સુરત: (Surat) સુરત શહેરના ઐતિહાસિક ગોપીતળાવનું (Gopitalav) મનપા દ્વારા રિડેવલપમેન્ટ કરાયું છે. પરંતુ ઐતિહાસિક ગોપીતળાવ તળ સુરતમાં આવ્યું હોય તેમજ આસપાસની વસતીના કારણે ખાસ લોકો અહીં વિઝિટ માટે આવી રહ્યા નથી. તેમજ નવસારી ચાર રસ્તા માટે કાયમી ટ્રાફિકની (Traffic) સમસ્યા હોવાથી મનપા દ્વારા આ સમસ્યાનું નિવારણ લાવવાનો વિચાર કરાયો છે. એ માટે બુધવારે મનપા કમિશનર, મેયર, સ્થાનિક ધારાસભ્ય અરવિંદ રાણા, સ્થાનિક કોર્પોરેટર દીપેન દેસાઈ અને મનપાના અધિકારીઓએ સ્થળ વિઝિટ કરી ગોપીતળાવના પાછળના ભાગેથી રસ્તો કાઢી શકાય કે કેમ એ અંગે શક્યતા ચકાસી હતી. ઉપરાંત નવસારી બજારથી રાજશ્રી સિનેમા થઇ કૈલાસનગર જતા રસ્તાને આઇકોનિક રોડ (Road) બનાવવા માટે પણ ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા સંકલનની મીટિંગમાં રજૂઆત થઇ હતી. આથી આ શક્યતા અંગે પણ સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
આ અંગે વધુ વિગત આપતાં મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે, પ્રથમ તો અહીં નવસારી બજારથી પૂતળી સુધીના રોડ પર બ્રિજ બનાવી શકાય કે કેમ ? એ માટેની શક્યતા ચકાસવામાં આવી હતી. કારણ કે, છેલ્લા ઘણા સમયથી સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટરોની બ્રિજની માંગ છે. પરંતુ રસ્તા સાંકડા હોય તે શક્ય નથી. જેથી હવે ગોપીતળાવના પાછળના ભાગેથી નવસારી બજાર ચાર રસ્તા પાસે એક રસ્તો નીકળે છે, જેમાં એપ્રોચ ન મળ્યો હોય, રસ્તો બનાવી શકાયો નથી અને આ રસ્તા પર 15 જેટલી જૂની મિલકતો પણ આવેલી છે. જે લોકોને અન્ય સ્થળે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે તો રસ્તો બનાવી શકાય કે કેમ તેવી પણ શક્યતા ચકાસવા સૂચના અપાઈ છે. જેથી નવસારી બજાર પાસેની ટ્રાફિક સમસ્યાનું પણ નિરાકરણ આવી શકે અને શહેરીજનોને ગોપીતળાવ ફરવા આવવા માટે પણ સવલત થઈ રહે તેમ છે.
ગોપીતળાવ પાસે ખાલી બે પ્લોટ પણ પે એન્ડ પાર્ક માટે અપાશે
ગોપીતળાવ પાસે મનપા દ્વારા મલ્ટિલેવલ પાર્કિંગ બનાવાયું છે. તેમજ અહીં પાર્કિંગની સમસ્યા હોય વધુ બે ખાલી પડેલા પ્લોટ પણ પે એન્ડ પાર્ક માટે આપવાનો નિર્ણય મનપા દ્વારા કરાયો છે. મનપા કમિશનર, મેયરે ગોપીતળાવ પાસે સ્થળ વિઝિટ કરી હોય અહીં ખાલી પ્લોટ પે એન્ડ પાર્ક માટે આપવા વિચારણા કરી છે.