SURAT

લિંબાયતમાં 2 વર્ષનું બાળક ચોથા માળની બારીમાંથી નીચે પટકાતાં મોત

સુરત: (Surat) સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા પ્રતાપનગરના એક એપાર્ટમેન્ટના ચોથા માળેથી નીચે પટકાતા બે વર્ષના માસૂમનું (Child) મોત નિપજ્યું છે. એકનો એક પુત્ર શનિવારના રોજ સાંજે મોબાઈલમાં (Mobile) કાર્ટૂન જોતાં જોતાં બારીમાંથી નીચે પટકાયો હતો. ઘટનાના હૃદય કંપાવી દેતા સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા છે. એક મોબાઈલનાં કારણે માતા-પિતાએ પોતાનો એકનો એક દીકરો ગુમાવતા પરિવાર ઘેરા શોકમાં ડૂબી ગયું છે.

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા પ્રતાપ નગરમાં રહેતા વસીમ અન્સારી પોતે ટાઈલ્સ ફોલ્ડિંગનું કામ કરે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે તેમના પરિવારમાં પત્ની અને વારીસ નામનો દીકરો હતો. વારિસ તેમનો એકનો એક પુત્ર હતો. શનિવારના રોજ વસીમ સવારે નોકરી પર ગયા બાદ પત્નીએ માસૂમ દીકરા વારિસ સાથે બપોરનું ભોજન કરી રૂમનો દરવાજો બંધ કરી તેને મોબાઈલ પર કાર્ટૂન જોવા આપી વોશરૂમ ગઈ હતી, જ્યાંથી પરત ફરતાં વારિસ બેડ પર ન દેખાતાં શોધખોળ શરૂ કરી હતી. બેડ અને બારી વચ્ચે માત્ર બે ફૂટનું જ અંતર હતું. બારીમાંથી નજર નીચે પડતાં લોકોની ભીડ જોઈ ડરના મારે પત્ની નીચે દોડી ગઈ હતી. લોકોએ કહ્યું હતું કે એક બાળક નીચે પટકાતાં તેને મહોલ્લાના છોકરાઓ હોસ્પિટલ લઈ ગયા છે. 

ચોથા માળેથી પટકાયા બાદ ઇજાગ્રસ્ત માસૂમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં 55 કલાક તેની સારવાર કરાઈ હતી. તેમ છતાં બાળકને બચાવી ન શકાયું ન હતું. આ હદય કંપાવનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં દેખાઇ રહ્યું છે કે એક બાળક અચાનક જમીન પર પટકાયું અને પાસે ઉભેલા એક યુવકે તેને તરત જ ઉચકી લીધું હતું અને તેના માથા પર હાથ ફેરવ્યો હતો. મહોલ્લાનાં લોકો બાળકને સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયા હતાં.

આ કિસ્સો સુરત નહીં પરંતુ સમગ્ર દેશના માતા-પિતા માટે એક લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય. જણાવી દઈએ કે પરિવાર એક મહિના પહેલા જ લિંબાયતના આ વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં ભાડાના મકાનમાં રહેવા આવ્યા હતા. વારિસ તેઓનો એકનો એક દીકરો હતો જોકે એકના એક દિકરાના મોતના પગલે પરિવાર ઘેરા શોકમાં ડૂબી ગયું છે. 55 કલાકમાં 50 હજાર ખર્ચ કર્યા બાદ પણ તેને બચાવી શકાયો ન હતો.

Most Popular

To Top