સુરત: (Surat) સચિન બરફ ફેકટરી નજીક સિટી બસની (City Bus) અડફેટે ચઢેલા બાઇક સવાર ત્રણ પૈકી એકનું સિવિલમાં ટૂંકી સારવાર બાદ મોત નિપજતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. પરિવારે જણાવ્યું હતું કે મૃતક શિવા પ્રસાદ ગણેશ પ્રસાદ સોનકર ગભેણી બાંધકામ સાઈટ ઉપરથી મજૂરોને બાઇક પર બેસાડી ઘરે છોડવા જતા અકસ્માત સર્જાયો હતો. ઘટના શુક્રવારની મોડી સાંજની હતી. આ દુર્ઘટનામાં એક ને સામાન્ય ઇજા થતાં સિવિલમાં દાખલ કરાયો છે.
પરિવારે જણાવ્યું હતું કે મોત ને ભેટેલો શિવા પ્રસાદ ઉ.વ.26 નવસારી વિજલપોરની કૃષ્ણા નગરમાં રહેતો હતો. મૂળ યુપીનો રહેવાસી હતો. 6 મહિના પહેલા જ લગ્નગ્રંથીમાં જોડાયો હતો. અકસ્માત બાદ ત્રણેય ઇજાગ્રસ્તો ને સારવાર માટે સિવિલ લઈ જવાયા હતા. જ્યા શિવાનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. જ્યારે ઇજાગ્રસ્ત કુમાર ડાવર ને દાખલ કરી દેવાયો હતો.
વધુમાં જણાવ્યું હતું કે આ દુઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા કુમાર ડાવર ઉ.વ. 20 અને એની બહેન કિચિયા ડાવર ઉ.વ.16 હોવાનું જાણવા મળ્યું છે. બન્ને MP ના રહેવાસી હોવાનું અને ગભેણી ની બાંધકામ સાઈડ પર મજૂરી કરતા હોવાનું જાણવા મળ્યું છે. શિવા પોતાના બનેવી ની બાંધકામ સાઈડ પરથી બન્ને મજુરો ને બાઇક પર બેસાડી ઘરે છોડવા જતા અકસ્માતનો ભોગ બન્યો હતો. હાલ સચિન GIDC પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.