સુરત: સુરતમાં (Surat) વધુ એક દોડતી કાર (Car) સળગી (Fire) હોવાની ઘટના સામે આવી છે. શુક્રવારે વહેલી સવારે પરવત પાટિયા (Parvat Patia) નજીક ઓવર બ્રિજ (Over Bridge) પર ચાલુ કારમાં આગ લાગી જતા અફરાતફરી મચી જવા પામી હતી. કારમાં આગ લાગ્યાની જણ થતાં જ ફાયર વિભાગની ગાડી ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. કારનો આગળનો ભાગ બળીને ખાખ થઈ ગયો હતો. કારમાં ત્રણ લોકો સવાર હતા.
મળતી માહિતી અનુસાર પરવત પાટિયા વિસ્તારમાં આઈ માતા ચોક પાસે આવેલા ઓવર બ્રિજ પર એક સ્વીફ્ટ કારમાં અચનાક આગ લાગી હતી. ફાયર વિભાગને કારમાં આગ લાગી હોવાનો કોલ મળતા જ ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. ફાયર વિભાગના અધિકારી પાસે મળતી માહિતી અનુસાર શુક્રવારે સવારે 10:30 વાગ્યે આઈ માતા ઓવર બ્રિજ સરદાર માર્કેટ સામે એક કારમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. નરેશકુમાર નટરવલાલ વનાચીવાળા સીએનજી સ્વીફટ કાર GJ-05-CL5385કાર લઈ કોઈ કારણસર બહાર ગયા હતા. ત્યારે આઈ માતા ચોક નજીક ઓવર બ્રિજ પર એકાએક કારના બોનેટમાંથી ધૂમાડાના ગોટા નીકળવા લાગ્યા હતા. કારમાં સવાર નરેશભાઈ સાથે અન્ય બે વ્યક્તિ કારને સાઈડમાં ઊભી રાખી કારમાંથી ઉતરી ગયા હતા અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગના જવાનોએ કારના બોનેટ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. ફાયર વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર કારની બોનેટમાં શોર્ટ સર્કિટ થતા કારમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
બે દિવસ પહેલાં પનાસ ગામ પાસે કાપડના વેપારીની બીએમડબલ્યુ કાર સળગી હતી
સુરત: હજુ બે દિવસ પહેલાં બુધવારે રાત્રે પનાસ ગામ બીઆરટીએસ રોડ પર બીએમડબલ્યુ કારમાં આગ લાગી હતી. કાપડના વેપારી જીમમાંથી ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન ચાલુ કારમાં આગ લાગવાની ઘટના બની હતી. જેથી કારચાલકે સમયસુચકતા વાપરી કાર સાઈડમાં પાર્ક કરી કારમાંથી નીચે ઉતરી ગયા હતા. જેથી તેમનો આબાદ બચાવ થયો હતો અને થોડીક જ વારમાં સમગ્ર કાર આગની ચપેટમાં આવી ગઈ હતી. ઘટના અંગે ફાયર વિભાગને જાણ થતા ફાયરની ટીમે આગ પર કાબુ લીધો હતો પરંતુ ત્યાં સુધીમાં સંપુર્ણ કાર આગમાં બળીને ખાક થઈ ગઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, સુરત પનાસ ગામમા લકઝરી બીએમડબલ્યુ કાર (નંબર GJ05 JE 9050)માં અચાનક આગ લાગી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચાલુ કારે આગ લાગતા લોકો ગભરાયા હતા. કાર ચાલક કાપડના વેપારી પ્રવીણભાઈ ગાંધી જીમ ગયા હતા અને જીમથી પરત ફરતા હતા. તે દરમિયાન ચાલુ કારમાં ધુમાડો દેખાયો હતો. બોનેટમાં આગ લાગ્યા બાદ આગ વિકરાળ બની હતી. પરંતુ કાર ચાલક કારમાંથી બહાર નીકળી જતાં કોઈ જાનહાનિ થઈ નહોતી. તેઓએ સમયસર કાર રોડ બાજુએ પાર્ક કરીને ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતા ફાયરના જવાનોએ દોડી આવ્યા હતા અને આગ કાબુમાં લીધી હતી.