેઓએ ગ્રાહકને 1 હજાર કે 2 હજાર નહીં, પરંતુ 25.94 લાખનું વીજ બિલ પકડાવી દેતાં ગ્રાહકની આંખો પહોળી થઇ ગઈ હતી. દિનેશભાઈ વીજ બિલ જોઈને જ ચોંકી ઊઠ્યા હતા. તેમને 2 મહિને માંડ 1 કે 2 હજારનું લાઈટ બિલ આવતું હોય છે, જેના બદલે 25.94 લાખનું લાઈટ બિલ જોઈ તેઓ વિચારમાં મુકાઈ ગયા હતા. તેઓએ તાત્કાલિક જી.આઈ.ડી.સી.માં આવેલી વીજ કચેરી ખાતે દોડી ગયા હતા અને અધિકારીને વીજ બિલ બતાવતાં તેઓએ કર્મચારીની ભૂલ થઇ હોવાનું માની તાત્કાલિક નવું બિલ બનાવવા સૂચના આપી હતી, અને ગ્રાહકને તેઓથી ભૂલ થઇ હોવાનું માની માફી માંગી હતી. ત્યારે વીજ કંપની યોગ્ય અધિકારી મારફતે વીજ બિલ બનાવે એ અત્યંત જરૂરી છે.