SURAT

સુરતના સેન્ટ્રલ ઝોનમાં 5 વર્ષથી નવા રસ્તા જ નથી બન્યા!

સુરત: (Surat) આમતો સુરત શહેરના બધાજ ઝોનમાં ખાડાઓનું (Pits) સામ્રાજ્ય છે પરંતુ સેન્ટ્રલ ઝોનની (Central Zone) કહાની તો કાંઈ અલગ જ છે. સેન્ટ્રલ ઝોનમાં છેલ્લા 5 વર્ષથી નવા રસ્તાઓ જ બન્યા નથી. ફક્ત રિપેરિંગ કામ અને લીપાપોતી થઈ છે. તેથી જ હાલ સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ ખાડાઓને કારણે લોકો પરેશાન છે. જોકે મનપાના (Corporation) રોડ (Roads) રસ્તાના અધિકારીઓએ આ બાબતે સીધી છટકબારી શોધી કાઢી છે. તેઓનું કહેવું છે કે સેન્ટ્રલ ઝોનમાં ગટર લાઈન (Drainage Line) અને 24 બાય 7 પાણીની લાઈન (Water Line) નાંખવાનું કામ ચાલતું હોવાથી અહીં રસ્તાઓનાં કારપેટિંગનું કામ કરી શકાયું નથી. એટલું જ નહીં મનપાનું કહેવું છે કે જે વિસ્તારોમાં ખોદાણ થયું છે ત્યાંના રસ્તાઓ જ ખરાબ થયા છે બાકી રસ્તાઓની હાલત સારી છે.

ફરી 5 વર્ષ સેન્ટ્રલ ઝોનનાં લોકોને હાલાકી ભોગવવી પડશે

છેલ્લા 5 વર્ષમાં સેન્ટ્રલ ઝોનમાં નવી પાઈની લાઈન અને ડ્રેનેજ લાઈન નાંખવાને કારણે પાલિકા દ્વારા નવા રસ્તાઓ બનાવવામાં આવ્યા નથી. ફક્ત થિંગડા મારીને જ કામ ચલાવવામાં આવ્યું છે. એટલું જ નહીં જ્યાં રસ્તાઓ બન્યા છે ત્યાં ફિનિશિંગ વર્ક પણ કરાયું નથી. ત્યારે હવે આ પંચવર્ષીય યોજના બાદ સેન્ટ્રલ ઝોનના રહેવાસીઓ માટે બીજી પંચવર્ષીય યોજના શરૂ થવાની છે. આવતા વર્ષથી સેન્ટ્રલ ઝોનમાં અંડરગ્રાઉન્ડ મેટ્રો રેલ માટેનું ખોદાણ શરૂ થઈ જશે. જેને કારણે સ્ટેશનથી ચોક સુધીનો સમગ્ર રોડ મેટ્રો રેલ પ્રોજેક્ટની બાનમાં રહેશે. એવામાં આવનારા 5 વર્ષ કે કદાચ તેથી વધુ વર્ષો માટે સેન્ટ્રલ ઝોનના લોકોને ડાયવર્ઝન વાળા રસ્તાઓથી જ કામ ચલાવવું પડશે.

15 ઓક્ટોબર સુધી મરામતનું કામ થયા બાદ નવા રસ્તાઓ બનાવવાનું કામ હાથ પર લેવાશે – બી.આર.ભટ્ટ, કાર્યપાલક ઇજનેર, સુરત મનપા

આખા સેન્ટ્રલ ઝોનમાં 24 બાય 7 પાણીનું નેટવર્ક નંખાઈ ગયું છે. ગટર અને પાણીની લાઈન મળીને અત્યાર સુધી 49 કિમી લાઈનો નંખાઈ ગઈ છે. જે રસ્તાઓ પર ખોદાણ થયું છે ત્યાં જ વરસાદને કારણે ખાડાઓ પડી રહ્યા છે. આ રસ્તાઓનું કાર્પેટિંગનું કામ હવે શરૂ થશે. જોકે તે પહેલા સમગ્ર સેન્ટ્રલ ઝોનમાં 15 ઓક્ટોબર પહેલા ખાડાઓનું રિપેરિંગ કરાશે. એટલું જ નહીં સેન્ટ્રલ ઝોનમાં અમુક રસ્તાઓને સીસીરોડ બનાવવાનું પણ આયોજન છે.

Most Popular

To Top