સુરત: (Surat) શહેર કોરોનાની બીજી લહેરમાંથી ઝડપથી પસાર થઈ નીકળી ચૂક્યું છે. માર્ચ મહિનાની શરૂઆતથી શહેરમાં કોરોનાના કેસ (Corona Case) ફરીથી વધવા લાગ્યા હતા. એક સમયે પ્રતિદિન 22 જેટલા કોરોનાના કેસ નોંધાતા હતાં પરંતુ નવા સ્ટ્રેઈનના કારણે પોઝિટિવ દર્દીઓની સંખ્યા ખુબ જ ઝડપથી વધી હતી. શહેરમાં આખા ને આખા પરિવાર જ ચપેટમાં આવી રહ્યા હતા. ઝડપથી પ્રસરેલા સ્ટ્રેઈનને મનપા તંત્ર દ્વારા ઝડપથી કાબુમાં લેવામાં આવ્યું હતું. અને હવે પોઝિટિવિટી રેટ ઘટીને 1 ટકાની પણ નીચે આવી ગયો છે. સુરતમાં છેલ્લે 2 માર્ચના દિવસે 81 પોઝિટિવ દર્દી નોંધાયા હતા. અને આજે ત્રણ માસ બાદ શહેરમાં 80 પોઝિટિવ દર્દી નોંધાયા છે. સાથે કુલ આંક 110019 પર પહોંચ્યો છે. વધુ 1ના મોત સાથે કુલ મૃત્યુઆંક પણ 1614 થયો છે. વધુ 184 દર્દીઓ સાજા થવાની સાથે અત્યાર સુધીમાં કુલ 106700 લોકો સાજા થયા છે અને રિકવરી રેટ (Recovery Rate) વધીને 96.98 ટકા થયો છે.
- કયા ઝોનમાં કેટલા કેસ
- ઝોન કેસ
- સેન્ટ્રલ 06
- વરાછા-એ 08
- વરાછા-બી 07
- રાંદેર 20
- કતારગામ 10
- લિંબાયત 06
- ઉધના 05
- અઠવા 18
કેસ ઘટતા હોસ્પિટલો ખાલી
સુરત : સુરતમાં કોરોનાના કેસો ઘટતાની સાથે જ સ્ટેમસેલ બિલ્ડીંગમાં છ જેટલા અલગ અલગ ફ્લોર બંધ કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ હવે ત્રીજી લહેરની પણ તૈયારીઓ આરંભી દેવામાં આવી હોવાની વિગતો સાંપડી છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં હાલમાં કોરોનાના 109 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જેમાંથી 48 દર્દીઓ ઓક્સિજન ઉપર છે, 28 દર્દી બાયપેપ અને 9 દર્દી વેન્ટીલેટર ઉપર છે. બીજી વેવ દરમિયાન અંદાજે 1500 દર્દીઓ સુરત સિવિલમાં દાખલ થતા હતા, ત્યારે હાલમાં માત્ર 109 જેટલા જ દર્દીઓ છે. સુરતમાં કોરોનાના કેસો ઘટતાની સાથે એક દિવસ પહેલા કિડની હોસ્પિટલને બંધ કરી દેવામાં આવી હતી. સાતથી આઠ જેટલા દર્દીઓને સ્ટેમસેલ બિલ્ડીંગમાં દાખલ કરાયા હતા. ત્યાં હવે સિવિલની સ્ટેમસેલ બિલ્ડીંગમાં છ જેટલા અલગ અલગ ફ્લોર ખાલી કરી દેવામાં આવ્યા છે. હાલમાં ચાર જેટલા જ ફ્લોર ચાલુ છે. જેમાં વેન્ટીલેટરનો એક ફ્લોર, જનરલ વોર્ડ અને આઇસીયુ માટેનો એક વોર્ડ શરૂ રાખવામાં આવ્યો છે. જો કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા હવે ત્રીજી વેવની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી હોવાથી તેની પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
કોરોના રિલીફ માટે પાલિકાને મળ્યું ફંડ
સુરત: વૈશ્વિક મહામારી કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સુરત મહાનગરપાલિકા અથાગ પ્રયત્નો કરી રહી છે. સુરત મહાનગરપાલિકાના શહેરીજનોને કોરોના સામે સુરક્ષિત રાખવા અને કોરોનાને નાથવાના વિવિધ કાર્યો તથા પ્રયાસોના મહા સેવાયજ્ઞમાં જરૂરી ફાળો આપવા ગુજરાત રાજ્ય જીઆઈડીસીના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેકટર એમ.થેન્નારસન પણ સુરત મનપાને પુરતો સહયોગ પુરો પાડવા પ્રયત્ન કરી રહ્યા છે. તેઓના જરૂરી માર્ગદર્શન મુજબ જી.આઈ.ડી.સી, અંકલેશ્વર તરફથી રમેશભાઈએ રૂા. 13.50 લાખનો ચેક સુરત મહાનગરપાલિકાના કોરોના ફંડ માટે આપ્યો છે. અગાઉ પણ જી.આઈ.ડી.સી તરફથી સુરત મહાનગરપાલિકાના કોરોના ફંડમાં યથાયોગ્ય ફાળો મળ્યો છે.