સુરત: (Surat) શહેરમાં સરકારી યોજના હેઠળ બીઓબી સહિતની બેંકોમાંથી (Bank) કરોડોની લોન (Loan) લઈ ભરપાઈ નહીં કરી છેતરપિંડી કરનાર 57 સામે સીઆઈડીમાં વર્ષ-2020માં ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનામાં વોન્ટેડ મહિલાને અમરોલી પોલીસે બુધવારે ઝડપી વધારે તપાસ માટે સીઆઈડીને (CID) સોંપી હતી. અમરોલી પોલીસની ટીમને સી.આઇ.ડી. ક્રાઇમના ઠગાઇના બે ગુનામાં નાસતી ફરતી મહિલા આરોપી હાલ મોટા વરાછા ગાર્ડનવેલી રેસિડેન્સી પાસે ઊભી હોવાની બાતમી મળી હતી.
- સીઆઈડીમાં 12 કરોડની ઠગાઈના કેસમાં વોન્ટેડ મહિલાને અમરોલી પોલીસે ઝડપી પાડી
- સીઆઈડી ક્રાઈમમાં લોન લઈ ભરપાઈ નહીં કરનાર 48 લોનધારક, બેન્કના સિનિયર મેનેજર, લોન એજન્ટ સહિત કુલ 57 વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી
- વિવિધ સરકારી યોજના હેઠળ કરોડોનો ખેલ કરાયો હતો
બાતમીના આધારે અમરોલી પોલીસે વોચ ગોઠવી આરોપી મીનાબેન ભરતભાઇ વાઘજીભાઇ અકબરી (ઉં.વ.૪૨) (રહે., ૪૬-રૂક્ષ્મણી સોસાયટી, નાના વરાછા તથા મૂળ-જિ.અમરેલી)ને મોટા વરાછા ગાર્ડનવેલી રેસિડેન્સી પાસેથી દબોચી લીધી હતી. મહિલાને પકડીને સીઆઈડીને સોંપતાં વધારે પૂછપરછ સીઆઈડી દ્વારા શરૂ કરાઈ છે. વિવિધ સરકારી યોજના હેઠળ બેન્ક ઓફ બરોડામાંથી લોન લઇ ભરપાઈ નહીં કરવાનું કૌભાંડ બેન્કની નવયુગ કોલેજ બ્રાન્ચ, ડુમસ બ્રાન્ચ બાદ મોટા વરાછા અને મગદલ્લા બ્રાન્ચમાં પણ બહાર આવ્યું હતું. મોટા વરાછા બ્રાન્ચમાંથી રૂ.4.49 કરોડ અને મગદલ્લા બ્રાન્ચમાંથી રૂ.5.03 કરોડની લોન વિવિધ સરકારી યોજના હેઠળ લઇ બાદમાં ભરપાઈ ન કરી કૌભાંડ આચરનારા 48 લોનધારક, બેન્કના સિનિયર મેનેજર, લોન એજન્ટ સહિત 57 વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ સીઆઇડી ક્રાઇમમાં નોંધાઈ હતી.
યુપી-બિહારના વેપારીએ સુરતના વેપારી પાસેથી 7.25 લાખની સાડી ખરીદી પેમેન્ટ ચૂકવ્યું નહીં
સુરત : રિંગ રોડની મિલેનિયમ ટેક્સટાઇલના રાજ કેસરી ડિઝાઇનર ફર્મના માલિક પીસેથી યુપી-બિહારના વેપારીએ રૂ.7.25 લાખનો માલ ખરીદી પેમેન્ટ આપ્યું ન હતું. પ્રાપ્ત વિગતો મુજબ ભટાર રોડના જીવકોરનગર આશીર્વાદ પેલેસમાં રહેતા અને મૂળ રાજસ્થાનના નાગોરના વતની દિલીપ જુગલકિશોર ગાડોદિયા (ઉં.વ.૫૭) રિંગ રોડ મિલેનિયમ ટેક્સટાઈલ માર્કેટમાં રાજ કેસરી ડિઝાઈનર નામના ફર્મથી સાડીનો વેપાર કરે છે. તેમની મુલાકાત ડિંડોલીના કાપડ દલાલ બી.એમ.તિવારી મારફતે બિહારમાં શ્રીસાંઇ સિન્થેટિક્સના પ્રોપ્રાઇટર રણજિતકુમાર સિંહ, યુપીમાં આર.એલ.કલેક્શનના નામે વેપાર કરતા વેપારી હરિઓમ ભાટિયા તેમજ યુપીના ભાટિયા સાડીનાં વેપારી અર્ચના ભરત ભાટિયા અને ભરત ભાટિયાની સાથે થઇ હતી. આ ચારેય વેપારીએ દિલીપભાઇ પાસેથી રૂ.7.25 લાખની કિંમતનો અલગ અલગ સાડીનો માલ ખરીદ્યો હતો, અને બાદમાં પેમેન્ટ આપ્યું ન હતું. વારંવાર પેમેન્ટની માંગણી છતાં પણ પેમેન્ટ નહીં મળતાં આખરે દિલીપભાઇએ સલાબતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે સુરતના કાપડ દલાલ સહિત અન્યની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.