સુરત: (Surat)16મી જાન્યુઆરીથી શહેરમાં હેલ્થ વર્કરો અને ત્યારબાદ તબક્કાવાર ફ્રન્ટલાઈન વર્કરોને વેક્સિન આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ત્યારે 15 મી ફેબ્રુઆરીથી શહેરમાં વેક્સીનનો (Vaccine) બીજો ડોઝ આપવાની શરૂઆત કરી દેવાઈ છે. બીજો ડોઝ આપવાના પ્રથમ દિવસે કુલ 978 લોકોને વેક્સીનનો બીજો ડોઝ (Second Dose) આપવામાં આવ્યો હતો. બીજી તરફ સુરત જિલ્લામાં (Surat District) કોરોના વેકસિનના રેગ્યુલર પ્રોગ્રામ સમાંતરે સેકન્ડ ડોઝનો રાઉન્ડ પણ ચાલુ થયો છે. સેકન્ડ રાઉન્ડ માટે જિલ્લા આરોગ્ય વિભાગે ચોર્યાસી તાલુકામાં 64, મહુવામાં 56, બારડોલીમાં 36 તેમજ ઓલપાડમાં 77 આરોગ્ય કર્મચારીઓ વેકિસન મૂકાવી ગયા છે. આરોગ્ય વિભાગે આપેલા આંકડા મુજબ આજે 394 લોકોને વેકિસન મૂકવા તૈયારીઓ હતી. પરંતુ તેની સામે 233 જણા રસી મૂકાવી ગયા છે. આજે 161 જણા ગેરહાજર રહ્યાં હતાં.
શહેરમાં પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કરોને વેક્સિન આપવામાં આવી હતી. ત્યારબાદ તબક્કાવાર ફ્રન્ટલાઈન વર્કરોને વેક્સિન આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. શહેરમાં કુલ 36,000 કરતાં વધુ હેલ્થ વર્કરો સરવેમાં નોંધાયા છે. જેમને હવે વેક્સિનનો બીજો ડોઝ આપવાની શરૂઆત 15 મી ફેબ્રુઆરીથી કરી દેવાઈ છે. સોમવારે શહેરમાં કુલ 978 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો તેમજ સોમવારે અન્ય 314 લોકોને પણ પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.
કોરોના વેકિસનના રેગ્યુલર ડોઝમાં 244 આરોગ્ય કર્મચારીઓએ મૂકાવી
સુરત ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વેકિસનના નિયમિત રાઉન્ડ દરમિયાન આજે 244 કોરોના વોરિયર રસી મૂકાવી ગયા છે. જેમાં ચોર્યાસી તાલુકામાં 6, કામરેજના 50, પલસાણામાં 23, ઓલપાડમાં 33, બારડોલીમાં 7, માંડવીમાં 54, માંગરોલમાં 23 તેમજ ઉમરપાડામાં 41 અને મહુવામાં 7 લોકોને રસી અપાઇ છે.
સુરત જિલ્લામાં કોરાનાના વધુ બે કેસ પોઝિટિવ નોંધાયા
સુરત જિલ્લામાં કોરોનાના આજે વધુ બે કેસ પોઝિટિવ બહાર આવ્યા છે. જેમાં ચોર્યાસી તાલુકામાં એક અને ઓલપાડ તાલુકામાં એક કેસ પોઝિટિવ નોંધાયો છે. સુરત જિલ્લામાં આ સાથે કોરોના પોઝિટિવ પેશન્ટનો આંકડો 13063 ઉપર પહોંચ્યો છે.
યુનિ.ના સેનેટ સદસ્યએ ટીચિંગ તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટે રસીમાં પ્રાધાન્ય આપવા રજૂઆત
વીર નર્મદ યુનિ.ના યુવા સેનેટ સભ્ય મનિષ કાપડીયાએ આજે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી હેલ્થ કમિશનર ડો.આશિષ નાયકને પત્ર પાઠવી યુનિ.ના સેનેટ સિન્ડેકટ સહિત ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફને કોરોના વેકિસનની પ્રાધાન્ય આપવા રજૂઆતો કરી છે. તેમણે કહ્યું હતું કે, આગામી દિવસોમાં કોલેજમાં પરીક્ષાઓ આવશે. તેવા સંજોગોમાં યુનિ.ના સ્ટાફને પણ વેકિસનમાં પ્રાયોરિટી આપવા રજૂઆતો કરાઇ છે.