સુરત: (Surat) ભેસ્તાનના સિદ્ધાર્થ નગરમાં જાળીઓમાં ગાયોને ખાવા માટે નાખેલા ચારામાં શેરડી લેવા ગયેલી 4 વર્ષની બાળકી ઉપર 8 થી 10 રખડતા કૂતરાઓએ (Dog) હુમલો કરીને ગળાના ભાગે બચકા ભરી લીધા હતા. બાળકી ગંભીર ઇજા પામીને ત્યાં જ પડી રહી હતી. માતા-પિતા કામ પરથી ઘરે આવ્યા ત્યારે તેમણે બાળકીને શોધતા ઘર પાસે આવેલી જાળીમાં બેભાન હાલતમાં મળી આવી હતી. બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવી પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.
- ભેસ્તાનમાં 8થી 10 રખડતા કૂતરાએ 4 વર્ષની બાળકીને બચકા ભરી મારી નાખી
- માતા-પિતા મજૂરી કામ કરવા ગયા હતા તે સમયે ઘરની બહાર રમતી બાળકી જાળીઓમાં ગાયોને નાખેલા ચારામાં શેરડી શોધવા ગઈ ત્યારે કૂતરાઓએ હુમલો કર્યો
નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર મૂળ મધ્યપ્રદેશના વતની કાળુભાઈ દેવચંદ અરડ હાલ ભેસ્તાન સિદ્ધાર્થ નગર ઝૂંપડપટ્ટીમાં પત્ની, ત્રણ દીકરા તેમજ એક દીકરી સુરમિલા (4 વર્ષ) સાથે રહે છે. કાળુભાઈ અને તેની પત્ની પાંડેસરા જીઆઇડીસીમાં આવેલી કંપનીના બોઈલરમાં કોલસા નાખવાનું મજુરી કામ છે. કાળુભાઈ નોકરી ઉપર જાય ત્યારે તેના બે સંતાનને સાથે લઈને જતા હતા અને સુરમિલા તેમજ બજરંગી નામના સંતાનને ઘરે મૂકીને જતાં હતાં. રાબેતા મુજબ સોમવારે પણ કાળુભાઈ બંને સંતાનને ઘરે મૂકીને ગયા હતા. તે દરમિયાન સાંજે 5 વાગ્યાનાં સુમારે સુરમિલા અને બજરંગી ઘરની બહાર રમી રહ્યા હતા. ઘરની પાસે જાળીઓમાં ગાયને ખાવા માટે ચારા નાખવામાં આવે છે.
તે ચારામાં સુરમિલાને શેરડી દેખાઈ હતી. જેથી સુરમિલા તે શેરડી લેવા માટે ગઈ હતી. ત્યારે ત્યાં અચાનક 8થી 10 કૂતરાઓએ આવીને સુરમિલા પર હુમલો કર્યો હતો. તેને ગળામાંથી દબોચી લીધી હતી. બાળકી ત્યાં જ બેભાન થઈને પડી રહી હતી. કૂતરાઓ તેની આસપાસ ફરતા હતા. સાંજે કાળુભાઈ અને તેમની પત્ની કામ પરથી ઘરે આવ્યા હતા. તેઓને સુરમિલા નહીં દેખાતા તેઓ સુરમિલાને શોધવા માટે નીકળ્યા હતા. તેમના ઝુંપડાથી થોડા અંતરે જાળીમાં કૂતરાઓ દેખાયા તે દિશામાં કાળુભાઈ જોવા ગયા ત્યારે ત્યાં સુરમિલા ઇજાગ્રસ્ત હાલતમાં પડેલી હતી. કાળુભાઈએ કૂતરાઓ તરફ પથ્થરો ફેકીને કૂતરાઓને ભગાવ્યા હતા. ત્યારબાદ બાળકીને લઈને હોસ્પિટલ આવ્યા હતા. ત્યાં સારવાર મળે તે પહેલા જ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
સુરમિલાના પિતા કાળુભાઈએ જણાવ્યું હતું કે, હું જ્યારે નોકરી પરથી ઘરે આવ્યો હતો. ત્યારે મને સુરમિલા દેખાઈ ન હતી. જેથી બજરંગીએ કહ્યું હતું કે સુરમિલા ત્યાં જાળીમાં પડેલી છે. જેથી ત્યાં જઈને જોયું તો સુરમિલા બેભાન હાલતમાં કૂતરાઓ પાસે પડેલી હતી. મેં એ કૂતરાઓને પથ્થર મારીને ભગાવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.