સુરત: (Surat) કામરેજમાં સોલાર કંપની ચાલી રહી હોવાની વાતો કરી ભાઠેના ખાતે રહેતા આરટીઓના એજન્ટ (RTO Agent) અમર વીરા પટેલ પાસે કેતુલ નામના મધ્યસ્થીએ 270 જેટલી કાર (Car) ભાડે લઇ ચારેક મહીના ભાડૂ ચુકવ્યાં પછી આ આ કારો પૈકી કેટલીક કારો બારોબાર વેચી દીધી હતી. જ્યારે કેટસીલ કાર ફાયનાન્સરને ત્યાં આરસી બુક,વીમા અને રજિસ્ટ્રેશન પત્રના આધારે ફાયનાન્સરને ત્યાં ગિરવે મુકી મોટી રકમ મેળવી ફરાર થઇ જતા વાહનો જેમની માલિકીના હતા તેઓ દોડતા થયા છે. આ મામલે અમર પટેલે સુરતના ઇન્ચાર્જ આરટીઓ હાર્દિક એ પટેલ અને ઉધના પોલીસ સ્ટેશનમા લેખિત અરજી આપી છે.
- ભાઠેનાના એજન્ટ અમર પટેલે આરટીઓ અને ઉધના પોલીસ મથકે ભાડે આપેલી કાર કેતુલ નામના વ્યક્તિએ સગેવગે કરી હોવાની ફરિયાદ કરી
- ભાડે અપાયેલી કારો પૈકી કેટલીક કારો પોલીસ કર્મીઓએ ખરીદી લીધી
સોલાર કંપનીમાં કાર ભાડે આપવાના નામે ૨૭૦ ફોર વ્હીલર કેતુલ પરમાર નામના વ્યક્તિએ બારોબાર વેચી દીધી હોવાનું ભોપાળું સામે આવ્યું છે . ૨૦ કરોડથી વધુની કિંમતની ૨૭૦ કાર પૈકી કેટલીક વેચી દીધી તો કેટલીક કાર ફાઇનાન્સરને ત્યાં ગિરવે મૂકી દીધી છે. આરટીઓને કરવામા આવેલી અરજીમાં જણાવાયુ હતું કે , થોડા સમય અગાઉ લસકાણા ખાતે આવેલા સુભમ રો – હાઉસમાં રહેતા કેતુલ નામના વ્યક્તિ સાથે ઓળખ થઇ હતી.
તેઓ પોતે સોલાર કંપનીમાં કામ કરતા હોવાનું જણાવ્યું હતું અને તેમણે 270 કાર ભાડે લેવાની વાત જણાવી હતી. તેની વાતમાં આવી અમરે 142 કાર પોતાના મિત્રો અને સંગાસંબંધીઓની ભાડે મુકાવી હતી. જ્યારે અન્ય કાર અન્યોની માલિકીની હતી. ત્રણેક કાર આરટીઓમાં ખરીદનારા વ્યક્તિઓના નામે ટ્રાન્સફર થઇ છે. જ્યારે કેટલીક કાર માત્ર 2થી 3લાખમાં વેચાઇ હોવાથી પોલીસ કર્મચારીઓ પણ આ કારોની ખરીદી કરી છે. મૂળ માલિકોએ પોલિસ કર્મીઓને ફરિયાદ કરતા પોલીસોએ તેમણે ખરીદેલી કારના રૂપિયા મળતા હોય તો પરત આપવા તૈયારી દર્શાવી છે.
ફરિયાદી પોલીસ એફઆઇઆરની નકલ આપશે તો કાર બ્લેક લિસ્ટેડ કરી દઇશુ: આરટીઓ
સુરતના ઇન્ચાર્જ આરટીઓ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે સુરત આરટીઓમાં આ 270 કાર પૈકી 2થી 3 કાર દસ્તાવેજોના આધારે અન્ય વ્યક્તિઓના નામે કઇ રીતે ટ્રાન્સફર થઇ તેની આવતીકાલે તપાસ કરી ખાતરી કરાશે. આ મામલામા ફરિયાદી અમર પટેલ પોલીસ એફઆઇઆરની નકલ આરટીઓમા જમા કરાવશે તો આરટીઓ દ્વારા કાર બ્લેક લિસ્ટેડ કરાશે