સુરત: (Surat) કતારગામ ખાતે આવેલા વીઆર પોપાવાલા ચિલ્ડ્રન હોમમાંથી (Children Home) બે દિવસ પહેલા ગાંધીનગરથી 6 મહિના પહેલા શિફ્ટ કરવામાં આવેલો 7 વર્ષનો બાળક ભેદી સંજોગોમાં ગુમ થયો હોવાની ફરિયાદ કતારગામ પોલીસ સ્ટેશનમાં (Police station) નોંધાઈ છે.
- 7 વર્ષનો બાળક ભેદી સંજોગોમાં ગુમ, બીજા બાળકોને અહીંયા ગમતુ નથી તેવુ કહેતો હતો
- હોમમાં આશ્રિત 49 બાળકો કેમ્પસમાં રમી રહ્યા હતા, પોલીસે બાળકની શોધખોળ આરંભી
- ગાંધીનગરથી 6 મહિના પહેલા કતારગામના પોપાવાલા ચિલ્ડ્રન હોમ લવાયેલો
કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામના અનાથ આશ્રમ સર્કલ નજીક વી.આર. પોપાવાલા ચિલ્ડ્રન હોમ આવેલું છે. જ્યાં અત્યારે 49 જેટલા બાળકો આશ્રિત છે. અને અલગ-અલગ સ્કૂલમાં અભ્યાસ કરે છે. જે પૈકી 7 વર્ષના સુરેશ વસાવાને ગત 27 જુલાઇ 2022 ના રોજ ગાંધીનગર બાળ સંભાલ ગૃહમાંથી પોપાવાલા ચિલ્ડ્રન હોમમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. સુરેશ પોપાવાલા ચિલ્ડ્રન હોમ કેમ્પસમાં કાર્યરત સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત અભ્યાસ અને ટ્યુશન કલાસમાં જતો હતો. ગયા શનિવારે સવારે 10 વાગે કેમ્પસમાં રમતા રમતા ગુમ થયો હતો. સુરેશ બાદમાં અંદર નહી જણાતા સ્ટાફ અને વોચમેને તેની શોધખોળ કરી હતી. ત્યારે સાથી બાળકોએ જણાવ્યું હતું કે, સુરેશને અહીંયા ગમતુ ન હોવાનું તે કહ્યા કરતો હતો અને તે અહીંયાથી ભાગી જવાનું કહેતો હતો. જેથી સ્ટાફે બાળકની બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન સહિતના વિસ્તારમાં શોધખોળ કરી હતી. પરંતુ તેનો પત્તો નહી લાગતા કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.