SURAT

સુરતનો 12 વર્ષનો બાળક ખિસ્સામાં 10 રૂપિયા લઈ નંદૂરબાર મામાના ઘરે પહોંચી ગયો

સુરત : ડિંડોલીમાં રહેતો 12 વર્ષનો બાળક રમતા રમતા ગુમ થઇ ગયો હતો, તપાસ કરતા આ બાળ નંદુરબાર મામાના ઘરે હોવાની માહિતી મળતા પોલીસ અને પરિવારે હાંશકારો અનુભવ્યો હતો. આ બાળકને મામાના ઘરે જવાની ઇચ્છા થઇ હતી, અને તે ટ્રેન મારફતે નંદુરબાર પહોંચી ગયો હોવાનું બહાર આવ્યું હતું.

  • બાળકને મામાના ઘરે જવાની ઈચ્છા થઈ હતી અને ટ્રેન મારફત પહોંચી ગયો હતો
  • ગુમ થઈ જતાં પરિવારે શોધખોળ કરી, મામાને ઘરે હોવાની જાણ થતાં તમામ હાશકારો અનુભવ્યો

પ્રાપ્ત વિગતો મુજબ, ડિંડોલીમાં રહેતો 12 વર્ષનો બાળક સ્કૂલેથી ઘરે આવ્યા બાદ ફ્રેશ થઇને ઘરની બહાર અન્ય બાળકો સાથે રમતો હતો, લાંબા સમય સુધી તે ઘરમાં આવ્યો ન હતો. આ દરમિયાન બાળકના પિતા ઘરે આવ્યા હતા અને બાળકની વિશે પુછ્યું હતું ત્યારે ખબર પડી કે તે ઘરની નજીક છે જ નહીં. આજુબાજુમાં તપાસ કરવામાં આવી પરંતુ બાળક ક્યાંય પણ મળ્યો ન હતો. આખરે આ મામલે ડિંડોલી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે બાળકના ફોટો લઇને તપાસ કરી હતી. એક દિવસ બાદ આ બાળકની નાનીએ તેના માતા-પિતાને ફોન કરીને જાણ કરી હતી અને તે નંદુરબાર આવ્યો હોવાનું કહ્યું હતું. પુછપરછ કરતા બાળક રમતા રમતા સુરત રેલવે સ્ટેશન ગયો હતો, અને ત્યાંથી ટ્રેન મારફતે નંદુરબાર પહોંચી ગયો હતો. બાળકની પાસે માત્ર 10 રૂપિયા જ હતા અને તે છેક નંદુરબાર પહોંચી ગયો હતો. બાળકના નાનીએ સુરત આવીને તેના માતા-પિતાને બાળકનો કબજો સોંપવાની તજવીજ કરી હતી.

Most Popular

To Top