SURAT

સુરતના કેબલ સ્ટેઈડ બ્રિજ પર આ ટેક્નોલોજીથી રંગબેરંગી લાઈટની દિવાલ બનાવાશે

સુરત(Surat): સુરતની શાન એવો કેબલ સ્ટેઈડ બ્રિજ (Cable Stayed Bridge) બનીને 3 વર્ષ કરતાં વધુ સમય થઈ ચૂક્યો છે. કેબલ સ્ટેઈડ બ્રિજ પર અગાઉ ફસાદ ટેક્નોલોજીથી લાઈટિંગ (Lighting) કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ જે-તે સમયે તે શક્ય બન્યું નહોતું. જો કે, હવે કેબલ સ્ટેઈડ બ્રિજનો મેઈન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આપતી વખતે મનપા દ્વારા તેમાં ફસાદ લાઈટિંગથી બુર્જ ખલીફાની (Burge Khalifa) જેમ લાઈટિંગ કરવા માટેનું આયોજન કરી દીધું છે. સાથે જ કેબલ સ્ટેઈડ બ્રિજના મોનિટરિંગ માટે રૂ.16.89 કરોડના ખર્ચે સિસ્ટમ નંખાશે. અને રૂ.2.97 કરોડના ખર્ચે યુનિક લાઈટિંગ સિસ્ટમ નાંખવામાં આવશે. જે માટે હવે મનપા દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત મનપા કમિશનર બંછાનિધિ પાની અને પોલીસ કમિશનર વચ્ચે મીટિંગ થઈ હતી અને સિસ્ટમ ઈન્સ્ટોલ કરવા માટે તેમજ કંટ્રોલ સિસ્ટમ માટે એક માસ માટે બ્રિજ બંધ રાખવા માટેનો નિર્ણય કરાયો છે.

કેબલ સ્ટેઈડ બ્રિજને એક માસ માટે બંધ રાખવાની મંજૂરી મળતાં જ આ કામગીરી શરૂ કરી દેવાશે અને લગભગ દિવાળી સુધીમાં કેબલ સ્ટેઈડ બ્રિજ પર યુનિક લાઈટિંગ શરૂ થઈ જશે તેમ જાણવામાં આવ્યું છે. યુનિક કન્સ્ટ્રક્શન દ્વારા આ કામગીરી માટે 40 દિવસ એક તરફનો બ્રિજ બંધ રાખવાની મંજૂરી માંગવામાં આવી છે. પરંતુ મનપા દ્વારા 30 દિવસ માટે બ્રિજ બંધ રાખવા માટેની મંજૂરી અપાશે.

સુરતના કેબલ સ્ટેઈડ બ્રિજ પર જે લાઈટિંગ થનાર છે તેને ફસાદ પિક્સલ ટેક્નોલોજીથી થતી લાઈટિંગ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં મોટા ભાગે ફિક્સ અને ડાયનેમિક ટેક્નોલોજીથી રોશની કરવામાં આવે છે. કેબલ સ્ટેઈડ બ્રિજની વિશિષ્ટતાને ધ્યાને રાખીને થનારી આ લાઈટિંગની મદદથી કેબલ સ્ટેઇડ બ્રિજનો અનોખો નજારો ઊભો કરાશે, જેમાં RGBW (રેડ, ગ્રીન, બ્લ્યુ, વ્હાઇટ) એમ ચાર કલર હશે. જેના જુદા જુદા પ્રકારે કોમ્બિનેશન સેટ કરવામાં આવશે. તે 16 લાખ કોમ્બિનેશન બનાવીને બ્રિજને નવા જ રંગરૂપ આપશે. કલરની આખી કેબલ સુધીની વોલ બનશે અને દૂરથી રંગબેરંગી કલરની દીવાલ હોય તેવો આભાસ ઊભો થશે. વાર તહેવાર તેમજ ઓકેશનવાઇઝ ઇફેક્ટ રચી શકાય તેવી ટેક્નોલોજી આ લાઇટિંગમાં કરાશે.

કેબલ સ્ટેઈડ બ્રિજના મેઈન્ટેનન્સ માટે પાંચ વર્ષમાં 5.66 કરોડનો ખર્ચ કરાશે
ભારતમાં સિંગલ પ્લેન પ્રકારના બ્રિજ ખૂબ જ ઓછા છે. સુરતના કેબલ બ્રિજનું બાંધકામ રેટ્રોફિટિંગ પ્રકારે થયેલું છે. આ પ્રકારની ડિઝાઈન ઘણી ઓછી હોય છે. જેથી આ બ્રિજની સલામતી માટે સ્ટ્રક્ચરલ હેલ્થ મોનિટરિંગ સિસ્ટમ લગાવવી જરૂરી છે. જેથી હવે મનપા દ્વારા તે માટે શાસકો સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવી છે. આ સિસ્ટમનો ઉપયોગ કરીને કેબલમાં કોઈ ખરાબી છે કે નહીં તેની પણ જાણકારી મેળવવા સાથે સાથે ટેમ્પ્રેચર અને લોડ અંગેની માહિતી પણ મળી જશે.

આ સાથે વાઈબ્રેશન, સ્ટ્રેસ, ડીસપ્લેસમેન્ટ્સ, ડિફ્લેક્શન, વિન્ડ પ્રેશર સહિતની તમામ માહિતી સિસ્ટમમાં મુકાઈ હશે તે કંટ્રોલ રૂમમાં મળી રહેશે. કેબલ પર લગાડવામાં આવનારાં સેન્સર્સ પરથી કેબલ ફોર્સ, વાઈબ્રેશન, ટેમ્પ્રેચર, સ્ટ્રેસ મોનિટરિંગ, ડીસપ્લેસમેન્ટ/ડીફ્લેક્શન, વિન્ડ પ્રેશર વગેરે પેરામીટરનો રિયલ ટાઈમ મોનિટરિંગ કરી શકાશે અને બ્રિજમાં થતી ડિફેક્ટની આગોતરી જાણ મેળવી શકાશે. સિસ્ટમ સ્ટ્રક્ચરમાં થતી કોઈપણ વાંધાજનક સ્થિતિ ઊભી થાય તો એલર્ટ મેળવી શકાશે. તેમજ કેબલ બ્રિજના મોનિટરિંગ સિસ્ટમ પરથી તૈયાર થતા રિપોર્ટના જરૂરી વિશ્લેષણ માટે એનઆઈટી અથવા સરકાર માન્ય સંસ્થાની નિયુક્તિ પણ કરાશે. આ કામ માટે કેબલ સ્ટેઇડ બ્રિજનો પ્રોજેક્ટ સાકાર કરનાર એકમાત્ર ટેન્ડર યુનિક કન્સ્ટ્રક્શન દ્વારા 5 વર્ષના મેઈન્ટેનન્સ માટે રૂ.5.66 કરોડ ખર્ચાશે.

મનપાના ટેક્નિકલ સ્ટાફને પણ ટ્રેનિંગ આપવામાં આવશે
યુનિક કન્સ્ટ્રક્શન દ્વારા 5 વર્ષ સુધી કેબલ બ્રિજની મોનિટરિંગની કામગીરી કરવામાં આવશે. જે દરમિયાન મનપાના ટેક્નિકલ સ્ટાફને પણ ટ્રેનિંગ આપવામાં આવશે. જેથી આવનારા સમયમાં મનપાના સ્ટાફ દ્વારા જ મોનિટરિંગ કરવામાં આવશે. કેબલ સ્ટેઈડ બ્રિજના કંટ્રોલ સેન્ટર અઠવા તરફ તૈયાર કરાશે. સાથે સાથે મનપાના સ્મેક સેન્ટરથી પણ કંટ્રોલ સેન્ટરની કામગીરી થઈ શકે એ રીતનું આયોજન કરવામાં આવશે.

Most Popular

To Top