SURAT

પાંડેસરા કચરા પ્લાન્ટ નજીક ટ્રકે 20 મહિનાના માસુમ બાળકને કચડી નાખ્યું, સ્થળ પર જ મોત

સુરત: (Surat) પાંડેસરા કચરા પ્લાન્ટ નજીક ભારી ભરખમ ટ્રકે 20 મહિનાના માસુમ બાળકને (Child) તોતિંગ વ્હીલમાં કચડી નાખતા બાળકનું સ્થળ પર જ મોત (Death) થયું હતું. ઘટનાની જાણ બાદ માતા દોડી આવતા બાળકને મૃત હાલતમાં જોઈ બેભાન થઈ ગઈ હતી. પીડિત પરિવારે કહ્યું હતું કે તેઓ આયુર્વેદિક દવાઓ વેચી ગુજરાન ચલાવી રહ્યા છે. બાળક રોડ ઉપર રમી રહ્યું હતું ત્યારે બાળકને કચડી નાંખી ટ્રક ચાલક ભાગી ગયો હતો. પોલીસે ટ્રક કબજે લઈ આગળની તપાસ હાથ ધરી છે.

આકાશ ચિતોડિયા (પીડિત પિતા) એ જણાવ્યું હતું કે તેઓ મહારાષ્ટ્ર ના વતની છે. સુરતમાં 5 મહિનાથી રોડ બાજુએ વાહન પાર્ક કરી આયુર્વેદિક દવાઓનું વેચાણ કરી ગુજરાન ચલાવી રહ્યા છે. ઘટના સોમવાર સાંજની છે. નાનો 20 મહિનાનો પુત્ર રમતા રમતા રોડ ઉપર ચાલી ગયો હતો. ત્યારે એક ટ્રકે માસુમ અશ્વિનને કચડી નાખતા સ્થળ પર જ તેનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ ટ્રકનો ચાલક ભાગી ગયો હતો. જોકે પોલીસ દોડી આવતા ટ્રક કબજે લઈ આગળની તપાસ હાથ ધરી છે.

વધુમાં જણાવ્યું હતું કે તેમને બે સંતાન છે. ઘટના સમયે તેઓ બહાર કામ માટે ગયા હતા. પત્ની પાર્ક વાહનમાં કામ કરી રહી હતી. એ દરમિયાન ઘટના બની હતી. પોલીસે હાલ ગુનો નોંધી ફરાર ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે. ટ્રક બાંધકામ સાઇટ ઉપર સામાન લઈ જવાની હેરાફેરીમાં વપરાતું હોય એમ કહી શકાય છે. બાળકનો જમણા હાથથી લઈ આખું માથું અને મોઢું ટ્રકના વહીલ નીચે કચડાય ગયું હતું. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે.

Most Popular

To Top