સુરતઃ (Surat) શહેરના કાપોદ્રાથી કામરેજ જતા રસ્તે નિયોલ ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમિયાન માસ્ક (Mask) અને સીટ બેલ્ટ નહીં પહેરવા બદલ દંડ ભરવાનું કહેતા ઉશ્કેરાયેલા કાર ચાલક અને મિત્રોએ પોલીસ અને ટીઆરબી જવાનને માર મારી કપડા ફાડી નાખ્યા હોવાની ફરિયાદ પુણા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
- નિયોલ ચેક પોસ્ટ પર સીટ બેલ્ટ અને માસ્ક નહીં પહેરવા મુદ્દે દંડ ભરવાનું કહેતા જવાનો ઉપર હૂમલો
- બંને મિત્રો ટીઆરબીને માર મારી કાર લઈને ભાગી ગયા
- ‘તમે લોકોને લુંટવા માટે ઉભા છો, સરકાર પ્રજાને મારવા બેઠી છે’
કામરેજ રોડ સ્થિત નિયોલ ચેક પોસ્ટ ઉપર ગઈકાલે ટ્રાફિક પોલીસના પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશ ગીલાભાઇ, હેડ કોન્સ્ટેબલ નવીન વિજય સહિતનો સ્ટાફ ટ્રાફિક નિયમનની કામગીરી કરી રહ્યો હતો. ત્યારે નિયોલ ચેક પોસ્ટ તરફથી આવી રહેલી મારૂતિ ઇકો કાર નં. જીજે-19 બીએ-5457ના ચાલક અને તેની બાજુમાં બેઠેલા યુવાને માસ્ક અને સીટ બેલ્ટ પહેર્યા નહોતા. જેથી કલ્પેશે કાર અટકાવી શીટ બેલ્ટ નહીં બાંધવા બદલ દંડ ભરવાનું કહ્યું હતું. સાથે જ માસ્ક પહેરવા તાકીદ કરી હતી. કાર ચાલક સહિત બંને મિત્રોએ દંડ ભરવાનો ઇન્કાર કરી રસ્તાની વચ્ચે ઉભા રહી ‘તમે લોકોને લુંટવા માટે ઉભા છો, સરકાર પ્રજાને મારવા બેઠી છે’ એમ કહી બુમાબુમ કરી વાહન વ્યવહાર અટકાવી દીધો હતો.
બંને મિત્રોએ ઉશ્કેરાઈને કલ્પેશને ઢીકમુક્કીનો માર મારતા ટીઆરબીના જવાન ઉમેશ માવજીએ તેઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ઉમેશને પણ માર મારી શર્ટ ફાડી નાંખ્યો હતો. ઘટના બાદ બંને જણા કાર લઈને ભાગી ગયા હતા. ઘટનાને પગલે પુણા પોલીસે બંને મિત્રોની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.