સુરત: (Surat) જીઆઇડીસી વિસ્તારમાં ઔદ્યોગિક એકમો (Industrial Units) દ્વારા ટ્રીટ કર્યા વગર જ કેમિકલયુક્ત પાણી (Chemical Water) ડ્રેનેજમાં છોડાતું હોવાની વાત નવી નથી. સુરત મનપાના અમુક ભ્રષ્ટ અધિકારીઓના મેળાપીપણામાં આ કૌભાંડ વરસોથી ચાલે છે. ત્યારે બે દિવસ પહેલાં ડ્રેનેજ લાઇનમાં કલરવાળું પાણી છોડતી ભેસ્તાનની નવીન ફ્લોરિન મિલ પાસેની લક્ષ્મી વિષ્ણુ સિલ્ક મિલનું ભોપાળું છતું થયા બાદ તેને નોટિસ ફટકારી મિલ સામે કાર્યવાહી કરવા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પણ પાલિકાએ પત્ર લખ્યો છે, ત્યારે હવે ચામડી ખુલ્લી પડી જતાં મોડે મોડે પણ ડ્રેનેજ વિભાગને સાન આવી હોય તેમ 12 કર્મચારીની બે ટીમ બનાવી જીઆઇડીસી વિસ્તારમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવાનું નક્કી કરાયું છે.
પાંડેસરામાં પાંડેસરા-ભેસ્તાન અને ઉન વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોને કેમિકલ તથા ઝેરી કલરવાળા પાણીને ટ્રીટ કર્યા બાદ જ ડ્રેનેજ લાઇનમાં છોડવાની શરતે ગટર કનેક્શન આપવામાં આવ્યાં હોવા છતાં આ વિસ્તારની ડ્રેનેજ લાઇનમાં કેમિકલવાળા પાણીની હાજરી મળી છે. વિભાગે ઢાંકળાં ખોલી-ખોલીને તપાસ કરી ત્યારે આ ગંભીર બેદરકારી સામે આવી છે. જેના પગલે દિવસે સ્ટોરેજ થતાં અને ખાસ રાતના સમયે જ આચરાતી આ ગેરકાયદે પ્રવૃત્તિને પકડવા 6-6 કર્મીઓની 2 ટીમ બનાવી નાઇટ પેટ્રોલિંગ કરવા સૂચના અપાઇ છે.
ગત 13 જાન્યુઆરીના રોજ રાતે ગટર ચેમ્બરનાં ઢાંકળાં ખોલી-ખોલીને તપાસ કરતાં આ પાણી ભેસ્તાનની લક્ષ્મી વિષ્ણુ સિલ્ક મિલમાંથી છોડાયું હોવાની માહિતી પાલિકાને મળી હતી.
વિભાગે કહ્યું કે, આ મિલને નોટિસ ફટકારી કડકમાં કડક કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે. આ સાથે જ નિયમ પ્રમાણે જીપીસીબીને પણ કાર્યવાહી કરવા પાલિકાએ પત્ર લખ્યો હોવાનું મનપાનાં સૂત્રો જણાવી રહ્યાં છે. સાથે સાથે જીઆઇડીસી વિસ્તારમાં સૂર્યાસ્ત પછી સુમસામ થઇ જતા માર્ગો પર કર્મીઓએ હુમલાની ભીતિ દર્શાવી હતી. જેથી ઔદ્યોગિક એકમો દ્વારા કેમિકલવાળું પાણી ટ્રીટ કર્યા વગર જ ડ્રેનેજ લાઇનમાં છોડાઇ રહ્યું હોવાની ગંભીર ગુનાહિત પ્રવૃત્તિને પકડવા પાલિકાએ પોલીસ બંદોબસ્ત મેળવવા પણ કવાયત શરૂ કરી છે.