સુરત : (Surat) પૂણા પાટિયા ખાતે વૃદ્ધ (Old Man) કાપડ વેપારી પત્ની સાથે વોકિંગ (Walking) કરવા માટે નીકળ્યા હતા. ત્યારે સ્નેચરે તેમની પત્નીના ગળામાંથી ચેઈન (Chain Snatcher) આંચકી ભગવા જતા વૃદ્ધે પણ હિંમતપૂર્વક પાછળ દોડી તેને પકડી પાડ્યો હતો. અને ચોર ચોરની બૂમો પાડતા લોકોની ભીડે તેને ઘેરી પોલીસના હવાલે કર્યો હતો.
પૂણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સહજ રો હાઉસમાં રહેતા 60 વર્ષીય મોતીસિંહ સુમનસિંહ રાજપુત રીંગરોડની શિવશક્તિ ટેક્ષટાઇલ માર્કેટમાં બેનટેક્ષના નામે સાડીની દુકાન ચલાવે છે. ગઈકાલે રાત્રે તેઓ પત્ની હંસાબેન સાથે વોકિંગ કરવા નીકળ્યા હતા. જ્યાં તેમની સોસાયટી પાસે પાછળથી આવેલા અજાણ્યાએ પત્ની હંસાબેનના ગળામાંથી સોનાની ચેન કિંમત 45 હજારની ખેંચીને ભાગી રહ્યો હતો. એ સમયે વૃદ્ધ વેપારી મોતીસિંહ સ્નેચરની પાછળ ચોર ચોરની બુમો પાડીને દોડ્યા હતા. અને સ્નેચરને પકડી પાડ્યો હતો. બાદમાં લોકોનું ટોળુ ભેગું થતા પૂણા પોલીસને જાણ કરીને સ્નેચરને પોલીસના હવાલે કરાયો હતો. સ્નેચરે તેનું નામ યાકુબ ઇનાયતખાન પઠાણ (ઉ.વ.21, રહે. રઝાનગર, ભાઠેના) હોવાનું જણાવ્યુ હતુ. પૂણા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.
બિભત્સ મેસેજ મોકલી વેપારીના પરિવારને હેરાન કરતો શખ્સ દિલ્લીથી ઝડપાયો
સુરત: વેસુ ખાતે રહેતા રિંગરોડના સાડી વેપારીના ભાઇના ઇન્સ્ટાગ્રામ આઇડી પર તેની પત્ની અંગે રાઘવઅરોર327 નામની આઇડી પરથી બિભત્સ મેસેજ આવ્યો હતો. ભાવિને મેસેજનો કોઇ રિપ્લાય આપ્યો નહોતો. પરંતુ આઇડી બ્લોક કરી દીધું હતું. જેથી ભેજાબાજે રાગ્સ12189 નામે ફેક આઇડી બનાવી મેસેજ કર્યા હતા. તેને મેસેજ કરી હેરાન નહી કરવા વિનંતી કરતા ગાળો આપતો ઓડીયો ક્લીપ મોકલાવ્યા બાદ ડિલીટ કરી દીધી હતી. ત્યારબાદ દંપત્તિ અને તેમના પરિવારના સભ્યોને પણ બિભત્સ મેસેજ મોકલવાનું ચાલુ કર્યું હતું. ઉમરા પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી હતી. દરમિયાન આરોપી રાઘવ સંજીવ અરોડા (ઉ.વ.૩૦ રહેવાસી:- એફ-૨૧, મોડલ ટાઉન -૧, મોડનટાઉન પોલીસ સ્ટેશન, નોર્થ-ઇસ્ટ દિલ્હી) ને ઝડપી પાડ્યો હતો.