સુરત: (Surat) ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (Chamber Of Commerce) એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સુરતમાં પોલેન્ડના કોન્સુલ જનરલ દમીયન ઇરઝીકે સાથે બેઠક યોજાઇ હતી. જેમાં દક્ષિણ ગુજરાતમાં સ્થપાયેલા ઉદ્યોગો અને પોલેન્ડની વચ્ચે દ્વિપક્ષીય વેપાર વધારવાની દિશામાં મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
- દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો અને પોલેન્ડની વચ્ચે દ્વિપક્ષીય વેપાર વધારવાની દિશામાં પણ મહત્ત્વની ચર્ચા-વિચારણા કરવામાં આવી
- ટેક્સટાઇલ અને જ્વેલરીના બિઝનેસને પોલેન્ડમાં પ્રમોટ કરવા માટે ચેમ્બરની ત્યાંના કોન્સુલ જનરલને રજૂઆત
ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે સુરતથી ટેક્સટાઇલ, મેડિકલ ટેક્સટાઇલ અને ટેકનિકલ ટેક્સટાઇલ તથા જ્વેલરીને પોલેન્ડમાં પ્રમોટ કરવામાં આવે તેવી માંગ કરી હતી સાથે સાથે પોલેન્ડના ટુરીઝમ, એજ્યુકેશન અને સફરજનના બિઝનેસને પ્રમોટ કરવા માટે પ્રયાસ કરવામાં આવશે ચેમ્બર દ્વારા ટુરીઝમ એક્સપોનું આયોજન કરવામાં આવનાર છે, જેમાં કન્ટ્રી પેવેલિયન તરીકે પોલેન્ડ દ્વારા ભાગ લેવામાં આવે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો.
પોલેન્ડના કોન્સુલ જનરલ દમિયન ઇરઝીકે જણાવ્યું હતું કે, સુરત સહિત ગુજરાતના ઉદ્યોગપતિઓને પોલેન્ડમાં મેન્યુફેકચરિંગ પ્રવૃત્તિઓમાં રોકાણ કરવાની ઘણી સારી તકો છે. કારણ કે, યુરોપિયન દેશોમાં સૌથી ઓછો ઉત્પાદન ખર્ચ પોલેન્ડમાં થાય છે. જેથી સુરતના ઉદ્યોગકારો પોલેન્ડમાં ઉત્પાદન કરશે તો તેઓ ફ્રાન્સ અને જર્મની સાથે સરળતાથી બિઝનેસ કરી શકશે. તેમણે જણાવ્યું હતું કે, ભારત અને પોલેન્ડ વચ્ચે દ્વિપક્ષીય વેપાર ઘણો ઓછો છે. પોલેન્ડ, વિશ્વભરમાં વાર્ષિક પ૦૦ બિલિયન યુએસ ડોલરનું એક્સપોર્ટ કરે છે. જ્યારે ભારતમાં માત્ર ૭૦૦ મિલિયન ડોલરનું જ એક્સપોર્ટ થાય છે. પોલેન્ડ એ વિશ્વમાં સૌથી મોટું બીજા નંબરનું સફરજનનું ઉત્પાદન કરે છે. પરંતુ, ભારતમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડથી સફરજન આયાત થાય છે. આથી પોલેન્ડથી પણ દક્ષિણ ગુજરાત સહિત ભારતભરમાં સફરજન આયાત થાય તે માટે પ્રયાસ કરવા વિનંતી કરી હતી. અનુરોધ કર્યો હતો. ચેમ્બરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલાએ આભારવિધિ કરી હતી.