સુરત: વિશ્વમાં ખ્યાતિ પામનાર ભારતના (India) ચંદ્રયાન-3ની (Chandrayaan-3) સફળતાં બાદ ભૂતપૂર્વ શિક્ષક સાથે ટેલિફોનિક વાતચીતનો ઓડિયો વાઈરલ કરી પોતાને સાયન્ટિસ્ટ (Scientist) અને ચંદ્રયાનની સાથે લેન્ડરની ડિઝાઈન બનાવ્યાનો દાવો કરનાર મિતુલ ત્રિવેદીનો (Mitul trivedi) ભાંડો ફૂટી ગયો છે. એટલું જ નહીં પણ મિતુલ ત્રિવેદી વિરૂદ્ધ પોલીસમાં (Police) અરજી થતાં ક્રાઈમ બ્રાંચ (Crime branch) દ્વારા આજે મિતુલના તમામ દાવાઓ સામે ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી ધરપકડ કરી છે.
ચંદ્રયાન-3 ની સફળ લેન્ડિંગ થતાની સાથે જ દેશમાં જ નહીં વિશ્વ ખ્યાતિ મેળવવા સુરતના એક કથિત વિજ્ઞાનિકે ચન્દ્રયાન-3ની ડિઝાઇન પોતે બનાવી હોવાનો દાવો કર્યો હતો. એટલું જ નહીં પણ મીડિયાની હેડ લાઈન બની ખોટી પ્રસિધ્ધિ મેળવનાર મિતુલ ત્રિવેદીનો ભાંડો ફૂટતા જ ચારેય બાજુથી ફિટકાર વરસાવાયો હતો. જો કે આ મામલે પોલીસ કમિશનરનું તેંડુ આવતા મિતુલ ત્રિવેદી મોઢું છુપાવતા થઈ ગયા હતા. સોશિયલ મીડિયામાં મિતુલ ત્રિવેદીનો વિરુદ્ધ શરૂ થઈ ગયો હતો. સામાજિક કાર્યકર્તાઓએ મિતુલ સામે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ કમિશનરને અરજી પણ કરી હતી.
આખરે ક્રાઈમ બ્રાન્ચ ને તપાસ સોપાતા આખરે પોલીસ આજે કથિત વૈજ્ઞાનિક મિતુલની ધરપકડ કરી વધુ તપાસ કરી રહી છે. મિતુલ ત્રિવેદીની સોમવારની રાત્રે ક્રાઈમ બ્રાન્ચમાં પૂછપરછ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ આજે મંગળ વારે ફરી પાંચેક કલાક સુધી ક્રોસ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. મિતુલ આપેલા ડોક્યુમેન્ટ પણ ઈસરો બેંગ્લોર મોકલી તપાસવામાં આવ્યાં હતાં. પરંતુ કંઈ તથ્ય ન જણાતા આખરે પોલીસે ધરપકડ કરી પોલીસ કમિશનર કચેરી લાવવામાં આવ્યો હતો. એડિશન સીપી શરદ સિંઘલની પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું કે, મિતુલ ત્રિવેદી કહેતો હતો કે ચંદ્રયાન ત્રણમાં તેનો મહત્વનો ફાળો રહ્યો છે. જેની તપાસ સુરત પોલીસ કમિશનરે ક્રાઈમ બ્રાન્ચને તપાસ કરવામાં આવી છે.
મિતુલ ત્રિવેદીએ તમામ ડોક્યુમેન્ટ બોગસ બનાવ્યા હતા. પોતાને ત્યાં ટ્યુશન ચલાવતો હોવાથી વિદ્યાર્થીઓ વધુ આવશે તેને લઈ ડોક્યુમેન્ટ બોગસ બનાવ્યા હતાં. મિતુલ ત્રિવેદીએ બોગસ લેટર ક્યાં બનાવ્યા તેની તપાસ કરવામાં આવશે. મિતુલ ત્રિવેદીએ બી.કોમ અને એમ.કોમ કર્યું છે. મિતુલના ઘરે પણ સર્ચ કરવામાં આવશે. મિતુલ ત્રિવેદી પાસેથી ઇસરોના મળી આવેલા એપોઇન્ટમેન્ટ લેટર બોગસ હોવાનું પુરવાર થયું છે.ઇસરો દ્વારા સુરત પોલીસને જાણ કરવામાં આવી કે આ લેટર બોગસ છે.આગામી દિવસોમાં વધુ માહિતી ઇસરો દ્વારા સુરત પોલીસને સોંપવામાં આવશે. આરોપી વિરુદ્ધ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં આઈપીસીની કલમ 465,467 અને 419 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.સમગ્ર કેસની તપાસ સુરત એસઓજીને સોંપવામાં આવી છે.હજી બોગસ લેટરો બનાવ્યા છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે.
મિતુલ ત્રિવેદીએ ચંદ્રયાન લેન્ડ સફળતાપૂર્વક થયા બાદ સૌ પ્રથમ પોતાના ગુરુ નિવૃત શિક્ષક અર્જુન સરની આંખમાં ધૂળ નાખવાની સાથે આખા દેશની આંખોમાં ધૂળ નાખતો હોય તે રીતે પોતાની ડંફાસ હાંકતા કહેલું કે, મેં ડિઝાઈન બનાવી હતી. હવે હું બહાર આવીશ. જો કે, વર્ષોથી ખોટું બોલીને કથિત સાયન્ટિસ્ટના નામે સેમિનારો કરીને વાહવાહી લૂંટનાર મિતુલ ત્રિવેદીની ધરપકડ કરી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.