SURAT

સુરતના આ બે ઝોન કોરોનાના હબ બન્યા, 5 દિવસમાં 1000થી વધુ કેસ મળ્યા

સુરત: (Surat) શહેરમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ચૂકી છે. શહેરમાં થોડાક દિવસો પહેલા પ્રતિદિન માત્ર પાંચ દસ કેસ (Case) નોંધાતા હતા. જેમાં હવે ઉછાળો આવ્યો છે. શહેરમાં કોરોનાના કેસ દરરોજ ડબલ થઈ રહ્યા છે. જેમાં પણ સૌથી વધારે કેસ અઠવા અને રાંદેર ઝોનમાં (Zone) નોંધાઈ રહ્યા છે. છેલ્લા પાંચ જ દિવસમાં આ બે ઝોનમાં મળીને 1000 ની ઉપર કેસ નોંધાયા છે. 1 જાન્યુ.થી 5 જાન્યુ. દરમિયાન અઠવા ઝોનમાં 714 અને રાંદેર ઝોનમાં 330 એમ મળીને 1044 કેસ નોંધાયા છે. આ બે જ ઝોનમાં વધુ કેસ નોંધાવવાનું મુખ્ય કારણ આ ઝોનના લોકોની સેલ્ફ અવેનરનેસ હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

મનપાના આરોગ્ય વિભાગ પાસેથી જાણવામાં આવ્યું છે કે, અન્ય ઝોનના લોકો ભીડભાડ વાળી વસતીમાં રહેવા માટે ટેવાયેલા છે. જ્યારે રાંદેર ઝોન અને અઠવા ઝોન એ શહેરના પોશ વિસ્તારમાં ગણાય છે. શહેરના અન્ય ઝોનની સરખામણીએ આ બે ઝોનના લોકોની આદતો ઘણી અલગ છે તેવું પણ તારણ કાઢવામાં આવી રહ્યું છે. રાંદેર અને અઠવા ઝોનમાં ચોખ્ખાઈમાં રહેવાની આદત પણ વધારે સંક્રમિત કરી શકે છે. જે લોકો ગમે તે પરિસ્થિતિમાં રહેવા ટેવાયેલા હોય તેઓની રોગ પ્રતિકારક શક્તિ પણ પ્રમાણમાં વધુ હોય છે. જેથી તેઓ જલદી સંક્રમણમાં આવતા નથી. મનપા દ્વારા તમામ ઝોનમાં એક સરખું જ ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. પરંતુ અઠવા અને રાંદેર ઝોનમાં લોકો સામેથી ટેસ્ટીંગ માટે જઈ રહ્યા છે. પ્રાઈવેટ લેબ અને હોસ્પિટલોમાં તેઓ સારવાર અને ટેસ્ટીંગ કરાવી રહ્યા છે. જેથી પણ અહી કેસ વધુ નોંધાઈ રહ્યા છે.

સુરતમાં કોરોનાના કેસ વધી જતાં 10 ટકા નમૂના જ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાય છે

સુરત : શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રોજ બેથી દોઢ ગણા વધુ દર્દી વધી રહ્યા છે. ત્યારે મનપા દ્વારા પણ 1 જાન્યુઆરીથી ટેસ્ટિંગની સંખ્યા વધારી દેવાઇ છે. 31મી તારીખ સુધી મનપા દ્વારા રોજ 10 હજાર જેટલાં ટેસ્ટિંગ કરાતાં હતાં. પરંતુ જેમ જેમ સંક્રમણ વધી રહ્યું છે તેમ તેમ ધન્વંતરી રથની સંખ્યા પણ વધારાઇ હોવાથી હાલમાં 150થી વધુ ધન્વંતરી રથમાં ટેસ્ટિંગની સુવિધા ઊભી કરાઇ છે. આ ઉપરાંત કાયમી સેન્ટરો, હેલ્થ સેન્ટર તો ખરાં જ. ડિસેમ્બર માસના અંત સુધી મનપા દ્વારા રોજના ટેસ્ટિંગનો આંક 10 હજાર હતો, તે પણ ક્રમશ: વધારીને 15000 પર લઇ જવાયો છે. મનપા દ્વારા પહેલી તારીખે 12000, બીજીએ 12800, ત્રીજીએ 13200 અને ચોથીએ 14000 હજાર, જ્યારે પાંચમીએ 15000 ટેસ્ટ કરાયાં છે.

જો કે, હવે દેશભરમાં ઓમિક્રોનનો ઉછાળો આવતાં તમામ રિપોર્ટ જીનોમ સિક્વન્સ માટે મોકલવા શક્ય નથી. આથી આરોગ્ય વિભાગની ગાઇડલાઇન મુજબ ફોરેન હિસ્ટ્રી ધરાવતા તેમજ જે રિપોર્ટમાં સિટી વેલ્યુ 24થી નીચે હોય તે રિપોર્ટને જીનોમ સિક્વન્સ માટે પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. જો કે, ઓમિક્રોને શહેરમાં ભરડો લેવાનું શરૂ કરી દીધો છે. ત્યારે આરોગ્ય વિભાગના મતે હાલમાં મળી રહેલા કેસ પૈકી 70 ટકામાં ઓમિક્રોનની હાજરી હોવાની શક્યતા છે.

Most Popular

To Top