SURAT

સુરતમાં સિટી બસ ગજેરા સર્કલ પાસે ડિવાઈડર ઉપર ચડી ગઈ

સુરત: (Surat) સુરતમાં અવારનવાર સિટી બસના (City Bus) અકસ્માત (Accident) સર્જાતા હોય છે. સિટી બસે અનેક લોકોના ભોગ પણ લીધા છે. ત્યારે સુરતના કતારગામ વિસ્તારમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો. કતારગામથી ડભોલી તરફ જતા ગજેરા સર્કલ પાસેના સિગ્નલ (Signal) નજીક આ અકસ્માત થયો હતો. બસ ડ્રાઈવરે બસને એવી રીતે હંકારી હતી કે બસ સીધી ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી. આ ઘટના બની ત્યારે બસમાં 8થી 10 જેટલા મુસાફરો હતા. બસ ડિવાઈડર પર ચઢી જતા લોકો ગભરાઈ ગયા હતા અને તુરંત બસમાંથી ઉતરી ગયા હતા. જોકે સદનસીબે બસમાં બેઠેલા કોઈપણ મુસાફરને ઈજા થઈ નથી.

  • સુરતના કતારગામ વિસ્તારમાં સિટી બસને અકસ્માત સર્જાયો
  • ડ્રાઈવરે બસને એવી રીતે હંકારી કે બસ સીધી ડિવાઈડર ઉપર ચડી ગઈ

મળતી માહિતી મુજબ ગજેરા સર્કલ પાસે લેફ્ટ સાઈડનું સિગ્નલ ખાલી હોવાથી ડ્રાયવરે પોતાની બસ તે તરફ વાળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગળ અન્ય એક સિટી બસ હોવાને કારણે બસ સીધી ડિવાઇડર ઉપર ચડી ગઈ હતી. એક તબક્કે સોશિયલ મીડિયામાં બસમાં આગ લાગી હોવાની વાત ફેલાઈ હતી. પરંતુ બસમાં કોઈ ધુમાડા નીકળ્યા ન હતા. સ્થળ પર હાજર લોકોના જણાવ્યા પ્રમાણે બસ જોરથી ડિવાઈડર પર ચડી જવાને કારણે તેમાંથી ધૂળ ઉડી રહી હતી. જેને લોકોએ ધુમાડો સમજી લીધો હતો. ઘટનાને પગલે મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. પરંતુ ત્યારબાદ તુરંત મુસાફરો બસની બહાર આવી ગયા હતા.

Most Popular

To Top