સુરત: (Surat) પલસાણાનાં સાકી ગામમાં આવેલી શ્રી રેસિડન્સીમાંથી પોલીસે (Police) 1 કરોડ 15 લાખની કિંમતોનો ગાંજો (Cannabis) પકડી પાડ્યો છે. સુરત નજીક આવેલા પલસાણાના સાંકી ગામેથી ગાંજાના નશીલા કારોબારનું નેટવર્ક ઝડપાયું છે. એસઓજીએ (SOG) આ કેસમાં એક આરોપીની ધરપકડ (Arrest of the accused) કરી છે. જ્યારે ત્રણ આરોપીઓને વોન્ટેડ (Wanted) જાહેર કર્યાં છે. આટલા મોટા પ્રમાણમાં ગાંજો ઓડિશાથી (Odisha) લાવવામાં આવતો હતો. ગાંજો એપાર્ટમેન્ટના ફ્લેટમાં રખાયો હતો જ્યાં ગાંજાથી ભરેલી બોરીઓ રૂમમાં ખચાખચ ભરીને મુકવામાં આવી હતી.
એસઓજીએ રાત્રિના સમયે બાતમીના આધારે સાંકી ગામ, લબ્ધી બંગ્લોઝ કમ્પાઉન્ડમાં આવેલ શ્રી એપાર્ટમેન્ટનાં બીજા માળે આવેલા 204 નંબરનાં ઘરમાંથી એસઓજીએ 1143 કિલોગ્રામનો ગાંજાનો જથ્થો પકડી પાડ્યો છે. પોલીસે હાલ વિકાસ બુલી નામના એક આરોપીની ધરપકડ કરી છે. બિકાસ બુલી ગૌડા (ઉ.વ.19) હાલ કતારગામ, ઉત્કલ નગર,રેલ્વે લાઇન પાસે, ઝુપડપટ્ટી, સુરત ખાતે રહે છે જ્યારે તે મુળ ચટુલા ગામ, તલાસાહી મહોલ્લો, પોસ્ટ -કેનડુપદર, થાના-ગાંગપુર, જિ-ગંજામ, ઓડિશાનો વતની છે. આ સાથે અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યાં છે. આ 1143 કિલોગ્રામ ગાંજાની બજાર કિંમત 1 કરોડ અને 15 લાખ આંકવામાં આવી રહી છે. આરોપીઓ ઓડિશાથી મોટા જથ્થામાં ગાંજો લાવીને છૂટક વેચતા હતા. હતો. મુખ્ય સુત્રધાર પકડાયા પછી સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થશે તેમ સુત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે.
પોલીસને ફ્લેટમાંથી 32 જેટલી ગાંજો ભરેલી ગુણ મળી આવી હતી. કોથળામાં ભરેલ ગાંજાના જથ્થાને પોલીસે સીઝ કરીને સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. સાથે જ પોલીસે મુદ્દામાલમાં આરોપીના મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને જે પ્રાથમિક માહિતી મળી છે તે અનુસાર ઓડિશાના ગંજામ જિલ્લામાંથી સમગ્ર ગાંજાનો જથ્થો બારડોલીના સાંકી ગામે લવાતો હતો. અહીં ફ્લેટમાં ગાંજાના જથ્થાને રાખ્યા બાદ વાપી, સુરત, વડોદરા, ભરૂચ સહિતના ઔદ્યોગિક વિસ્તારમાં ગાંજાનો જથ્થો સપ્લાય કરવામાં આવતો હતો. હાલ પોલીસ ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરશે આ સાથે તેના ઘર અને મોબાઇલની પણ તપાસ કરશે. આ લોકો ક્યારથી આ નશાનો કારોબાર કરતા હતા અને કયા કયા વિસ્તારોમાં કોને કોને આ નશીલો પદાર્થ આપતા હતા તે અંગેની પણ સઘન તપાસ કરશે.